93 વર્ષની ઉંમરે પદ્મ પુરસ્કાર મેળવનાર ગુજરાતી બા જસવંતીબહેન પોપટ છે કોણ?

Updated: 27th January, 2021 16:48 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

‘લિજ્જત પાપડ’ના માલિકને 'ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ'માં પદ્મ પુરસ્કાર મળ્યો છે

તસવીર સૌજન્ય: જાગરણ
તસવીર સૌજન્ય: જાગરણ

ભારત સરકારે તાજેતરમાં જ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષે પદ્મ પુરસ્કારની યાદીમાં અનેક ગુજરાતીઓનો નામ સામેલ છે. જે દરેક ગુજરાતી માટે ખરેખર ગર્વની વાત છે. આ વર્ષે સાત લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ અને 102 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં ‘લિજ્જત પાપડ’ને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવનાર તેના માલિક 93 વર્ષિય ગુજરાતી મહિલા જસવંતીબેન જમનાદાસ પોપટ (Jaswantiben Jamnadas Popat)ને પણ 'ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ'માં પદ્મ પુરસ્કાર મળ્યો છે. મુંબઈના રહેવાસી અને પાછા ગુજરાતી એટલે સહુને તેમના પર ગર્વ થાય તે સ્વાભાવિક છે. તેમની જીવન કથા ખરેખર જાણવા જેવી છે.

મૂળ કાઠિયાવાડના અને હાલ મુંબઈમા રહેતા જસવંતીબેન જમનાદાસ પોપટ હાલાઈ લોહાણા સમાજમાંથી આવે છે. તેઓ 93 વર્ષના છે. જે સમયે છોકરીઓને ભણાવવાનું ચલણ નહોતું ત્યારે પણ તેઓ બે ચોપડી ભણ્યા હતા. જીવનના દરેક તબક્કે તેઓ પોતાની ભૂમિકા સુપેરે નિભાવતા હતા. લગ્ન કર્યા બાદ ગૃહિણી તરીકે તેઓ બધી જ ફરજ નિભાવતા અને ઘરકામ પણ કરતા. પરંતુ ઘરકામ કરતા અને ફરજો બજાવતા પણ તેમની પાસે ઘણો સમય બચતો. ત્યારે તેમને થયું કે આ સમયનો સદ્ઉપયોગ કરવો જોઈએ અને કંઈક કામ કરવું જોઈએ. પછી તેમણે ઈ.સ. 1950માં પોતાના ઘરમાં જ પાપડ બનાવવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે પાડોશમાં, તેમની ગલીમાં અને પછી આખાય શહેરમાં તેમના પાપડ જાણીતા થવા લાગ્યા. આર્થિક વળતર પણ સારૂ મળવા લાગ્યું હતું. અહીંથી શરૂ થઈ તેમની સફળતાની સફર.

ઈ.સ. 1959માં જસવંતીબહેને પોતાની સંસ્થાની નોંધણી કરાવી. શરૂઆતમાં સાત જેટલી તેમના જેવી પરિશ્રમી મહિલાઓને સભ્ય બનાવી તેઓ પોતે સંચાલક બન્યા. તેમણે 200 રૂપિયાની લોન લઈને મૂડી ઉભી કરી અને પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો અને પોતાના પાપડને નામ આપ્યું ‘લિજ્જત પાપડ’. ધીમે ધીમે ધંધો વિકસતો ગયો અને લોકોમાં એમના પાપડની માંગ વધતી ગઈ. સાથે જ કામ કરનાર બહેનોની સંખ્યા પણ વધતી ગઈ. પાપડ તૈયાર કરવા, પેકિંગ કરવું, માર્કેટીંગ કરવું, વેચાણ કરવું, હિસાબ રાખવો બધું જ મહિલાઓ કરતી રહી. આમ લિજ્જત પાપડ એક પ્રતિષ્ઠિત નામ બની ગયું. એટલું પ્રતિષ્ઠિત કે ટેલિવિઝન અને ન્યૂઝપેપરમાં તેની જાહેરાતો આવવા લાગી. ‘લિજ્જત પાપડ’ લોકોમાં લોકપ્રિય થઈ ગયા. આજે પણ અહીં પાપડ મશીનથી નહીં પરંતુ હાથેથી બનાવીને બજારમાં વેચવામાં આવે છે.

200 રૂપિયાની લોન લઈને જસવંતીબહેને શરૂ કરેલો બિઝનેસ હવે એક વર્ષમાં 800 કરોડનું ટર્નઓવર કરે છે. પાપડના 82 એકમો છે, જે લાખૌ બહેનોને રોજગાર આપે છે.

93 વર્ષની વયે પણ જસવંતીબહેન આજે કાર્યરત છે. મેનેજમેન્ટ સહિત અન્ય કામ પર પણ તેઓ દેખરેખ રાખે છે. આટલી ઉઇમરે પણ કામ કરવાનો જુસ્સો અને હજારો મહિલાઓને પ્રેરણા આપતા કિસ્સાને લીધે તેમને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે.  

First Published: 27th January, 2021 16:39 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK