Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જુદી જિંદગી છે મિજાજે-મિજાજે

જુદી જિંદગી છે મિજાજે-મિજાજે

06 January, 2021 05:50 PM IST | Mumbai
Sejal Ponda

જુદી જિંદગી છે મિજાજે-મિજાજે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માણસે જાગૃતતા સાથે જીવવું જોઈએ. સતત પોતાની જાતને ચકાસવી, તપાસવી જોઈએ. ખોટો રસ્તો પકડાઈ ગયો હોય તો પોતાની જાતને રોકવી જોઈએ. જીવનના વહેણ સાથે જીવતા રહો એનો અર્થ એ નથી કે ભાન ભૂલીને જીવતા રહો. વહેણ સાથે જીવવાનો અર્થ છે કે જે છે એનો સ્વીકાર કરીને સંતોષ સાથે જીવો

માણસ પર પી.એચડી. થાય તો તેના એટલા બધા રંગ મળી આવે કે ન પૂછો વાત! અમુક માણસોને કાચિંડા સાથે સરખાવવામાં આવે છે. કાચિંડો રંગ બદલી એનો શિકાર કરનારાને ભરમાવી શકે છે. માણસ માટે પણ રંગ બદલવાની અવસ્થા સહજ થઈ ગઈ છે. રંગ બદલવો તેના લોહી સાથે વણાઈ ગયું છે. જોકે આ રંગ બદલવાના માણસે કોઈ ક્લાસ નથી કર્યા ન તો કોઈ વર્કશૉપ કરી છે. રંગ બદલવાની અવસ્થા માણસની વૃત્તિ પર આધારિત હોય છે. સ્વાર્થ, લોભ, આકાંક્ષા માણસને કાચિંડા જેવો બનાવે છે.



જ્યાં પોતાનો લાભ થવાનો હોય ત્યાં માણસ દોટ મૂકે છે. પોતાના ફાયદા માટે માણસ કોઈ પણ હદ પાર કરી નાખે છે. બધું જ મેળવી લેવાની જિજીવિષા માણસને માણસાઈથી દૂર કરી દે છે.


ખોટું કરતા માણસને ક્યારેય પોતે ખોટું કરી રહ્યો છે એ અહેસાસ નથી થતો. તેના માટે તો તે જે કરે છે એ જ સાચું છે. મૂલ્યો-સિદ્ધાંતો સાથે તેને કોઈ લેવાદેવા નથી હોતા. દુનિયામાં એવા કેટલાય માણસો હશે જે કોઈનું બગાડવા તત્પર હોય છે. કોઈનું નુકસાન કરવા, તેને નીચા પાડવા, તેની પાસેથી બધું છીનવી લેવા તૈયાર હોય છે. પોતાના લાભ માટે તે કોઈનું પણ નુકસાન કરી નાખે છે. એમાં તેમને કોઈ શરમ કે ક્ષોભ કે ગિલ્ટ થતું નથી; કારણ કે કોઈ પણ રીતે તેને સત્તા જોઈતી હોય છે, પૈસો જોઈતો હોય છે. પોતાનું આધિપત્ય જમાવવું હોય છે. સત્તા અને પૈસાની ધૂન માણસને માણસ બનતાં રોકે છે.

 આવા માણસો સામસામે વાતો તો મોટી -મોટી કરે છે. પોતે જે સિદ્ધાંતોને નેવે મૂકી દીધા છે એ જ સિદ્ધાંતોની વાતો કરી એવો દેખાડો કરે છે કે તે બહુ જ સજ્જન માણસ છે. સજ્જન હોવા માટે દેખાડો કરવો પડે એ જ માણસની રંગ બદલતી અવસ્થા કહેવાય. પોતે જે નથી એ જ દુનિયા સામે દર્શાવે છે. ખોટું કરવામાં, ખોટું બોલવામાં તેમને જરાય ખચકાટ નથી થતો. પોતાનું સ્થાન જમાવવા માણસ બીજાનું સ્થાન છીનવી લેતાં ખચકાતો નથી.


આવા માણસો બહુ જ મીઠાબોલા હોય છે. પોતાના સારા હોવાનું પ્રદર્શન તે બખૂબી કરી જાણે છે. બીજાને ભરમાવી પોતાના કરી જાણે છે. એવી ઇમ્પ્રેશન જમાવી દે છે કે તે માત્ર અને માત્ર આપણા હિત માટે જ કાર્ય કરી રહ્યો છે. અને વાસ્તવિકતા સાવ જુદી જ હોય છે. જો આપણે એ વાસ્તવિકતાને ન પકડી શક્યા તો એવા માણસની વાતોમાં આવી આપણું નુકસાન કરી બેસીએ છીએ.

હું તમારા માટે આમ કરી દઈશ. તમારાં બધાં કામ સરળ કરી આપીશ. તમને લાભ કરાવી આપીશ. આવાં વાક્યો થકી તે બહુ જ સિફતથી છેતરવાનું કામ કરી જાણે છે. તમારો કોઈ સાથે વ્યવહાર ચાલતો હોય તો બોલવાથી નહીં; તમારા વર્તનથી જ જાણ થઈ જાય કે એ માણસ નડશે, છેતરશે કે પછી ફળશે. બહુ જ જીહજૂરી કરતા, આંબા-આંબલી દેખાડતા માણસો પર જો વિશ્વાસ મૂકી દીધો તો વહેલે-મોડે પસ્તાવાનું તો છે જ.

આપણે માણસ છીએ એ સાબિત કરવા ઢોલ પીટવાની જરૂર નથી. આપણું વર્તન જ આપણી માણસાઈ છતી કરી દેશે.

આપણા માટે બીજા માણસની વૃત્તિ બદલવાના પ્રયત્ન કરવા એ વેસ્ટ ઑફ ટાઇમ છે. વૃત્તિ, લાગણી, પ્રકૃત્તિ લોહીમાં હોય છે. આપણે બહુ-બહુ તો માણસને ઓળખી જઈએ. તેને ખોટું ન કરવાની સલાહ આપી શકીએ, પણ માણસને તેની પ્રકૃતિથી જુદો નથી કરી શકતા. બહુ જવલ્લે એવું બનતું હોય કે ખરાબ માણસ સારો બની ગયો. વાલિયો ડાકુ વાલ્મીકિ બન્યો એવાં ઉદાહરણો હવે ઓછાં થતાં જાય છે, કારણ કે માણસની સ્વાર્થ વૃત્તિ સતત વધતી જ ચાલી છે. પોતે કંઈ ખોટું કરી રહ્યો છે, ખોટા રસ્તે ચાલી રહ્યો છે એ અહેસાસ માણસને ત્યારે જ થાય છે જ્યારે તે ઈશ્વરથી ડરતો હોય. હું ગમેતેટલું ખોટું કરું; મને કંઈ નહીં થાય, કોઈ મારું કંઈ તોડી ન શકે આવું વિચારનાર માણસને ઈશ્વરનો સાથ ક્યારેય મળતો નથી.

આવા માણસોને ઈશ્વરના સાથની જરૂર પણ વર્તાતી નથી. તેમના માટે ઈશ્વરનું હોવાપણું જ હાસ્યાસ્પદ હોય છે. જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું તેને તે નજરઅંદાજ કરે છે. પણ આવા માણસોને એ ખ્યાલ નથી હોતો કે તે જે રસ્તે છે એનો અંજામ ખરાબ છે. ખોટા રસ્તે ચાલનારાઓને તેમનો રસ્તો કદાચ સુંવાળો લાગતો હોય, પણ એનો અંત ખરબચડો અને ભયાનક જ હોય છે.

માણસે જાગૃતતા સાથે જીવવું જોઈએ. સતત પોતાની જાતને ચકાસવી, તપાસવી જોઈએ. ખોટો રસ્તો પકડાઈ ગયો હોય તો પોતાની જાતને રોકવી જોઈએ. જીવનના વહેણ સાથે જીવતા રહો એનો અર્થ એ નથી કે ભાન ભૂલીને જીવતા રહો. વહેણ સાથે જીવવાનો અર્થ છે કે જે છે એનો સ્વીકાર કરીને સંતોષ સાથે જીવો.

કેવી રીતે જીવવું એ પોતાનું અને બીજાનું નિરીક્ષણ કરી શીખી શકાય. માણસનું વર્તન, તેનો વ્યવહાર એવો હોવો જોઈએ કે તે હૃદયસ્થ થઈ જાય. 2021નો આજે છઠ્ઠો દિવસ શરૂ થઈ ગયો છે. આપણે સૌ કપરાકાળમાંથી બહાર નીકળવાની આશા સેવી રહ્યા છીએ. બીમારીમાંથી મુક્ત થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ. પણ સ્વાર્થ, લોભ, ઈર્ષા જેવી મનની બીમારીનું શું? અંદરોઅંદર રમાતી રાજકારણ જેવી રમતોનું શું? બીજાનું અહિત કરવાની ભાવનાનું શું? આ બીમારીને નાથવાના પ્રયત્ન પણ 2021માં કરીએ. માણસમાંથી માણસાઈની જ બાદબાકી થઈ જાય તો શું બચશે? માત્ર દરેક વર્ષ નહીં; દરેક દિવસ, દરેક ક્ષણ માણસાઈને આપણામાં જીવંત રાખીએ.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

06 January, 2021 05:50 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK