ચૈતન્ય મહાપ્રભુજી બંગાળના મહાન સંત, અસંખ્ય લોકો તેમના ભક્ત અને ઘણા તેમને ઈશ્વરના અવતારરૂપ ભજે છે.
(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)
ચૈતન્ય મહાપ્રભુજી બંગાળના મહાન સંત, અસંખ્ય લોકો તેમના ભક્ત અને ઘણા તેમને ઈશ્વરના અવતારરૂપ ભજે છે.
ચૈતન્ય મહાપ્રભુજી મંદિરમાં પ્રાર્થના સમયે હંમેશાં એક થાંભલા પાસે ઊભા રહેતા. એ સ્તંભનું નામ ગરુડ સ્તંભ હતું. એ મંદિરના સ્તંભ પર વિષ્ણુજીના વાહન ગરુડજીની પ્રતિકૃતિ સુંદર રીતે કોતરવામાં આવી હતી.
મંદિરની નામના અને સત્ ખૂબ જ હતું, એથી વાર-તહેવારે દર્શનાર્થીઓમાં ભારે ભીડ રહેતી અને કોઈક વાર તો ધક્કામુક્કી પણ થતી.
એવા જ એક અનેક દર્શનાર્થી ભક્તોથી ઊભરાતા દિવસની વાત છે. ઓરિસાથી એક ગરીબ સ્ત્રી પ્રભુદર્શન કરવા આવી હતી. તે કદમાં જરા ઠીંગણી હતી એથી ભગવાનની મૂર્તિનાં દર્શન કરી શકતી નહોતી. અતિશય ભીડ હોવાથી આગળ પણ વધી શકાય એમ નહોતું.
પણ પેલી સ્ત્રી ખૂબ જ દૂરથી પ્રભુદર્શનની ઇચ્છા મનમાં રાખીને આવી હતી. ઊંચા થવા માટે તેણે આજુબાજુ નજર કરી અને તેની નજર ગરુડ સ્તંભ પર પડી.
તે ગરુડ સ્તંભ પર ચઢી ગઈ અને એટલું જ નહીં, એક પગ તેણે ત્યાં ઊભેલા ચૈતન્યપ્રભુના ખભા પર ટેકવી દીધો.
ચૈતન્યપ્રભુજી તો પ્રાર્થનામાં મસ્ત હતા, પણ પાછળ ઊભેલા તેમના શિષ્ય ગોવિંદથી રહેવાયું નહીં. તેણે પેલી સ્ત્રીને ધમકાવી નાખી. ગોવિંદના ગુસ્સા બાદ જ બિચારીને ખ્યાલ આવ્યો કે પોતે ભૂલથી ચૈતન્યપ્રભુના ખભા પર પગ ટેકવ્યો હતો! તે તો ડરીને હાંફળી-ફાંફળી થઈ નીચે ઊતરી અને રડી પડી.
ગોવિંદની ગુસ્સાભરી ચીસોથી ચૈતન્યપ્રભુનું ધ્યાન તૂટ્યું. તેમને ગોવિંદે આખી વાત કહી અને પછી પેલી સ્ત્રીને વધુ વઢવા ગોવિંદ તેના ભણી વળ્યો.
સ્ત્રી ચોધાર આંસુએ રડતી હતી. ગોવિંદ કંઈ બોલવા જાય એ પહેલાં જ પ્રભુ ચૈતન્યએ તેને વાર્યો અને કહ્યું, ‘ભાઈ! આ સ્ત્રીને વઢ નહીં, વંદન કર! પ્રભુનાં દર્શનની લગનીમાં તે ભાન પણ ભૂલી ગઈ કે પોતાનો પગ ક્યાં પડે છે, પણ આપણે પ્રભુની આટલી લગન નથી રાખતા. આપણા અને આપણા સાથીઓના ખભા ઉપર કોના પગ પડે છે એનું જ આપણે ધ્યાન રાખીએ છીએ. આપણા કરતાં આ સ્ત્રીની ભાવના ઊંચી છે. પ્રભુનાં દર્શનમાં કે કાર્યમાં જેની આટલી લગન હોય તે હંમેશાં વંદન કરવા યોગ્ય હોય છે.’
ચૈતન્યપ્રભુજીએ સ્ત્રીને રડવાની ના કહી હસીને વંદન કર્યાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK