સભ્યતા મેળવવાનો રસ્તો (લાઇફ કા ફન્ડા)

Published: 28th November, 2012 06:09 IST

એક વાર લુકમાન તેમના અનુયાયીઓ વચ્ચે વીંટળાઈને બેઠા હતા. અનુયાયીઓ જાત-જાતના પ્રશ્નો પૂછતા હતા ને લુકમાન સંતોષકારક ઉત્તરો આપતા હતા.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક વાર લુકમાન તેમના અનુયાયીઓ વચ્ચે વીંટળાઈને બેઠા હતા. અનુયાયીઓ જાત-જાતના પ્રશ્નો પૂછતા હતા ને લુકમાન સંતોષકારક ઉત્તરો આપતા હતા.

અચાનક જ એક શિષ્યે પૂછ્યું, ‘લુકમાનજી, આપની ભાષા કેટલી સભ્યતાસભર છે? આવી સભ્ય વાણી આપ ક્યાંથી શીખ્યા?’

આ સાંભળી લુકમાન પળવાર તો ગંભીર બની ગયા. પ્રશ્ન સાવ સહેલો હતો, પણ જવાબ ભલભલાને ગૂંચવી નાખે એવો હતો.

લુકમાને હસતાં-હસતાં જવાબ આપ્યો કે ‘ભાઈ, એના માટેની કોઈ પાઠશાળા નથી હોતી. સભ્યતા શીખવા માટે ક્યાંય તાલીમની જરૂર પડતી નથી, પણ આ સમાજ જ સભ્યતાની પાઠશાળા છે. તમે સમાજમાંથી આ બધું શીખી શકો.’

લુકમાનનો જવાબ સાંભળી સૌ વિચારમાં પડી ગયા.

શિષ્ય બોલ્યો, ‘લુકમાનજી, સમાજમાંથી કઈ રીતે અને ક્યાંથી સભ્યતાની તાલીમ મળવી શકાય.’

લુકમાનજીએ જવાબ આપ્યો, ‘સાચું કહું, સભ્યતા શીખવા માટે સમાજની અસભ્યતા જાણવી પડે.’

વાહ, લુકમાનની વાત પણ ગજબની છે! સૌ વિસ્મયથી સ્તબ્ધ બનીને તેમની સામે જોઈ રહ્યા. અસભ્ય માણસો પાસેથી સભ્યતા શીખવાની વાત તો ભારે અશક્ય જ કહેવાય.

એક શિષ્યે કહ્યું પણ ખરું કે, ‘લુકમાનજી, આપ શું કહો છો? અમને તો આપની વાત ખૂબ જ અટપટી લાગે છે, જાણે સસલાનાં શિંગડાં શોધવાની વાત કરતા હોય કે પછી ગધેડાએ શિંગડું માર્યું એમ કોઈ કહે તો ગળે ઊતરે ખરું?’

‘ભાઈ, સસલા કે ગધેડાનાં શિંગડાં શોધવાની આ વાત નથી. મારી વાતનો ભાવાર્થ જુદો છે, પણ વાત સાવ સાચી છે.’ આમ બોલી લુકમાનજી ગંભીર બની ગયા.

પછી પોતાની વાત સમજાવતાં બોલ્યા, ‘વાત જાણે એમ છે કે અસભ્ય લોકોની વચ્ચે રહીને જ હું સમજી શક્યો કે સભ્યતા શું છે! સૌપ્રથમ તેમનામાં રહેલી બૂરાઈ મેં જોઈ. પછી એનો ઊંડો અભ્યાસ આદર્યો. જે અસભ્ય વર્તન મારી સાથે થતું એનાથી મને દુ:ખ થતું એ બધાં જ વર્તન મેં યાદ રાખ્યાં.’

પછી જાતતપાસ આદરી. મારું અંતર તપાસીને જોયું કે આ બધી બૂરાઈઓ મારામાં તો ક્યાંય બેઠી નથીને? અને કદાચ મનને ખૂણે ક્યાંક રડી-ખડી કોઈ બૂરાઈ બેઠી હતી એને અંતરમાંથી મેં હાંકી કાઢવા માંડી. આમ અસભ્યતાથી હું દૂર ને દૂર જતો રહ્યો. હૈયામાંથી બધી બૂરાઈ દૂર થઈ ગઈ ત્યારે લુકમાનમાંથી હજરત લુકમાન બની ગયો.

સૌ હજરત લુકમાનને આદરથી વંદી રહ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK