પસ્તાવાનાં આંસુ (લાઇફ કા ફન્ડા)

Published: 26th November, 2012 06:37 IST

એક વાર તેઓ ચંપારણ્યથી બેતિયા જઈ રહ્યા હતા અને પોતાના કડક સિદ્ધાંત મુજબ ટ્રેનના બીજા વર્ગના ડબ્બામાં જ સફર કરી રહ્યા હતા.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

વાત આપણા વહાલા ગાંધી બાપુની છે.

એક વાર તેઓ ચંપારણ્યથી બેતિયા જઈ રહ્યા હતા અને પોતાના કડક સિદ્ધાંત મુજબ ટ્રેનના બીજા વર્ગના ડબ્બામાં જ સફર કરી રહ્યા હતા.

રાતની મુસાફરી હતી, ગાંધીજીને એક આખી બેઠક પર સુવાડીને તેમના સાથી અંતેવાસીઓ બીજી પાટલીઓ પર બેઠા હતા. અડધી રાત હતી એટલે સૌને ઊંઘ ચડી હતી અને એકબીજાના ખભે માથા ઢાળી બધા ઊંઘી ગયા હતા.

વચમાં એક નાનકડું સ્ટેશન આવ્યું, ત્યાંથી એક ખેડૂત ગાડીમાં ચડ્યો. ડબ્બામાં કોઈને ખબર પડી નહીં. બધા ભરનિદ્રામાં હતા.

પેલા ખેડૂતે એક આખી બેઠક પર ગાંધીજીને સૂતેલા જોયા. તેણે વિચાર્યા વિના તરત જ ગાંધીજીના પગને હડસેલો માર્યો. ઓચિંતી પગને થપાટ વાગવાથી ગાંધીજી  જાગી ગયા. પેલા ખેડૂતે જરા ગુસ્સાથી કહ્યું, ‘એય ભાઈ! તારા એકલાની ગાડી નથી કે આખી પાટલી પર લાંબો થઈને ઊંઘે છે. ચાલ, ઊભો થા મને પણ બેસવા દે.’

બિચારા ગાંધીજી, પોતાના જ એક દેશવાસીની વર્તણૂકથી તેમને દુ:ખ થયું, પણ તેમણે વિચાર્યું, વાત તો તેની સાચી છે, તેને પણ બેસવા તો મળવું જોઈએને!

ગાંધીજીએ બેઠા થઈ જઈને પેલા ખેડૂતને બેસવાની જગ્યા કરી આપી. ખેડૂત આરામથી એ જગ્યા પર બેઠો અને પછી એ દિવસોમાં આખા બિહારમાં ઘેર-ઘેર ગવાતું ભજન લલકારવું તેણે શરૂ કર્યું, ‘ધન ધન ગાંધીજી મહારાજ, દુખીયા દુ:ખ મિટાને વાલા...’

વાત એમ હતી કે પેલો બિચારો અભણ ખેડૂત ગાંધીજીનો ભક્ત હતો, પણ તેણે ગાંધીજીને ક્યારેય જોયા નહોતા તેથી તેમનાં દર્શન કરવા માટે જ બેતિયા જઈ રહ્યો હતો. તેને બિચારાને ક્યાંથી ખબર કે પોતે જેને હડસેલો માર્યો તે જ મહાત્મા ગાંધી છે!

વહેલી સવારે ગાડી બેતિયા પહોંચી સ્ટેશન પર હજારો લોકો ગાંધીજીનું સ્વાગત કરવા એકઠા થયા હતા. ગાડી પ્લૅટફૉર્મ પર આવતાં જ ‘મહાત્મા ગાંધીજી કી જય’ના પોકારા શરૂ થયા. લોકો ગાંધીજીને હારતોરા કરવા લાગ્યા.

અને ત્યારે જ પેલા ખેડૂતને સમજાયું કે પોતે જેને હડસેલો મારીને ઉઠાડેલા તે જ મહાત્મા ગાંધી હતા. ખેડૂત ભૂલથી ખળભળી ઊઠ્યો. તેની આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યાં. તે માફી માગવા ગાંધીજીના ચરણોમાં પડી ગયો.

દયાળુ ગાંધીજીએ ખેડૂતને પ્રેમથી ઊભો કરી, આંસુ લૂછી કહ્યું, ‘ભાઈ તમે જે કર્યું એનું મને જરાય દુ:ખ નથી. મારી અજાણતાં થયેલી ભૂલ માટે તમારે આંસુ વહાવાની જરૂર નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK