Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીને કા બસ યહી અંદાઝ રખો, જો તુમ્હે ન સમઝે ઉસે નઝરઅંદાજ કરો!

જીને કા બસ યહી અંદાઝ રખો, જો તુમ્હે ન સમઝે ઉસે નઝરઅંદાજ કરો!

22 February, 2021 02:25 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

જીને કા બસ યહી અંદાઝ રખો, જો તુમ્હે ન સમઝે ઉસે નઝરઅંદાજ કરો!

જીને કા બસ યહી અંદાઝ રખો, જો તુમ્હે ન સમઝે ઉસે નઝરઅંદાજ કરો!

જીને કા બસ યહી અંદાઝ રખો, જો તુમ્હે ન સમઝે ઉસે નઝરઅંદાજ કરો!


નટવરલાલ એ જ રીતે જીવ્યો, ‘ચાહે કોઈ કુછ ભી કહે, ગાલિયાં હઝાર દે, મસ્તરામ બન કે ઝિંદગી કે દિન ગુજાર દે.’ ફરક એટલો કે તે મસ્તરામ બનીને નહીં, હરામખોર બનીને જીવ્યો, કોઈની પણ પરવા કે સાડીબાર રાખ્યા વગર. ખેર, મૂળ વાત.
નટવરલાલ દિલ્હીના એક જાણીતા ઘડિયાળના શોરૂમમાં દાખલ થયો. તેનો રુઆબ અને ઠાઠ જોઈને સેલ્સમેન ઊભા થઈ ગયા. તેમણે માલિકને બોલાવવાનો હુકમ કર્યો. માલિક આવ્યો. નટવરલાલે એ સમયના ફાઇનૅન્સ મિનિસ્ટર એન. ડી. તિવારીના પીએ તરીકેની પોતાની ઓળખાણ આપી. સ્ટાફના માણસોમાં ધ્રુજારી છૂટી ગઈ. દુકાનમાં દાણચોરીનો માલ પણ હતો. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. નટવરલાલે ક્ષણભરમાં બધાના ચહેરાનો અભ્યાસ કરી લીધા પછી કહ્યું, ‘બે દિવસ પછી સાહેબે દેશના મોટા-મોટા કૉન્ગ્રેસી કાર્યકરોની મીટિંગ રાખી છે. તમે સોએક જેટલી સારામાં સારી અને કીમતીમાં કીમતી ઘડિયાળ તૈયાર રાખજો. સાહેબ બધા કાર્યકરોને ગિફ્ટ આપવા માગે છે. હું આવતી કાલે આ જ સમયે આવીશ.’ એટલું કહીને તે રુઆબભેર નીકળી ગયો. બધાના શ્વાસ હેઠા બેઠા, એટલું જ નહીં, ચહેરા પર મલકાટ આવી ગયો.
બીજા દિવસે નિયત સમયે તે આવ્યો. ૯૧ ઘડિયાળ પૅક કરાવી રાબેતા મુજબ દુકાનના માણસોને લઈને નૉર્થ બ્લૉકમાં આવ્યો. માણસને બેસાડીને અદૃશ્ય થઈ ગયો. થોડી વાર પછી આવ્યો ત્યારે તેના હાથમાં ડ્રાફ્ટ હતો. માણસને તપાસી લેવાનું કહ્યું. માણસે સંતોષ વ્યક્ત કર્યો. માલ સોંપીને નીકળી ગયો અને બીજા દિવસે માલિકે કપાળ કૂટ્યું!
નટવરલાલે સમાજસેવકના સ્વાંગમાં ધીરુભાઈ અંબાણી અને તાતા-બિરલાને પણ છેતરીને પોતાનો કસબ દાખવ્યો હતો. આ બહુરૂપિયા ઠગને પકડવા માટે અનેક રાજ્યોએ ઇનામ પણ જાહેર કર્યું હતું. ૯ વાર જેલમાંથી ભાગી જવાનો રેકૉર્ડ પણ તેના નામે છે. પહેલી વાર બ્રિટિશ જેલમાંથી ૧૯૩૮માં ભાગ્યા પછી ૧૯૩૯માં મદ્રાસની પોલીસને થાપ આપીને સિકંદરાબાદના કાજીપેઠ રેલવે-સ્ટેશન પરથી ભાગ્યો. ૧૯૪૨માં પટના પોલીસને બદનામ કરી. ૧૯૪૪માં ગોરખપુર પોલીસ પર કાળી ટીલી લગાડી. ૧૯૪૬માં દિલ્હીની મશહૂર તિહાડ જેલને તિલાંજલિ આપી તો ૧૯૫૬માં મેરઠની પોલીસને માથે કલંક લગાવ્યું. ૧૯૫૭માં તો આંધ્રની પોલીસની આંખે અંધારાં લાવી દીધાં. આંધ્રની જેલમાં હતો ત્યારે એક મિત્ર પાસે પોલીસનો ડ્રેસ મેળવવામાં સફળ રહ્યો. જેલની અંદરના ૧૧ પોલીસોને લલચાવ્યા. ૧૧ જણ વચ્ચે પાંચ લાખ રૂપિયાનો ભાગી જવા માટે સોદો કર્યો. ભાગતી વખતે રૂપિયા આપ્યા પણ ખરા. ભાગી ગયા પછી પોલીસ-ટોળકીએ જ્યારે બૅગ ખોલી તો બનાવટી નોટો નીકળી!! શું થાય? ચોરની માએ તો કોઠીમાં મોઢું રાખીને જ રડવું પડેને!
છેલ્લે તે કાનપુરની જેલમાં હતો. એ સમયે તેની ઉંમર ૮૪ વર્ષની હતી. ઉંમર વધી હતી અને સાથોસાથ વિચક્ષણતા પણ વધી હતી. ઢળતી ઉંમરે પણ આદત ઢળી નહોતી. જેલમાં તેનાં નાટક ચાલુ જ હતાં. સાવ ખખડી ગયો છે એવું વાતાવરણ ઊભું કર્યું. ઊભો રહી શકતો ન‍હોતો. પગમાં તકલીફ જાહેર કરી, અવારનવાર ચક્કર આવવા લાગ્યાં, કુદરતી હાજતે જવું હોય તો પણ બે જણ પકડીને લઈ જતા. સત્તાવાળાઓએ તબિયતને એકદમ નાજુક ગણીને તપાસ કે સારવાર માટે દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. નટવરલાલે પણ એ માટે વારંવાર માગણી કરી જ હતી.
આખરે ત્રણ પોલીસની ટીમ તેને વ્હીલચૅર પર બેસાડીને દિલ્હી જવા રવાના થઈ. બે દિવસ હૉસ્પિટલમાં રહ્યા પછી પાછા બધા કાનપુર જેલમાં જવા રવાના થયા ત્યારે પણ એ જ ત્રણ પોલીસની ટીમ હતી. નટવરલાલની વ્હીલચૅર પોલીસ સાથે દિલ્હી રેલવે-સ્ટેશને આવી. નટવરલાલના ચહેરા પર ખૂબ થાક હતો, વારંવાર આંખો ઉઘાડ-બંધ કરતો. એક પોલીસ કાનપુરની ટિકિટ લેવા ગયો એ પછી બીજા પોલીસને નટવરલાલે કહ્યું કે મને વ્હીલચૅર પરથી ઉતારો, આડું પડવું છે. બે પોલીસે તેને એક બેન્ચ પર સુવડાવ્યો. થોડી વાર પછી એક પોલીસ કુદરતી હાજતે ગયો. બાકી હવે એક જ પોલીસ રહ્યો હતો. નટવરલાલે તેને આજીજી કરીને કહ્યું, ‘માથું ફાટફાટ થાય છે. મારે એક કપ ચા પીવી છે, લાવી આપીશ, ભગવાન તારું ભલું કરશે’ એવી રીતે વિનંતી કરી કે પોલીસ પીગળી ગયો અને ચા લેવા ગયો.
થોડી વાર પછી જ્યારે ટિકિટ લેવા ગયેલો પોલીસ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ન પોલીસ હાજર છે કે ન તો નટવરલાલ. તેને થયું કે હું કદાચ ભૂલથી બીજી જગ્યાએ આવી ગયો છું. ચોમેર ફરી વળ્યો ત્યાં બાકીના બે પોલીસ આવી ગયા!! ખલ્લાસ!! બાકીના બે પોલીસની વાત સાંભળીને ત્રણેયના હોંશ ઊડી ગયા. દોડધામ-હોહા મચી ગઈ! અડધા કલાકની દોડધામ પછી ખાતરી થઈ ગઈ કે મોરલો કળા કરી ગયો છે.
બસ, આ આખરી વખત!! એ પછી નટવરલાલ ક્યાંય દેખાયો નહીં કે ન તેના નામે ઠગાઈનો કોઈ કેસ સામે આવ્યો! ૧૯૯૬નું વર્ષ તેનું આખરી વર્ષ. એ પછી કોઈને ક્યાંય તેનું નામોનિશાન મળ્યું નહીં. છેક ૨૦૦૯માં તેના વકીલે અદાલતમાં અરજી કરી કે નટવરલાલનું મૃત્યુ થયું છે, તેની ફાઇલ બંધ કરો. પણ આટલો વખત હતો ક્યાં? કહેવાય છે કે તેનો ભાઈ ગંગાપ્રસાદ શ્રીવાસ્તવ ગોરખપુરમાં રહેતો અને છેલ્લી વાર દિલ્હીથી ભાગીને ભાઈના ઘરે આવ્યો અને થોડા જ સમયમાં તે મૃત્યુ પામ્યો હતો, પણ ભાઈએ ૧૩ વર્ષ આ વાત છુપાવી શું કામ? કોયડો આજે પણ કાયમ છે.
જે હોય તે! નટવરલાલ ગયો, પણ નામ રહી ગયું. રામે રાવણને માર્યા પછી આજે પણ આપણે રાવણનાં પૂતળાં બાળ્યા કરીએ છીએ એમ આજે પણ નટવરલાલ નામના છાજિયા લીધા કરીએ છીએ. પણ એક વાત નોંધવી રહી કે બિહારમાં પોતાના ગામની તેણે ખૂબ સેવા કરી હતી. નિયમિત ગામની મુલાકાત લેતો, જરૂરિયાતમંદોને છૂટા હાથે મદદ કરતો. ગરીબો માટે તો તે મસીહા હતો. ગામમાં તેની એટલીબધી ઇજ્જત હતી કે તેના મર્યા પછી ગામમાં તેનું પૂતળું ઊભું કરવાની પણ માગણી ઊઠી હતી. બોલો, કંઈ કહેવું છે? કહેવું હોય તો પણ કોને કહેશો? આજે પણ કેટલાક બદમાશ-બદનામ માણસોનાં પૂતળાં ઊભાં થઈ જ રહ્યાં છે!
કોઈ ઠગની હયાતીમાં તેના પર ફિલ્મ બની હોય એવા બહુ ઓછા દાખલા હશે. અમિતાભ બચ્ચનના અભિનયવાળી ફિલ્મ ‘મિસ્ટર નટવરલાલ’ માટે કોઈકે તેને પૂછ્યું કે ‘તમે એ ફિલ્મ જોઈ કે નહીં?’ એનો જવાબ દાદ માગી લે એવો હતો. કહ્યું, ‘અસલી હીરો હું છું. મારે નકલી હીરોને શું કામ જોવો જોઈએ?’
નટવરલાલના બુદ્ધિચાતુર્યના વધુ પુરાવા જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે જેલમાં કેદીઓ પર આવતા અને કેદીઓ દ્વારા લખાતા પત્રોની સેન્સરશિપ થાય છે. આવેલો પત્ર વાંચ્યા પછી જ કેદીને સોંપાય અને કેદીઓએ લખે‍લા પત્ર જોયા પછી જ પોસ્ટ થાય. એક વાર ગામમાંથી તેની પત્નીનો કાગળ આવ્યો હતો. લખ્યું હતું, ‘તમે લાંબા સમયથી જેલમાં છો. અમારી હાલત કફોડી છે, પૈસાની તાણ છે, ચોમાસું માથે છે. આવડું મોટું ખેતર કેમ ખેડાશે એની ચિંતા છે, મજૂર રાખવા જેવી સ્થિતિ નથી, મૂંઝાઈ ગઈ છું. જલદીથી રૂપિયાનો બંદોબસ્ત થાય એવું કરો.’ નટવરલાલે જવાબ આપ્યો, ‘તું નકામી મૂંઝાય છે. એ ખેતરમાં મેં બે-ત્રણ જગ્યાએ ચરુ દાટ્યા છે, માલામાલ થઈ જાય એવા. ખાનગીમાં મજૂરો પાસે ખેડાવી લે. બધી તકલીફ દૂર થઈ જશે.’ ‘જેલર પત્ર વાંચીને નટવરલાલની મૂર્ખાઈ પર હસ્યો. પત્ર રવાના ન કરતાં તેણે તંત્રને આખું ખેતર ખૂંદી નાખવાનો હુકમ કર્યો! થોડા દિવસ પછી પત્નીનો કાગળ આવ્યો, ‘તમે એવું તે શું કર્યું? આખું ખેતર કોઈ ખેડી ગયું!!’
એક વાર ન્યાયાધીશે અદાલતમાં તેને પૂછ્યું કે ‘તું આ બધું કઈ રીતે કરે છે?’ ત્યારે તેણે ન્યાયાધીશને કહ્યું, ‘સાહેબ તમારી પાસે ૧૦ રૂપિયાની નોટ છે?’ ન્યાયાધીશે કહ્યું, ‘હા છે, પણ એનું શું?’ ‘પ્લીઝ, મને આપશો?’‍ ન્યાયાધીશે તેને પાકીટમાંથી ૧૦ રૂપિયાની નોટ કાઢી આપી. નટવરલાલે લઈને ખિસ્સામાં મૂકી દીધી. ન્યાયાધીશે કહ્યું, ‘હવે તો જવાબ આપ, તું આ બધું કઈ રીતે કરે છે?’ નટવરલાલે કહ્યું, ‘બસ આ જ રીતે. પ્રેમથી માગું છું અને લોકો મને પ્રેમથી આપે છે. મારે કંઈ જ કરવું નથી પડતું.’ ન્યાયાધીશ ઘા ખાઈ ગયા!
અને છેલ્લે, તેનું નામ નટવરલાલ કઈ રીતે પડ્યું? ૧૯૪૦માં એક સાથી નામે નટવરલાલ સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ઠગાઈ કરવાની યોજના બનાવી. મિથિલેશે ટેક્સટાઇલ કમિશનરના પરચેઝ મૅનેજરનો સ્વાંગ ધારણ કર્યો. બન્નેએ થોડા વેપારીઓનું ‘કરી’ નાખ્યું, પણ લાંબો સમય ટેક્સટાઇલ માર્કેટ ફળી નહીં. એક કિસ્સામાં બન્ને ઝડપાયા, પણ નટવરલાલ ભાગી છૂટવામાં સફળ રહ્યો. પોલીસને એવી ગેરસમજ થઈ કે જે ભાગ્યો તે મિથિલેશ હતો અને આ નટવરલાલ છે. ચતુર મિથિલેશને આ ગેરસમજણ લાભદાયી લાગી એટલે ચાલુ જ રાખી. બસ ત્યારથી તે નટવરલાલ તરીકે ઓળખાવા લાગ્યો!
સમાપન : ઘરમાં બધા એક દિવસ ‘મિસ્ટર નટવરલાલ’ ફિલ્મ ટીવી-સ્ક્રીન પર જોતા હતા ત્યારે મારા પૌત્ર મોનાર્કે પૂછ્યું, ‘દાદા, નટવરલાલનું કૅરૅક્ટર TRUE સ્ટોરીનું છે?’ ત્યારે મેં કહ્યું કે ‘પાત્ર TRUE સ્ટોરીનું છે, પણ ફિલ્મની વાર્તા કાલ્પનિક છે’ અને પછી મેં પૌત્રને જે વાત કરી એ અહીં પ્રસ્તુત છે...
નામ નટવરલાલ હોય કે ઈશ્વરલાલ, ગરીબદાસ હોય કે ધનપાલ. માણસ તેના નામથી નહીં, કામથી ઓળખાય છે. સામા પક્ષે એમ પણ કહેવાયું છે કે નામનો મહિમા તો છે જ, પણ રીત જુદી-જુદી હોય છે. ગાંધીજી અને ગોડસે બન્ને નામ જાણીતાં બન્યાં, પણ મહિમા જુદો-જુદો! પાણીના અસ્તિત્વની ઓળખાણ ગટરમાં પણ હોય છે અને ગંગામાં પણ!


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2021 02:25 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK