Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીઓ ઔર જીને દો

જીઓ ઔર જીને દો

29 March, 2020 03:32 PM IST | Mumbai Desk
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

જીઓ ઔર જીને દો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગૅરન્ટી. અત્યાર સુધીમાં તમે કોરોના પર પીએચડી થઈ શકો એટલું જાણી ચૂક્યા હશો. એટલું બધું સોશ્યલ મીડિયા પર વાંચી લીધું હશે અને એટલું બધું તમને ફૉર્વર્ડ થયેલું મટીરિયલ આવી પણ ગયું હશે. ગવર્નમેન્ટ પણ હવે આ બાબતમાં બહુ સમજાવી ચૂકી છે અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કોરોનાને નાનામાં નાનો કહેવાય એવો માણસ પણ અત્યારે ઓળખી ગયો છે. જેને પોતાનું નામ લખતાં પણ નથી આવડતું એવા લોકો પણ કોરોનાની વાત એવી રીતે કરે છે કે જાણે તે કોરોનાને વરસોથી ઓળખતો હોય. કોરોના પર ડિબેટ પણ ચાલે છે અને કોરોના પર કલાકો સુધી ભાષણ પણ આપવામાં આવે છે, પણ હું કહીશ કે આ બધી વાતો વચ્ચે એ ભૂલવાની જરૂર નથી કે કોરોના આવ્યો કઈ રીતે.

કહે છે કે એ ચામાચીડિયામાંથી માણસના શરીરમાં આવ્યો છે. જગ્ગીજીના એક વીડિયોમાં મેં સાંભળ્યું કે આ જે વાઇરસ છે એને પચાવી પાડવાની ક્ષમતા ચામાચીડિયામાં હતી પણ આપણામાં નહોતી અને એને લીધે આ આખી કવાયત ઊભી થઈ. ચામાચીડિયાં જેને સહન કરવાની તૈયારી રાખતાં હતાં એ જ વાઇરસ સામે આપણે ઘૂંટણિયે પડી ગયા. જે ચામાચીડિયાને માણસ પછાડી શકે, એ જ ચામાચીડિયું કોરોનાને પછાડી શકે અને આપણે એ જ કોરોના સામે હારી જઈએ?
આ પ્રકૃતિ છે. જો એ સાચું હોય કે ચામાચીડિયામાંથી આ વાઇરસ માનવમાં પ્રવેશ્યો તો ખરેખર આ પ્રકૃતિ છે. એ જવાબ માગતી નથી પણ સીધી સવાલ લઈને દરવાજે આવીને ઊભી રહી જાય છે. તમે પ્રકૃતિ સાથે ચેડાં કર્યાં અને પ્રકૃતિએ હવે બદલો લેવાનું શરૂ કર્યુ. અફકોર્સ, દુનિયા આખીનો કોઈ વાંક નહોતો અને એ પછી પણ પ્રકૃતિએ બધાને અડફેટે લીધા. અહીં મને જૈન ધર્મની સીધી, સાદી અને સરળ વ્યાખ્યા બહુ સહજ લાગે છે.
જીઓ ઔર જીને દો.
તમે નડવા જશો તો તમારે નડતરનો જવાબ ચૂકવવો પડશે. તમે લડવા જશો તો તમારે લડતનો હિસ્સો બનવું પડશે. કોરોનાએ અત્યારે આ જ વાતને સહજ રીતે સમજાવી દીધી છે કે જો ખોટી રીતે પ્રકૃતિના નિયમો સાથે પંગો લેશો તો ભોગવવાની તૈયારી રાખવી પડશે. આજે આપણે બધા લૉકડાઉનમાં છીએ. કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. સૌથી વધારે મોત પણ એ જ કારણસર મહારાષ્ટ્રમાં થયાં છે. પહેલી વાર ટ્રેનો બધી બંધ થઈ છે અને આટલા લાંબા સમય માટે બંધ થઈ છે. બૉમ્બ બ્લાસ્ટ સમયે પણ ટ્રેનો બંધ થઈ નહોતી અને મૉન્સૂનમાં ક્લાઉડબર્સ્ટ સમયે પણ ટ્રેનો આટલો સમય બંધ નહોતી રહેતી. પહેલી વાર આવું બન્યું છે. મારા એક અંકલના કહેવા મુજબ ૧૯૭૧ની ભારત-પાકિસ્તાન વૉર સમયે પણ મુંબઈની પરિસ્થિતિ આવી નહોતી થઈ જેવી અત્યારે છે. સીધો અર્થ એટલો જ નીકળે કે એ વૉર કરતાં પણ અત્યારની હાલત વધારે ભયાનક છે.
આ ભયાનકતા આપણે ઊભી કરી છે. આ ભયાનકતાના દરવાજે આપણે જાતે જઈને ઊભા રહ્યા છીએ. હવે એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ પણ આપણે જ શોધવાના છે અને એ રસ્તાઓ છે પણ ખરા. જો તમે ઇચ્છતા હો કે કોરોના વધુ ખરાબ પરિણામ ન આપે તો પ્લીઝ, ઘરમાં રહેજો. જરૂરી છે. તમારા માટે પણ અને તમારી ફૅમિલી માટે પણ. હું જોઉં છું કે અનેક લોકો એવા છે કે તે માત્ર ટહેલવા માટે બહાર નીકળે છે. ખાલી મુંબઈ જોયું ન હોય એમ બહાર જઈને ખોટેખોટા અવાજો કાઢે છે. હાયલા, આ તો જો... રસ્તો કેવો સાવ ખાલીખમ છે.
રસ્તો નહીં, તમારી ફૅમિલીની જિંદગી ખાલી થઈ જશે અને તમને કોઈ યાદ પણ નહીં કરે. નહીં કરો આવી હોશિયારી. હોશિયારી જ દેખાડવી હોય તો જઈને પરમિશન લઈને કસ્તુરબા હૉસ્પિટલના કોરોના આઇસોલેશન વૉર્ડમાં જઈને સેવા કરોને. રસ્તા પર તડકામાં ઊભેલી આપણી પોલીસ માટે લીંબુપાણી લઈ જવાનું કામ કરો. અરે, એમ જ લાગે છે કે તમે બહાદુર છો તો જાઓ, જઈને સોસાયટીનું કમ્પાઉન્ડ સાફ કરી આવોને પણ ના, એવાં કામો કરવાં નથી અને માત્ર ફિશિયારીઓ કરવી છે. આ ફિશિયારી ઇટલી કરવા ગયું અને આજે બેફામ પસ્તાય છે. આ પસ્તાવો ન કરવો હોય તો શાંતિથી ઘરમાં બેસી રહો અને ઘરના કામમાં હેલ્પ કરો. હું તો કહીશ કે ઘરનાં કામ ન આવડતાં હોય તો શીખો, શીખેલું એ કામ ક્યારેક કામ લાગશે.
મારી વાત કહું તમને. હું આ દિવસોમાં ઘરની સફાઈ કરતાં શીખી રહ્યો છું અને મને ગમે પણ છે. ઘરમાં કચરાં-પોતાં કરવાની ડ્યુટી અત્યારે મેં રાખી છે તો સાથોસાથ હું જાતે કપડાં ધોવાનું પણ શીખું છું. કિચનમાં જવું મને ગમે, પણ દરેક વરાઇટી મને આવડે નહીં એટલે મને જે આવડતું નથી એ વરાઇટી કેવી રીતે બને એ પણ શીખું છું. આ બધા ઉપરાંત હું સ્ટૉક માર્કેટનો સ્ટડી પણ કરું છું. થોડી બુક્સ કલેક્ટ કરી રાખી હતી જે વાંચવાનો હવે ટાઇમ મળી ગયો છે એટલે એ વાંચું છું. ટાઇમ સરસ રીતે પસાર થાય છે.
તમારે પણ આ જ કરવાનું છે. ટાઇમને બેસ્ટ રીતે પસાર કરવાનો છે અને બહાર જવાનું ટાળવાનું છે. હવેનાં બન્ને વીક બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇટલીએ જે ભૂલ કરી હતી એ આ જ પિરિયડમાં કરી હતી. તમને લૉજિક સાથે સમજાવું.
તમને ખબર છે એમ કોરોના પેશન્ટ્સને લક્ષણો દેખાવાનાં શરૂ દસમા દિવસ પછી અને ૧૪ દિવસ પહેલાંથી થાય છે. આ તબક્કો હવે આવી રહ્યો છે. એકવીસ દિવસનો લૉકડાઉન અને એક દિવસ જનતા કરફ્યુ. મુંબઈની વાત કરીએ તો બે દિવસ વધારાના લૉકડાઉનના. ગયા રવિવારના જનતા કરફ્યુ પછી આજના આ રવિવાર સાથે આઠ દિવસ થયા. અગાઉના લૉકડાઉનને પણ જો આમાં ઉમેરવામાં આવે તો થયા નવથી દસ દિવસ. કોરોના સંક્રમણના કારણે જે કોઈ ઇન્ફેક્ટેડ છે એ બધાને હવે એની અસર દેખાય એવી શક્યતા છે. આ તબક્કે હવે ઘરની બહાર ભટકવાનો અર્થ થાય છે હાથે કરીને મુસીબત નોતરવી અને ફૅમિલીને પણ એમાં ફસાવવા. જાત પર સંયમ રાખવો અને જાતને કાબૂમાં રાખીને ઘરમાં રહેવાનું પસંદ કરવું એ એકમાત્ર સલાહ આપી શકાય એમ છે.
આ સલાહ તમારી લાઇફ બદલી જશે એ પણ નક્કી છે. જરા જુઓ તમે દરરોજ બહારનું જન્ક ફૂડ ખાનારા ઑટોમૅટિકલી જન્કથી દૂર રહેવા લાગ્યા. જેને ઘરના નામથી ત્રાસ છૂટતો હતો તે હવે આખો દિવસ ઘરમાં રહે છે. જેને ફૅમિલી સાથે વાતો કરવામાં ત્રાસ છૂટતો હતો એ બધા હવે સહજ રીતે ફૅમિલી સાથે બેસે છે અને સાથે આખો દિવસ પસાર કરે છે. ગુરુ દત્તનું પેલું પૉપ્યુલર ગીત યાદ આવે છે અત્યારે મને.
વક્તને કિયા કયા હસીન સિતમ...
હા, મળી રહેલો આ ચેન્જ આવકારો અને આ ચેન્જને હવે લાઇફ બનાવવાનું પસંદ કરો. જો એ કરી શક્યા તો જ તમે ટકી શકવાના છો. પ્રકૃતિ સાથે બહુ ચેડાં કરી લીધાં. ઇચ્છા પડે ત્યારે નેચર સાથે રમવાનું કામ પણ કરી લીધું. સીધીસાદી ફિલોસૉફીને પડતી મૂકીને કુદરત સાથે હરીફાઈમાં ઊતરવાનું કામ પણ આપણે કરી લીધું, પણ હવે નહીં. હવે ઈશ્વરને ચૅલેન્જ આપવાની ભૂલ કરવી નથી. જગ્ગીજીએ બહુ સરસ વાત કહી હતી હમણાં, ભગવાને તમને તમારી ક્ષમતા મુજબની લડવાની શક્તિ આપી છે, તમે લડી જ રહ્યા છો પણ જે કામ માટે તમે નથી એ ક્ષમતા તમે લાવી શકવાના નથી. ચામાચીડિયું છે તમારાથી નાનું, તમે એને પહોંચી જઈ શકો એમ છો અને એટલે જ તમે એને તમારી ખાદ્ય સામગ્રી બનાવી દીધી. પણ એ જ ચામાચીડિયું જેની સામે લડી શકે છે એ કોરોના વાઇરસ સામે તમે હારી ગયા. જેને ચામાચીડિયું હરાવી દે છે એ તમને હરાવી ગયું. આ એક એવી રેસ છે જેમાં કોણ, ક્યારે અને કેવી રીતે આગળ નીકળી જાય એ કહી ન શકાય. જે કોરોનાને આજ સુધી ચામાચીડિયાએ પોતાનામાં સમાવીને માનવજાત ઉપર ઉપકાર કર્યો હતો એ જ ચામાચીડિયાને મારીને માણસે કોરોના નામનો રાક્ષસ પોતાની સામે જીવતો કર્યો પણ હવે નહીં. હવે પ્રકૃતિને માન આપતાં, એનું સન્માન કરતાં બસ એક જ વાત કહીએ : જીઓ ઔર જીને દો.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 03:32 PM IST | Mumbai Desk | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK