Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાસ્કેટબૉલના બાદશાહ બનવું હતું રેસલિંગના આ રાજાને

બાસ્કેટબૉલના બાદશાહ બનવું હતું રેસલિંગના આ રાજાને

28 June, 2020 09:41 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

બાસ્કેટબૉલના બાદશાહ બનવું હતું રેસલિંગના આ રાજાને

25: WWEની વાર્ષિક ઇવેન્ટ રેસલમેનિયા તે આટલી વાર જીત્યો હતો, 140 આટલા કિલો વજન હતું અન્ડરટેકરનું

25: WWEની વાર્ષિક ઇવેન્ટ રેસલમેનિયા તે આટલી વાર જીત્યો હતો, 140 આટલા કિલો વજન હતું અન્ડરટેકરનું


એક નજર કરીએ અન્ડરટેકરની મારફાડ કરીઅર પર...

હજારો માણસ એક બંધ સ્ટેડિયમમાં બેઠા હોય અને અચાનક લાઇટ બંધ થઈ જાય. ધુમાડો નીકળવા માંડે અને બેલ વાગવાનો અવાજ આવે. અચાનક લાઇટ ચાલુ-બંધ થાય અને બેલના અવાજ અને ધુમાડા સાથે એક વ્યક્તિ સામે આવે અને એ છે માર્ક વિલિયમ કોલવે. આ નામે એ વ્યક્તિને કદાચ કોઈ નહીં ઓળખતું હોય, પરંતુ ‘ધી અન્ડરટેકર’ના નામે તે દુનિયાભરમાં ફેમસ છે. વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં આ નામ ખૂબ મોટું છે. રિન્ગમાં તેની એન્ટ્રી થયા બાદ ટોપી ઉતારીને તે જે રીતે ઓપોનન્ટ સામે જોતો એ નજર ભલભલાને ભયથી થરથરાવી દે. તેની આંખો એકદમ ઉપર જતી રહેતી હતી અને ક્લોઝ-અપમાં તે ખૂબ ડરામણો લાગતો હતો. એક સમયે એવું કહેવાતું કે આ દુનિયામાં એક જ વ્યક્તિ એવી છે જે મૃત્યુ પામીને પણ ફરી રિટર્ન આવે છે અને એ છે અન્ડરટેકર. ભલે આ એક ખોટી મારામારી કરીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવતા હોય, પરંતુ એમાં પણ જીવનું જોખમ ઘણું રહે છે અને ઘણી ગંભીર ઈજા પણ થાય છે, જેમાંથી અન્ડરટેકર પણ નહોતો બચ્યો. તે વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડતો આવ્યો છે અને તેણે હાલમાં જ રિટાયરમેન્ટ લીધું છે.



બાસ્કેટબૉલમાં બનાવવી હતી કરીઅર


અમેરિકામાં આવેલા ટેક્સસના હ્યુસ્ટનમાં માર્ક વિલિયમ કોલવેનો જન્મ ૧૯૬૫ની ૨૪ માર્ચે થયો હતો. તેના ચાર ભાઈઓ હતા અને તે પાંચમો. તેનાથી દરેક ભાઈ મોટા હતા. તે જે વૉલટ્રિપ હાઈ સ્કૂલમાં ભણતો હતો ત્યાંની ફુટબૉલ અને બાસ્કેટબૉલની ટીમનો તે સારો પ્લેયર હતો. ૧૯૮૩માં ગ્રૅજ્યુએટ થયા બાદ તેને ટેક્સસની એન્જેલિના કૉલેજમાં બાસ્કેટબૉલની સ્કૉલરશિપના બળબૂતાં પર ઍડ્મિશન મળ્યું હતું. ૧૯૮૫માં તે ટેક્સસ વેસ્લેયન યુનિવર્સિટીમાં ગયો હતો અને ત્યાં તેણે બાસ્કેટબૉલ રમવાનું ચાલુ રાખ્યું અને સ્પોર્ટ્સ મૅનેજમેન્ટમાં આગળ વધ્યો હતો. સ્પોર્ટ્‍‍સમાં તેને એટલો રસ હતો કે ૧૯૮૬માં તેણે કૉલેજમાંથી ડ્રૉપ-આઉટ લઈ લીધો જેથી તે પોતાની ગેમ પર વધુ ધ્યાન આપી શકે. તેનું લક્ષ્ય એક જ હતું કે યુરોપમાં પ્રોફેશનલ બાસ્કેટબૉલ પ્લેયર બનવું.

રેસલિંગની શરૂઆતની કરીઅર


બાસ્કેટબૉલ પ્લેયર બનવા માગતા માર્કની મુલાકાત ૧૯૮૬માં બઝ સોયર સાથે થઈ અને તેની જિંદગીએ નવો વળાંક લીધો. બઝ પાસે તેણે રેસલિંગની ટ્રેઇનિંગ લીધી હતી. જોકે સોયરમાં લિમિટેડ એજ્યુકેશન અને કમિટમેન્ટની કમી હોવાથી માર્કને તે પસંદ નહોતો. ૧૯૮૭ની ૨૬ જૂને માર્ક પહેલી વાર વર્લ્ડ ક્લાસ ચૅમ્પિયનશિપ રેસલિંગ માટે ટેક્સસ રેડ તરીકે રિંગમાં ઊતર્યો હતો. જોકે તેની હાર થઈ હતી. તે ૧૯૮૪માં પહેલી વાર મૅચ રમ્યો હતો એવી પણ અફવા છે. ૧૯૮૮માં માર્કે કૉન્ટિનેન્ટલ રેસલિંગ અસોસિએશન જૉઇન કર્યું હતું. ૧૯૮૯ની બે ફેબ્રુઆરીએ તેને તેની બીજી મૅચમાં માસ્ટર ઑફ પેઇન તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. તેની બીજી મૅચનો પર્ફોર્મન્સ જોઈને તેને યુનિફાઇડ વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયન જેરી લોવર દ્વારા મૅચ માટે ચૅલેન્જ આપવામાં આવી હતી. માસ્ટર ઑફ પેઇન મૅચને ડોમિનેટ કરી રહ્યો હોવાથી જેરીના મૅનેજર વચ્ચે આવી મૅચ અટકાવી હતી અને પહેલી એપ્રિલે પ્રોફેશનલ મૅચ માટે ચૅલેન્જ આપી હતી. આ મૅચ માર્ક એટલે કે એ સમયનો માસ્ટર ઑફ પેઇન જીતી ગયો હતો અને તેની એ પહેલી પ્રોફેશનલ રેસલિંગ ચૅમ્પિયનશિપ હતી. ૧૯૮૯માં માર્કે વર્લ્ડ ચૅમ્પિયનશિપ રેસલિંગમાં વિલન એટલે કે ‘મીન માર્ક’ સ્ટેજ નેમ સાથે એન્ટ્રી લીધી હતી. ત્યાર બાદ તેણે ઘણી ટીમ જૉઇન કરી હતી. જોકે ટીમો અવારનવાર તૂટતી રહેતી હતી એટલે તેણે સિંગલ રહીને રમવાનું નક્કી કર્યું.

 આ દરમ્યાન દરેકની નજર તેના પર હતી. તે ધીમે-ધીમે પોતાની છાપ છોડતો જતો હતો. તેને વર્લ્ડ રેસલિંગ ફેડરેશન (WWF) (જે પછીથી વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ WWE બન્યું હતું) દ્વારા ૧૯૯૦માં સાઇન કરવામાં આવ્યો હતો. ૧૯૯૦ની ૧૯ નવેમ્બરે તેને કેન ધ અન્ડરટેકર દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો હતો. તે મિલ્યન ડૉલર ટીમમાં રમી રહ્યો હતો અને તેની એન્ટ્રીની એક મિનિટમાં જ તેણે તેના ફિનિશર મૂવ ‘ટૉમ્બસ્ટોન પાઇલડ્રાઇવર’ દ્વારા સામેના પ્લેયરને ઍલિમિનેટ કરી દીધો હતો. આ મૅચમાં તેની ટીમ જીતી ગઈ હતી અને તેનું નામ કૅન ધ અન્ડરટેકરમાંથી ફક્ત ધી અન્ડરટેકર બની ગયું હતું. તે ફક્ત સ્ક્વૉશ મૅચ રમી રહ્યો હતો અને તેની કરીઅરમાં સૌથી મહત્ત્વનો મુકામ ૧૯૯૧ની ૨૪ માર્ચે આવ્યો હતો. તેણે રેસલમેનિયા-7માં ભાગ લીધો હતો અને એમાં તેણે સુપરફ્લાય એટલે કે જિમી સ્નુકાને હરાવ્યો હતો. અહીંથી માર્કનું અન્ડરટેકરનું સ્ટારડમ શરૂ થયું હતું.

અન્ડરટેકરની લેગસી

અન્ડરટેરેર ત્યાર બાદ સર્વાઇવર સિરીઝમાં ભાગ લીધો હતો અને હુલ્ક હોગનને હરાવીને વર્લ્ડ રેસલિંગ ફેડરેશનનો સૌથી યુવાન પ્લેયર બન્યો હતો. અન્ડરટેકર એ સમયે તેની સામે હારેલા પ્લેયરને બૉડી બૅગમાં ભરીને લઈ જતો હતો. રેસલમેનિયા, સર્વાઇવર સિરીઝ, હેલ ઇન અ સેલ, ડાર્ક સેરેમની અને બરીડ અલાઇવ જેવાં ઘણાં સેગમેન્ટમાં તેણે ભાગ લીધો હતો. WWE અને વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયનશિપની સાથે તે ૬ વાર ટૅગ ટીમ ટાઇટલ હોલ્ડર બન્યો હતો. ૨૦૦૭માં તે રૉયલ રમ્બલ વિનર પણ બન્યો હતો. જોકે આ તમામ વચ્ચે તેની સૌથી મોટી સિદ્ધિ રેસલમેનિયા છે. ૧૯૯૧માં તે પહેલી વાર રેસલમેનિયા રમ્યો હતો ત્યારથી તે જીતતો આવ્યો છે. તે સતત ૨૧ રેસલમેનિયા જીત્યો હતો. આ દરમ્યાન તેણે શોન માઇકલ્સ, ટ્રિપલ એચ, જૅક ‘ધ સ્નેક’ રૉબર્ટ્સ, રેન્ડી ઑર્ટન અને કેવિન નેશ જેવા ઘણા પ્લેયર્સને હરાવ્યા હતા. જોકે રેસલમેનિયા-30માં બ્રોક લેસનરે તેને હરાવ્યો હતો. આ પહેલી વાર બન્યું હતું કે અન્ડરટેકરને કોઈએ હરાવ્યો હોય. ત્યાર બાદ અન્ડરટેકર ફરી મૅચમાં આવ્યો હતો અને ફરી રસલમેનિયા જીત્યો હતો. રેસલમેનિયા-33માં તેણે રૉમન રેઇન્સ સામે ફરી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે અન્ડરટેકર હાર માને એમાંનો નહોતો. તેણે ફરી રસલમેનિયામાં આગામી વર્ષે એન્ટ્રી કરી અને જૉન સીનાને હરાવીને ટાઇટલ ફરી પોતાના નામે કર્યું હતું. તે અત્યાર સુધીમાં ૨૪ રેસલમેનિયા જીતી ચૂક્યો છે અને બે વાર હાર્યો છે. બે વાર ઇન્જરીને કારણે તે રસલમેનિયામાં ભાગ નહોતો લઈ શક્યો.

પોતાના કૅરૅક્ટરને હંમેશાં સાચવીને રાખતો

અન્ડરટેકર પોતાના કૅરૅક્ટરને હંમેશાં સાચવીને રાખતો હતો. વર્લ્ડ રેસલિંગ ફેડરેશન અને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટમાં તે ઘણાં કૅરૅક્ટર સાથે રમ્યો હતો. અન્ડરટેકર બન્યા બાદ તેણે ડેડમૅન એરાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે લૉર્ડ ઑફ ડાર્કનેસ બન્યો હતો. મિનિસ્ટ્રી ઑફ ડાર્કનેસ બન્યા બાદ તે પ્રીસ્ટના કપડામાં આવતો હતો. તે અમેરિકન બૅડ એસ, બિગ એવિલ પણ બન્યો હતો. તે રિંગ સુધી બાઇક પર પણ આવતો હતો. જોકે ત્યાર બાદ ડેડમૅનના અવતારને ફરી તેણે અપનાવ્યો હતો અને તેને રિટર્ન ઑફ ડેડમૅન નામ આપવામાં આવ્યું હતું. તેના આ પર્સોનાને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો. આ તમામ કૅરૅક્ટરને પ્રોટેક્ટ કરવા માટે તે લોકોથી અને મીડિયાથી દૂર રહેતો હતો. તેની કરીઅર દરમ્યાન થોડા ઘણા લોકો સાથે તેણે ઇન્ટરવ્યુ શૂટ કર્યા હશે. જોકે કરીઅરના અંતમાં તેણે પોતાની ડૉક્યુમેન્ટરી બનવા દીધી હતી જેને ‘ધી લાસ્ટ રાઇડ’ નામ આપવામાં આવ્યું છે. અન્ડટેકરે રસલમેનિયા-36માં ધી અનહોલી ટ્રિનિટી પર્સોનામાં જોવા મળ્યો હતો. એમાં સુપરનૅચરલ, અમેરિકન બૅડ એસ અને તેનું રિયલ લાઇફ કૅરૅક્ટર એમાં જોવા મળ્યું હતું. વર્ષોથી મીડિયાથી દૂર રહેનાર અન્ડરટેકરે તેની કરીઅરના છેલ્લા વર્ષમાં માર્ક કોલવે તરીકે ઇન્ટરવ્યુ આપ્યા હતા.

અગાઉ પણ રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું

અન્ડરટેકર એકમાત્ર એવો માણસ હતો જે મૃત્યુ પામ્યા બાદ પણ પાછો આવતો હતો અને એ એટલા માટે કે આ મૅચ દરમ્યાન તેની સ્ટોરી એ રીતે રજૂ કરવામાં આવતી હતી અને તેના પર્સનોનાનું નામ પણ ડેડમૅન હતું. જોકે આ પર્સોના ૨૦૧૭માં રિંગમાં તેની હૅટ, જૅકેટ અને શૂઝ મૂકીને ત્યાંથી જતો રહ્યો હતો. આ તેની રિટાયરમેન્ટની જાહેરાત હતી. જોકે તે ફરી આવ્યો હતો અને ફરી તેણે લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડ્યું હતું. તેણે છેક આ વર્ષે થોડા દિવસ પહેલાં જ રિટાયરમેન્ટની જાહેરાત કરી છે.

અન્ડરટેકર કેમ માસ્ક પહેરતો હતો?

રિયલ લાઇફમાં અન્ડરટેકરના ઑર્બિટલ બોનમાં ઈજા થઈ હતી. આ ઈજા વધુ ન થાય અથવા તો એ ગંભીર રૂપ ધારણ ન કરે એ માટે તેણે અમુક વર્ષ સુધી માસ્ક પહેર્યો હતાો એ સમયે બ્રેક લેવો વર્લ્ડ રેસલિંગ ફેડરેશન માટે ખૂબ મોટું નુકસાન હતું એથી તે માસ્ક પહેરતો હતો તેમ જ આ સમય દરમ્યાન તે એવા જ ફોટો પર ઓટોગ્રાફ આપતો જેમાં તેના ચહેરા પર માસ્ક હોય.

કેન અને અન્ડરટેકર બન્ને ભાઈ હતા?

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટમાં અન્ડરટેકરની સાથે અન્ય એક રેસલર પણ હતો જેનું નામ કેન હતું. આ બન્ને ભાઈઓ છે એવી સ્ટોરીલાઇન ચલાવવામાં આવી હતી અને તેઓ ઘણી વાર એક જ ટીમમાંથી રમતા હતા અને બન્ને માસ્ક પણ પહેરતા હતા. જોકે તેમણે અંત સુધી આ વાતને સીક્રેટ રાખી હતી કે તેઓ ભાઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 09:41 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK