લીનાબહેન ભાઈદાસમાં કૉર્નરની સીટમાં બેસી નાટક જોવાનું પસંદ કરતાં

Updated: Aug 13, 2020, 14:40 IST | Latesh Shah | Mumbai Desk

આશા પારેખથી વસ્ત્ર પરિકલ્પનાની શરૂઆત કરનાર લીનાબહેને ફિલ્મસ્ટાર્સ રેખા, હેમા માલિની, નીતુ સિંહ, શ્રીદેવી, પરવીન બાબી, માધુરી દીક્ષિત, સુજાતા મહેતાનાં વસ્ત્રો ડિઝાઇન કર્યાં: યુવાન કલાકારો તેમને મા કહીને સંબોધતા

લીના બહેન
લીના બહેન

ગયા ગુરુવારે હું મુંબઈ પહોંચ્યો. મનમાં સાધુ હોવા અને થવા વિશે ચિંતન-મનન-અધ્યયનનો પ્રારંભ થઈ ગયો હતો. ઘરે પહોંચીને માનો વહાલથી માથે હેતભર્યો હાથ ફર્યો અને શાંતિ થઈ ત્યાં જ પપ્પાની ત્રાડ સાંભળીને મારાં હાજાં ગગડી ગયાં. અને પછી શું થયું એની વાત પછી કરીએ. જીવનયાત્રા ઘણી જ રસપ્રદ બની રહી છે આપ સૌ વાચકોના હૂંફાળા આવકારથી. જેમ છે તેમ વાતને વણવાની, વર્ણવવાની, વાગોળવાની, વાદવિવાદ વગર સારુંનરસું કબૂલ કરવાની અને જીવનના પર્વતારોહણમાં ચડવાની, પડવાની, ઊતરવાની ફિલ્મ મારી લાઇફમાં રીરિલીઝ કરવાની મજા આવી રહી છે. એ બદલ સૌ રસિક વાચકોને વંદન. મને આવતી બધી ઈ-મેઇલના હું જવાબ આપું છું, પણ ભૂલથી ભુલાઈ ગયું હોય તો મિચ્છા મિ દુક્કડં.
૧૯૭૨-૭૩માંથી આજે ૨૦૨૦-૨૧માં આવી જઈએ. મનમાં સાધુ વિશે વિચારતાં-વિચારતાં ગુજરાતી રંગભૂમિ પર વિચરતા આજના સંસારી સાધુ યાદ આવી ગયા. જેમના વ્યક્તિત્વથી, શાંત સ્વભાવથી, ઓશો રજનીશ જેવા દેખાવથી, તેમની અવિરત સર્જન સફરથી, હું તેમનાથી અને તેમની દાઢીથી હંમેશ પ્રભાવિત થયો છું. તેમણે સુંદર ચિત્ર જેવું જીવન જીવ્યું છે. એ ચિત્રકાર, ફોટોગ્રાફર, પર્વતઆરોહક, મેડિટેટર, સંસારમાં સાધુ સમાન અને સફળ સેટ ડિઝાઇનર અને ફળની આશા રાખ્યા વગર સતત કર્મ કરનાર પરેશ દરુ એટલે સંસારમાં રહીને અધ્યાત્મનું આર્ટિસ્ટિક એક્ઝામ્પલ. એક અલગારી ઓલિયો મીઠ્ઠો જીવ. મેં આજ સુધી તેમને ક્યારેય ઊંચા અવાજે બોલતા નથી સાંભળ્યા. અરે, જે માણસ દલીલો પણ શાંતિથી કરી શકે તેને શું કહેવાય?
૮૦ વર્ષની ઉંમરે પણ જે માણસને અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવીને રિક્ષામાં છેલભાઈની એક્ઝિટ બાદ એકલા હાથે છેલપરેશની સેટ-ડિઝાઇનને પાર પાડવા સતત સેટવાળાથી નાટકનાં રિહર્સલ અને થિયેટર વચ્ચે વણથાક્યે ભમતા મેં જોયા છે. તે જેટલા સેટ-ડિઝાઇન પ્રત્યે નિષ્ઠાવાન એટલાં જ તેમનાં ધર્મપત્ની લીનાબહેન દરુ કૉસ્ચ્યુમ ડિઝાઇનર તરીક પૅશનેટ હતાં. 
નૅશનલ અવૉર્ડ વિનર લીના દરુ પહેલાં ગુજરાતી ડિઝાઇનર તરીકે ભારતભરમાં વિખ્યાત થયાં.
લીના દરુએ ગઈ એકત્રીસમી જુલાઈએ રાત્રે આઠ વાગ્યે પરેશભાઈના જીવનમાંથી અને દુનિયામાંથી વિદાય લીધી. 
કોરોના કાળ કલાકારો, ક્રીએટિવ લોકો માટે કપરો નીવડ્યો. એક પછી એક રંગભૂમિ, ફિલ્મ અને ટેલિવિઝન સાથે જોડાયેલા કલાકરો અને ટેક્નિશ્યનોને ભરખનારો કાળ નીવડ્યો છે. કોરોના સિવાયના કારણે પણ સ્ટેજ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો હોમાઈ ગયા. પાંચમની છઠ થતી નથી. ગ્રહો અને સમયની બલિહારી છે. જ્યારે જે થવાનું છે એ થઈને જ રહે છે. આમ કહીને હેલ્પલેસ થઈને મનને મનાવ્યા સિવાય કોઈ છૂટકો નથી. 
મેં વર્લ્ડ હ્યુમન ડેવલપમેન્ટ સેન્ટર અને પ્રાઇમ મૉલ પૉકેટ થિયેટર તરફથી ઝૂમ ઍપ પર લીના દરુની ગુણાનુવાદ સભા રાખી હતી જેમાં ગુજરાતી રંગભૂમિના કલાકારો તેમ જ નૅશનલ લેવલનાં દિગ્ગજ ફૅશન-ડિઝાઇનર લીના દરુના શુભચિંતકો, શુભેચ્છકો, આપ્તજનો, ચાહકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ગુણાનુવાદ સભામાં વ્યક્તિવિશેષના ગુણ-અવગુણોને સાહજિક રીતે મૂલવવામાં આવે. દર સોમવાર કે મંગળવારે આ સભા ગોઠવવામાં આવે.
અત્યાર સુધી શફી ઇનામદાર, પ્રવીણ જોષી, ઉત્તમ ગડા, દીપક દવે, ગિરેશ દેસાઈ, પ્રબોધ જોષી, પ્રતાપ ઓઝા, જતિન કાણકિયાની સભા ઑફલાઇન અને ઑનલાઇન ભરાઈ અને એમાં ઘણા કલાકારોએ ભાગ લીધો. પરેશ રાવલ, સરિતા જોષી, અરવિંદ જોષી, મીનળ પટેલ, દીપક ઘીવાલા, રાગિણી, સનત વ્યાસ, પ્રતાપ સચદેવ, સુજાતા મહેતા, દર્શન જરીવાલા, સિદ્ધાર્થ રાંદેરિયા, ટીકુ તલસાણિયા, શર્મન જોષી, અમી ત્રિવેદી, નિમેશ દિલીપરાય, ઉમેશ શુકલા, જુહી બબ્બર, સંજય છેલ, રસિક દવે, સંજય ગોરડિયા, કૌસ્તુભ ત્રિવેદી, ભૌતેશ વ્યાસ, દીપક સોમૈયા, વિપુલ વિઠલાણી, સુનીલ વિસરાણી, વિજય રાવલ, યોગેશ સંઘવી, કેતન મોદી, મનીષા પુરોહિત જેવા પુષ્કળ ખમતીધર કલાકારોએ ભાગ લીધો.
લીના દરુની ગુણાનુવાદ સભામાં પુષ્કળ કલાકારો જોડાયા. મંગળવાર તા. ૧૧/૮/૨૦૨૦ના સાંજે ૭ વાગ્યે સભા હતી અને બપોરે સમાચાર મળ્યા કે પરેશ દરુની તબિયત લથડી છે અને તેમને આરોગ્ય નિધિ હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હું ટેન્શનમાં આવી ગયો. પરેશભાઈ પણ સભામાં લીનાબહેનના પતિ તરિકે હાજરી આપવાના હતા. હવે શું કરવું? સભા કરવી કે રદ કરવી એની વિમાસણ ઊભી થઈ. ત્યાં તો  સનત વ્યાસ અને કૌસ્તુભ ત્રિવેદીનો ફોન આવ્યો કે સભા રાખવી કે ન રાખવી પર વિચારવિમર્શ  કર્યા બાદ નક્કી થયું કે શો મસ્ટ ગો ઑન અને થોડી વારમાં સંજય છેલનો ફોન આવ્યો કે પરેશભાઈની તબિયત સુધરી રહી છે. ફાઈનલી સાત વાગ્યે સભા થઈ અને સભા લીનાબહેનના ચાહકોથી ભરાઈ ગઈ. 
નાટક અને ફિલ્મ કલાકાર દર્શન જરીવાલાએ નાનપણની યાદ મમળાવતાં કહ્યું કે જ્યારે હું સાત વર્ષનો હતો ત્યારે લીનાબહેનને પહેલી વાર આશા પારેખ સાથે યોગેન્દ્ર દેસાઈના ડાન્સ બેલે ચૌલાદેવીમાં મળ્યો હતો ત્યારે એ જમાનાનાં સુપર સ્ટાર આશા પારેખ અને લીના શાહ (લગ્ન પછી લીના દરુ) સાથે જ સેટ પર ફરતાં હોય એટલે હું મારી મમ્મી (રંગભૂમિનાં આદરણિય કલાકાર) લીલા જરીવાલાને પૂછતો કે આશા આન્ટી સાથે આ મસ્ત હસતાં આન્ટી નાટકમાં કામ નથી કરતાં તો પણ સાથે કેમ ભટકે છે? બન્ને બહેનો છે? મારી મમ્મી પણ ચૌલાદેવીમાં મહત્ત્વનું પાત્ર ભજવતાં એટલે હું તેમની સાથે દરેક શોમાં જતો. મને રંગબેરંગી ઐતિહાસિક જાજરમાન વસ્ત્રો બહુ જ આકર્ષક લાગતાં. ત્યારે મારી મમ્મીએ મને કહ્યું કે તને ગમતાં નાટકનાં બધાં ઝગમગતાં સુંદર વસ્ત્રો લીનાબહેને બનાવ્યાં છે. એ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને ત્યારથી હું તેમનો આર્ડેન્ટ ફૅન થઈ ગયો હતો જે આજ સુધી છું. સાત વર્ષની ઉંમરે પહેલી વાર તેમણે મારી સાઇઝના પહેરવેશ પહેરાવી પહેલી વાર સ્ટેજ પર મને ધકેલી દીધો. જ્યારે પણ તેમને મળું ત્યારે તે હસતાં જ હોય. મીનળ પટેલ અને સુજાતા મહેતાનાં ખાસ મિત્ર હતાં લીના દરુ. સંજય છેલે લીનાબહેનની ઝળહળતી કારકિર્દીની વાત કરી. આશા પારેખથી વસ્ત્ર પરિકલ્પનાની શરૂઆત કરનાર લીનાબહેને ફિલ્મસ્ટાર્સ રેખા, હેમા માલિની, નીતુ સિંહ, શ્રીદેવી, પરવીન બાબી, માધુરી દીક્ષિત, સુજાતા મહેતાનાં વસ્ત્રો ડિઝાઇન કર્યાં. સુજાતાના કહેવા પ્રમાણે તેઓ દિવસ અને રાત, સૂતાં-જાગતાં-ખાતાં-પીતાં કૉસ્ચ્યુમ ડિઝાઇનમાં જ ઓતપ્રોત રહેતાં. મારાં નાટકનાં, ફિલ્મનાં અને પર્સનલ વસ્ત્રો પણ લીનાબહેને જ ડિઝાઇન કર્યાં છે. તેમની પારખવાની નજર ગજબની હતી. પળવારમાં વ્યક્તિને જોઈ તેને કેવા કટવાળાં વસ્ત્રો માફક આવશે એની તેમને સમજ પડી જતી હતી. ગુજરાતી તખ્તાની નિર્માત્રી અને અભિનેત્રી અમી ત્રિવેદીના કહેવા પ્રમાણે તેમણે ડિઝાઇન કરેલાં કપડાં પહેરી તમે સ્ટેજ પર એન્ટ્રી મારો એટલે પ્રેક્ષકોની વાહવાહની દાદ સંભળાય જ. લગભગ આજના યુવાન કલાકારો એ બન્નેને મા અને બાબા તરીકે જ સંબોધે. બન્ને એટલાં માયાળુ અને મળતાવડાં હતાં. સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીના કહેવા પ્રમાણે લીનાબહેન ભાઈદાસમાં કૉર્નરની સીટમાં બેસી નાટક જોવાનું પસંદ કરતાં. બધાનો એક જ સૂર હતો કે સ્વભાવથી લાર્જર ધૅન લાઇફ હતાં પણ બન્ને ડાઉન ટુ અર્થ જીવન જીવનારા પુરુષાર્થી ગણાય. કોઈએય કયારેય બન્નમાં ઘમંડ નહીં જોયો હોય.
લીનાબહેન, તમે અહીંથી ગયાં નથી. હજી ઘણાનાં દિલમાં ધબકી રહ્યાં છો. પરેશભાઈ અત્યારે હૉસ્પિટલના આઇસીયુમાં છે. ચાલો સૌ આપણે આ સંસારી સાધુ બાબાના દીર્ઘાયુષની પ્રાર્થના કરીએ. હું જરૂર આપને આવતા ગુરુવારે તેમની તબિયતના સારા સમાચાર આપું એવા આપના આશીર્વાદ સાથે વિરમું છું.

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
જે જાય છે એ આવે છે. આ આવનજાવનની રમતના અઠંગ ખેલાડીઓને જીતવા-હારવાની બાજી કરતાં એમાં થતા જલસાનો ખ્યાલ રાખવો જોઈએ. જલસો નથી તો જીવન નથી. જીવન નથી તો-તો જીવવાનો અર્થ જ અનર્થમાં ફેરવાઈ જાય. અનર્થ એટલે પીડા, મનદુઃખ, ડંખ, ગુસ્સો, ઈર્ષા, નિંદા, શક, અભિમાન, દુઃખ, ઉદાસી, હતાશા, નિરાશા, ડર, આળસ, સ્વાર્થ, નફરતનો સંગ્રહ કરવો. છોડો બધું અને જલસા કરો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK