સૌથી કીમતી ઉપદેશ (લાઇફ કા ફન્ડા)

Published: 22nd November, 2012 06:17 IST

ગૌતમ બુદ્ધ અને તેમના શિષ્યો કોઈ એક નગરમાં ઊતર્યા હતા. બુદ્ધ એક બગીચામાં વિહાર કરતા અને રોજ સાંજે પ્રવચન કરતા.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ગૌતમ બુદ્ધ અને તેમના શિષ્યો કોઈ એક નગરમાં ઊતર્યા હતા. બુદ્ધ એક બગીચામાં વિહાર કરતા અને રોજ સાંજે પ્રવચન કરતા.

બુદ્ધના શિષ્યો દિવસભર નગરમાં ફરતા રહેતા. લોકોને બુદ્ધનો સંદેશ, આપતા, પોતાને આ કામમાં જે-જે અનુભવો થતા એ રાતની બેઠકમાં બુદ્ધને જણાવતા. કોઈ પ્રશ્ન કે સમસ્યા થતી તો એનો ઉપાય બુદ્ધને પૂછતા.

એક દિવસ એક શિષ્યએ કહ્યું, ‘ભંતે! અમે આપનાં પાવન પ્રવચનો સાંભળી તેમની ઘણી વાતો ગ્રહણ કરી અને સંદેશારૂપે નગરના માનવીઓને સંભળાવીએ છીએ. નગરના સૌ માનવી અમારા સંદેશ પ્રેમથી સાંભળે છે અને આપના પ્રવચનમાં પણ ઉત્સુકતાથી ભાગ લેવા આવે છે. માત્ર એક માનવી અમારી કોઈ વાત આપનો કોઈ મધુર સંદેશ સાંભળવા તૈયાર નથી તો આનું કારણ શું એની મને ખબર પડતી નથી.’

બુદ્ધે એક મીઠું સ્મિત કર્યું, પછી કહ્યું, ‘ઠીક છે, વાંધો નહીં. કાલે હું તે માણસને મળીશ, તેની સાથે વાત કરીશ અને ઉપદેશ પણ આપીશ.’

બીજે દિવસે ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે તે માણસ પાસે ગયા.

તે માણસ સાવ ચીંથરેહાલ હતો, પહેરણ ફાટેલું હતું અને તેનું પેટ પહેરણમાંથી ડોકિયાં કરી રહ્યું હતું. પેટ જાણે તેની પીઠ સાથે ચોંટી ગયું હોય તેમ લાગતું હતું. એક ગંધાતી ગોદડી પર તે પડ્યો હતો.

બુદ્ધે પોતાના શિષ્યોને કહ્યું,

‘મધુરમાં મધુર સ્વાદનાં જાતજાતનાં ભોજન લાવો.’

શિષ્યો દોડતા જઈને ભોજન લઈ આવ્યા. બુદ્ધે પોતાના હાથે પેલાને જમાડ્યો. વત્સલ નજરે તેને નિહાળી આશિષ આપી ચાલતા થયા.

શિષ્યો તો બાઘા જેવા બનીને બુદ્ધની પાછળ દોડ્યા અને બુદ્ધ થોડા આગળ ગયા પછી શિષ્યોની ધીરજ ખૂટતાં તેમણે બુદ્ધને પૂછ્યું, ‘ભંતે! તમે તે માણસને ભોજન તો આપ્યું પણ ઉપદેશ તો કશો ના આપ્યો.’

બુદ્ધ કહે, ‘વત્સો! મારે તમને ખાસ ઉપદેશ આપવો છે. સમજી લો કે ભૂખ્યાને ભોજન એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે. જ્યાં સુધી પેટ ખાલી છે ત્યાં લગી માનવી બીજો કશો ઉપદેશ સાંભળવા તૈયાર થતો નથી. જે વ્યક્તિને જેની જરૂર હોય એ પહેલાં આપવું જરૂરી છે. તે મુશ્કેલીમાં હોય તો તેનો ઉકેલ આપો. માત્ર ઉપદેશ કંઈ જ કામ નહીં કરે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK