વિપત્તિની વિદ્યાપીઠનો વિદ્યાર્થી (લાઇફ કા ફન્ડા)

Published: 30th November, 2012 06:51 IST

એક અમીરને ત્યાં મોટી મિજબાની રાખી હતી. મોટા-મોટા અધિકારીઓ તેમ જ અમીરોને નોતરવામાં આવ્યા હતા.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક અમીરને ત્યાં મોટી મિજબાની રાખી હતી. મોટા-મોટા અધિકારીઓ તેમ જ અમીરોને નોતરવામાં આવ્યા હતા.

મિજબાનીમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવાની હોવાથી, નિષ્ણાત રસોઈવાળા રોક્યા હતા. મિજબાનીનો સમય થઈ ગયો હતો.

મિજબાનીની સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણતાં-માણતાં મહેમાનો અંદર-અંદર વાતો કરવા લાગ્યા.

ત્યાં તો કોઈ મહેમાને એક ઐતિહાસિક પ્રસંગ છેડી દીધો.

વાતો કરનારાઓનું ધ્યાન એ તરફ જતાં તેમણે વાતો બંધ કરી દીધી અને બધાએ પ્રસંગ સાંભળવા લાગ્યા.

પ્રસંગ અત્યંત રોચક હતો, પણ એક મહેમાને વચ્ચે દરમ્યાનગીરી કરી, દૂધમાંથી પોરા કાઢતાં હોય એમ પિષ્ટપેષણ કરવા માંડ્યું.

ટીકાટિપ્પણ થતાં સળંગ વાર્તાપ્રવાહ અવરોધાઈ ગયો. પછી એ ઐતિહાસિક પ્રસંગ બાબતે બન્ને મહેમાનો વચ્ચે મતભેદ પડી ગયો.

એમાં પાછા બે પક્ષ પડી જતાં મિજબાનીનું પ્રસન્ન વાતાવરણ ડહોળાઈ ગયું. આ પીરસતાં નોકરને મનમાં દુ:ખ થયું.

ચા પીરસતાં-પીરસતાં એકાએક અટકી જઈ, સૌનું ધ્યાન ખેંચતા વિનયભર્યે સ્વરે તે બોલ્યો, ‘મહાનુભાવો, નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું. એ ધૃષ્ટતા બદલ ક્ષમા કરજો. આ ઐતિહાસિક પ્રસંગમાં સાચી બીના તો આ પ્રમાણે બની હતી. આપને શંકા જતી હોય તો ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો તપાસશો તો આપ સૌ વચ્ચેનો વિવાદ ટળી જશે.’

નોકરની વાત સાંભળી. અમીરના ગ્રંથાલય એક ઐતિહાસિક ગ્રંથ મગાવી ખાતરી કરતાં નોકરની વાત સાચી નીકળી.

નોકરને ખૂબ-ખૂબ ધન્યવાદ આપતા એક ઇતિહાસવેત્તા મહેમાન બોલ્યા, ‘તારું જ્ઞાન ઘણું ઊંડું છે. તેં કંઈ વિદ્યાપીઠમાંથી આ બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે?’

વિનમ્ર સ્વરે નોકર બોલ્યો, ‘મહાનુભાવ, વિશ્વની સૌથી વિશાળ વિદ્યાપીઠમાં મેં વિદ્યાભ્યાસ કર્યો છે. એ વિદ્યાપીઠનું નામ છે વિપત્તિની વિદ્યાપીઠ. વિપત્તિની વિદ્યાપીઠમાં મારું જીવન ઘડતર થયેલું છે. વિપત્તિઓએ મને ઝૂકતાં નહીં, પણ એનો સામનો કરતાં ને આગળ વધતાં જ શીખવાડ્યું છે. બીજી વિદ્યાપીઠોનો અભ્યાસ તો અમુક વર્ષો, અમુક મુદતોમાં પૂરો થઈ જાય છે, જ્યારે વિપત્તિની વિદ્યાપીઠનો વિદ્યાભ્યાસ તો જીવનભર ચાલતો જ રહે છે.’

વિપત્તિની વિદ્યાપીઠના એ આજીવન અભ્યાસી હતા. પ્રજાતંત્ર પદ્ધતિના જન્મદાતા દાર્શનિક રૂસો, ગરીબીના દિવસોમાં જીવનનિર્વાહ માટે એક અમીરને ત્યાં નોકરની સામાન્ય નોકરી તેમણે સ્વીકારી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK