લૉકડાઉન કાઉન્ટડાઉન: જો સુધરીશું નહીં, સમજણ નહીં વાપરીએ તો ગણતરી ચાલુ કરી દેવાની છે

Published: 21st February, 2021 10:42 IST | Manoj Joshi | Mumbai

જો તમે ભૂલી ગયા હો તો યાદ કરાવી દેવાનું કે બ્રિટનમાં હજી હમણાં સુધી લૉકડાઉન હતું. હજી માંડ એક વીક થયું કે ત્યાંથી લૉકડાઉન હટાવી દેવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માર્ચ મહિનો ગયા વર્ષથી જ કંઈક વિચિત્ર રીતે ભારે થઈ ગયો છે. માનવામાં ન આવે એ રીતે ઇન્ડ‌િયામાં કોવિડનો પ્રવેશ થયો અને માનવામાં ન આવે એ રીતે પહેલાં કેરલામાં અને એ પછી પુણેમાં કોવિડની હાજરી દેખાઈ. ગણતરી નહોતી રાખી મનમાં, પણ એકાએક જ મુંબઈમાં પણ કોવિડના કેસ નોંધાવાનું શરૂ થઈ ગયું અને માર્ચ મહિનાના આરંભમાં જ નક્કી થઈ ગયું કે આપણે પણ વિશ્વના અનેક દેશોની જેમ લૉકડાઉનના રસ્તે જવું પડશે. લૉકડાઉન શબ્દ ઘરે-ઘરે જાણીતો થઈ ગયો. જાણીતો પણ થયો અને આજે પણ હજી જાણીતો જ છે. જો તમે ભૂલી ગયા હો તો યાદ કરાવી દેવાનું કે બ્રિટનમાં હજી હમણાં સુધી લૉકડાઉન હતું. હજી માંડ એક વીક થયું કે ત્યાંથી લૉકડાઉન હટાવી દેવામાં આવ્યું છે.

આપણે પણ આ માર્ચથી એ જ રસ્તે વળી જવાના છીએ, લૉકડાઉનના રસ્તે. હા કાઉન્ટડાઉન તો આપણે ચાલુ કરાવી જ દીધું છે, પણ એ લૉકડાઉન જો જોઈતું ન હોય, જો આપણે એને લાવવા ન માગતા હોય અને આપણે એનાથી દૂર રહેવા માગતા હોઈએ તો સ્વૈચ્છિક લૉકડાઉનના રસ્તે આપણે વળી જવાની જરૂર છે. બે દિવસ પહેલાં જ મ્યુનિસિપલ કૉર્પોરેશને અનાઉન્સ કર્યું કે પાંચ કે એનાથી વધુ કેસ હશે એ સોસાયટીને લૉક કરવામાં આવશે. એવું પણ અનાઉન્સ થયું કે જરૂર પડશે તો નવેસરથી કોવિડ હૉસ્પિટલ શરૂ કરવા માટે પ્રાઇવેટ હૉસ્પિટલને સમજાવવામાં આવશે. વિચારો, આ બધી વાતો આપણે મે અને જૂનમાં કરતા હતા અને એ પછી હવે ફરીથી કરવાનો વારો આવી ગયો છે. વૅક્સિન આવી ગયા પછી પણ આપણે આવી વાતો કરવી પડે છે. આને માટે ક્યાંય સરકાર જવાબદાર નથી. ના, જરાય નહીં. નથી મહારાષ્ટ્ર સરકાર જવાબદાર કે પછી નથી કેન્દ્ર સરકાર જવાબદાર.

સરકારોએ આર્થિક અવસ્થાને ધ્યાનમાં રાખીને, દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને પરમિશન આપવાનું શરૂ કર્યું, પણ જરા તમે જ વિચારો કે એ પરમિશન પછી પણ ઘરની બહાર તમે નીકળવા રાજી ન હો તો કોઈ કશું ન કરી શકે. કોઈ હાથ પકડીને બહાર ખેંચી ન શકે. આપણે જ બહાર ખેંચાઈ રહ્યા છીએ. જાણે આપણે લોખંડના હોઈએ અને બહાર જાણે મૅગ્નેટ હોય એવી રીતે ખેંચાઈ જઈએ છીએ, પણ યાદ રહે કે બહાર કોવિડ છે, એ હજી ગયો નથી. મુંબઈમાંથી પણ એણે વિદાય નથી લીધી અને મહારાષ્ટ્ર કે દેશમાંથી પણ એની રવાનગી નથી થઈ. વિચારો જરા કે આખેઆખો મહામારીનો પિરિયડ પસાર કરી લીધા પછી આપણે નવેસરથી એ જ મહામારીના આતંકમાં ફસાઈએ તો મૂર્ખામી કોની ગણાશે, કોણ એને માટે જવાબદાર લેખાશે?

તમે, હા, તમે અને માત્ર તમે. ફક્ત અને ફક્ત તમે.

વધી રહેલા આંકડાઓનું તો આ જ કહેવું છે અને આ જ આંકડા દેકારો કરીને કહી રહ્યા છે, જો સમજણ નહીં વાપરો તો લૉકડાઉન એક જ રસ્તો એવો બચશે જેના આધારે તમને ઘરમાં રોકવા પડશે. ઑફિસો પણ ચાલુ થઈ ગઈ છે અને થિયેટર-મલ્ટિપ્લેક્સ પણ ચાલુ કરી દેવામાં આવ્યાં છે, પણ આ બધાની સાથોસાથ નિષ્ફ‌િકરાઈ પણ એવી જ ચાલુ થઈ ગઈ છે. જાણે કે અમરપટ્ટો તો આપણા નામનો જ લખાયેલો હોય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK