લિવ-ઇન રિલેશનશિપને કારણે સમાજ-જીવનમાં હવે ગાબડાં પડી રહ્યાં છે

Published: 16th November, 2012 07:12 IST

કર્તવ્યોની કિંમત ચૂકવ્યા વગર મળેલી સ્વતંત્રતા જોખમી પુરવાર થઈ છે! સગાઈ અને લગ્ન વચ્ચેનું લાંબું અંતર તનાવ અને સંઘર્ષ પેદા કરી શકે છેફ્રાઇડે-ફલક - રોહિત શાહ


મૅરેજને આપણે શુભ કે મંગલ પ્રસંગ કહીએ છીએ. એનું કારણ એ છે કે મૅરેજ પછી જ વ્યક્તિનું સાચું સામાજિક જીવન શરૂ થતું હોય છે. મૅરેજ પહેલાં તે આઝાદ પંછી હોય છે. મૅરેજ પછી અનેક જવાબદારીઓ અને કર્તવ્યોથી ઘેરાઈ જાય છે. અલબત્ત, એ જવાબદારીઓ અને કર્તવ્યો જ વ્યક્તિને સમાજમાં સ્ટેટ્સ આપે છે તથા તેને વ્યક્તિગત જીવનમાં સુખ-શાંતિ-સ્થિરતા આપે છે.

પરંતુ સુખ-શાંતિ-સ્થિરતાની વ્યાખ્યા સતત બદલાતી રહે છે. માત્ર પુરુષો જ નહીં, હવે તો સ્ત્રીઓ પણ મૅરેજ કરીને જવાબદારીઓ સ્વીકારવાને બદલે ‘લિવ- ઇન રિલેશનશિપ’માં માનતી થઈ ગઈ છે. મૅરેજ કર્યા વગર સ્ત્રી અને પુરુષ પોતાની મરજીથી સાથે રહે છે. પરસ્પરને અનુકૂળ આવે તો પૂરી લાઇફ સાથે રહે છે, ન અનુકૂળ આવે તો તરત છૂટાં પડી જાય છે. ના કોઈ કાનૂની ઝંઝટ, ના કોઈ પ્રતિષ્ઠા ખોવાનો ભય. એમાં કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી. બસ, એક સ્ત્રી છે અને એક પુરુષ છે. બન્ને મિત્રો છે. સાથે મળીને, પરસ્પરને અનુકૂળ થઈને રહે છે. ન ફાવે તો આસાનીથી છૂટાં પડી જાય છે. આવી લાઇફ સ્ટાઇલ આજની સેલ્ફ ડિપેન્ડન્ટ સ્ત્રીઓને પણ વધુ માફક આવવા લાગી છે. પહેલાંના જમાનામાં પત્ની તેના પતિની ઓશિયાળી રહેતી હતી. જો તેનો પતિ તેને છોડી દે કે મૃત્યુ પામે તો તે અનાથ જેવી બની જતી. તેનાં બાળકોના ઉછેર માટે પણ તેણે સાસરિયાંની સત્તાની આદર કરવો પડતો હતો. પત્ની કમાતી નહોતી. બહુ-બહુ તો મજૂરીનું કે ઘરકામ કરીને જિંદગીને વૈતરું બનાવી દેવી પડતી. આજની એજ્યુકેટેડ યુવતીને એવી ઓશિયાળી કે વિવશ-લાચાર લાઇફનો ભય નથી, કારણ કે પોતે પોતાના પતિ જેટલી જ ઇન્કમ મેળવીને સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ ચૂકી છે.

એક રીતે વિચારીએ તો આ શ્રેષ્ઠ રિઝલ્ટ છે. સ્ત્રી પણ એક વ્યક્તિ છે અને શા માટે તેણે કોઈની તાબેદારી કે શરણાગતિ સ્વીકારવી જોઈએ? શા માટે અનિચ્છાએ પણ તેણે ધર્મ અને કર્તવ્યના બહાને વેઠ કરતાં રહેવું જોઈએ? પતિની કે સાસરિયાંની ગુલામડી બનીને જીવવામાં વળી ગૌરવ શાનું? પતિ-પત્નીને સમાન હકો હોવા જોઈએ, પરંતુ બીજી રીતે વિચારીએ તો સામાજિક ક્ષેત્રે દામ્પત્યજીવનના પાયા હચમચી ઊઠ્યાં છે. હવે  ફૅમિલી લાઇફ કરતાં લાઇફમાં ફનને વિશેષ મહત્વ અપાવા લાગ્યું છે. પરંપરામાં તિરાડો પડી છે. સંબંધોમાંથી ગૂંગળામણ ઓછી થઈ છે, પણ સંબંધો ટકાઉ નથી રહ્યા. કર્તવ્યો અને જવાબદારીમાંથી આઝાદી મળી છે, પણ અંગત જીવન ડહોળાઈ ગયું છે.

થોડા વખત પહેલાં એક વડીલ વાત કરતા હતા કે મારી દીકરીની સગાઈ એક સારી ફૅમિલીના સારા છોકરા સાથે કરી. મારી ઇચ્છા તો તરત લગ્ન કરવાની હતી, પણ મારી દીકરીએ કહ્યું કે દોઢ-બે વરસ પછી જ લગ્નની વાત વિચારજો. અત્યારે તો અમે વારંવાર મળીશું, એકમેકનો પરિચય કેળવીશું. મારી એક પણ વાત તેણે ન ગણકારી. બન્યું એવું કે એક જ શહેરમાં રહેતા હોવાથી સગાઈ પછી તે બન્ને લગભગ દરરોજ પરસ્પરને મળવા લાગ્યાં. ક્યારેક રૂબરૂ ન મળાય તો ફોન ઉપર મળતાં. હવે તો મોબાઇલ ફોન હોય એટલે ગમે ત્યારે પરસ્પરનો કૉન્ટૅક્ટ કરી શકે. ભૂતકાળમાં લૅન્ડ લાઇનનો એક જ ફોન હોય એટલે ફોન દ્વારા થતી વાતચીત તરફ સૌનું ધ્યાન રહેતું હવે તો રાત્રે પથારીમાં સૂતાં-સૂતાં કે વાહન ચલાવતાંય તેમના પ્રેમાલાપ ચાલુ જ રહે છે! ખેર, દરરોજ મળીને પરસ્પરનો પરિચય પામવાની ઝંખના તેમને ભારે પડી. સંસારમાં કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી સારી અને સજ્જન હોય તોય તે કાંઈ સંપૂર્ણ તો ન જ હોય. તેનામાં કંઈક તો ઊણપો, ખામીઓ હોવાની જ. ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે. એવું બન્યું કે મારી દીકરીને ભાવિ જમાઈમાં ઘણી ઊણપો-ખામીઓ દેખાવા લાગી. નાની-નાની બાબતે ઝઘડા થવા લાગ્યા, ‘તું કેમ મોડી આવી?,’ ‘તેં કેમ ફોન ન કર્યો?,’ ‘તેં કેમ મારો ફોન કટ કરી નાખ્યો?,’ ‘તું કેમ ફલાણી વ્યક્તિ સાથે હસી-હસીને વાત કરે છે?,’ ‘તું કેમ આવાં કપડાં પહેરે છે?,’ ‘તું કેમ આમ ગંદી રીતે ખાય છે?’ જેવી બાબતોને લઈને બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. ઝઘડ્યા પછી બન્નેનાં મન ખિન્ન્ા હોય. મારી દીકરીને જૉબ ઉપર જાય ત્યારેય ભાર રહ્યા કરે. જમાઈને પણ બિઝનેસમાં ધ્યાન ન રહે. એક તો મુગ્ધ વય અને વળી પોતે એજ્યુકેટેડ હોવાનો ખ્યાલ... પછી શું બાકી રહે? એકબીજાની નજીક આવવાને બદલે બન્ને જણ પરસ્પરને નફરત કરવા લાગ્યાં. આકર્ષણ તો રહ્યું જ નહીં, ઊલટાનું વૈમનસ્ય વધી પડ્યું. બન્ને જણ સગાઈ તોડી નાખવા ઉત્સુક બન્યાં છે. તે વડીલે છેલ્લે એક વાત કરી કે સગાઈ અને મૅરેજ વચ્ચે લાંબો સમય રાખવો હિતાવહ નથી.

આ વાત તે વડીલની અંગત વાત છે, છતાં એમાંથી મળતો બોધ તો લઈ જ શકાયને?

આજની જનરેશનને ફ્રીડમ જોઈએ છે. ફ્રીડમ ખોટીય નથી, પરંતુ એ ડ્યુટી સાથે બંધાયેલી ન હોય તો એનાં વિનાશક પરિણામો આવે છે. કિંમત ચૂકવ્યા વગર મેળવેલી ચીજનું મૂલ્ય આપણને નથી સમજાતું. જો કર્તવ્યો નિભાવીને સ્વતંત્રતા મેળવી હોય તો માણસ સ્વતંત્રતા મળ્યાં પછી બહેકી નથી જતો, પણ જેને મફતમાં સ્વતંત્રતા મળી હશે એવા લોકો સ્વચ્છંદી-તુમાખી બની ગયા હશે.

આજની જનરેશન સંબંધ અને સમાજનું મહત્વ સમજતી જ નથી. તેને તો પોતાના વ્યક્તિગત સુખની જ પરવા હોય છે. અંગત સુખનો ભોગ આપ્યા વગર સાથે રહી શકાતું હોય તો સાથે રહેવા તે તૈયાર છે, નહીંતર ‘તું તારા રસ્તે અને હું મારા રસ્તે’ એમ કરવામાં આજની જનરેશનને કશી જ વાર નથી લાગતી. આ કારણે સમાજ જીવન અને ફૅમિલી લાઇફનાં મૂળિયાં હચમચી ઊઠ્યાં છે.

મર્યાદામાં જ શોભા

એક જમાનામાં સગાઈ તોડવામાંય માણસ સો વખત વિચાર કરતો હતો, આજે તો મૅરેજ પછીય સંબંધને સમાપ્ત કરવામાં સંકોચ નથી થતો. કાયદાકીય મર્યાદાઓ અને બંધનો ન હોત તો મૅરિડ લાઇફનું મૂલ્ય જ ન રહ્યું હોત. માનવી હરાયા ઢોર જેવું જીવન જીવતો થઈ ગયો હોત. પાળ બાંધેલી હોય ત્યાં સુધી જ સરોવરનું સૌંદર્ય અકબંધ રહે છે. નદીય બે કિનારાની વચ્ચે (મર્યાદામાં) વહેતી હોય ત્યાં સુધી જ ઉપયોગી અને ઉપકારી લાગે છે. ઘોડાપૂર વખતે એ જ્યારે રૌદ્રરૂપ ધારણ કરે છે ત્યારે ભયાનક લાગે છે. સ્વતંત્રતા ઉત્તમ છે, પણ સ્વચ્છંદતાની ગંદકી અને વિકૃતિઓનું પ્રદૂષણ ભારે જોખમી છે.

રીઍક્શન?

નવી જનરેશનનું સંપૂર્ણ બિહેવિયર એક રીઍક્શન જેવું લાગે છે. દબાયેલી સ્પ્રિંગ વધુ જોરથી ઊછળી હોય તેવું લાગે છે. ક્યારેક પેરન્ટ્સ એમ વિચારે છે કે અમારા જમાનામાં અમને જે સ્વતંત્રતા નહોતી મળી એવી સ્વતંત્રતા અમારે અમારાં સંતાનોને આપવી છે. તેમની લાઇફના નર્ણિયો ભલે તે જાતે કરે. તેમને ગૂંગળાવી મારવાં નથી. પેરન્ટ્સની આવી ઉદારતા જ ક્યારેક સંતાનોને ગુમરાહ કરે છે અને પોતાનેય પાછલી લાઇફમાં પસ્તાવું-રિબાવું પડે છે. સ્વતંત્રતા જરૂર આપી શકાય, પણ કર્તવ્યોની કિંમત વસૂલ કરીને જ! જેને ફરજનું ભાન ન હોય તેને વળી ફ્રીડમ શાની? વિનાશક રીઍક્શન આવવાની સંભાવના પેદા થાય એવી કોઈ પણ વ્યવસ્થા ખોટી જ ગણાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK