અમર શહીદી (લાઇફ કા ફન્ડા)

Published: 21st November, 2012 06:49 IST

મકબૂલ નામનો કાશ્મીરનો એક યુવાન. કબાઇલીઓના અત્યાચારો ને ક્રૂરતાની સામે તે પ્રચંડ વિરોધ કરતો રહ્યો હતો.(હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડાં)

મકબૂલ નામનો કાશ્મીરનો એક યુવાન. કબાઇલીઓના અત્યાચારો ને ક્રૂરતાની સામે તે પ્રચંડ વિરોધ કરતો રહ્યો હતો.

કાશ્મીરમાં કબાઇલીઓએ હુમલો કર્યો ત્યારે મકબૂલે આગળ આવીને તેનો પ્રબળ પ્રતિકાર કર્યો હતો. મકબૂલ પોતાની હિંમત અને કાર્યોથી કાશ્મીરમાં ખૂબ જ લોકપ્રિય હતો.

અન્યાય અને જુલમો સામે નર્ભિયતાથી અવાજ ઉઠાવવામાં મકબૂલે અનેક વાર કારાવાસ પણ ભોગવ્યો હતો.

જેલમાં પણ મકબૂલનું અન્યાય સામે લડવાનું ચાલુ જ હતું. જેલમાં કેદીઓ પ્રત્યે થતાં અમાનુષી વર્તાવનો તેણે વિરોધ કર્યો હતો અને ગાંધીજીના જણાવેલા સત્યાગ્રહનો માર્ગ અપનાવી વિરોધ પ્રગટ કર્યો હતો.

કબાઇલીઓ મકબૂલને પોતાનો શત્રુ સમજતા હતા. એક દિવસ તેમણે દગાથી મકબૂલને પકડી લીધો અને બારામુલ્લાની જેલમાં પૂરી દીધો.

તેની પાસેથી ભારતીય સેના વિશેની માહિતી માગવામાં આવી. આ માટે તેને જાતજાતનાં પ્રલોભનો આપવામાં આવ્યાં, પણ મકબૂલે આ બાબતે મોંમાંથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં.

કોઈ પણ પ્રલોભનોનો કોઈ જ અસર ન થતાં બીજો દાવ અજમાવામાં આવ્યો અને તેમણે મકબૂલ પર યાતનાઓની ઝડી વરસાવવા માંડી. અનેક અમાનુષી અત્યાચાર મકબૂલ પર કરવામાં આવ્યા. છતાં આ યુવાન મકબૂલે બધું જ મૂંગે મોઢે સહન કર્યું, પણ પોતાનું મોં ખોલ્યું નહીં. તે તો બસ મૌન જ રહ્યો.

જુલમ કરનાર અને કરાવનારાઓના હાથ પણ છેવટે થાકી ગયા, પણ મકબૂલની સહનશક્તિ ન થાકી.

આ દાવ પણ નિષ્ફળ જતાં તેમણે ત્રીજો દાવ અપનાવ્યો. જુલમી લોકોએ કહ્યું, ‘ઠીક, તું બીજું કશું જ ભલે ન બોલ પણ ‘હિન્દુસ્તાન મુર્દાબાદ’ એવો નારો લગાવ. આવો નારો તું લગાવે તો અમે તને મુક્ત કરી દઈશું.’

મકબુલના દેશપ્રેમ પર આ ઘા કરવામાં આવ્યો. પણ આખા લોહી નીંગળતા શરીરે પણ મકબૂલ તે કબાઇલીઓના મોં પર થૂંક્યો અને પૂરેપૂરી તાકાતથી નારા લગાવ્યા.

‘હિન્દુ-મુસ્લિમ એકતા ઝિંદાબાદ!’

‘આઝાદ હિન્દુસ્તાન ઝિંદાબાદ!’

તેના આ જોશીલા નારાઓ સાંભળતાં જ પેલા લોકોએ પોતાની બંદૂકો મકબૂલની છાતી સામે તાકી અને ગોળીઓએ મકબૂલની છાતી વીંધી નાખી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK