ભણવા માટે ૪૦૦૦ કિલોમીટરની દડમજલ (લાઇફ કા ફન્ડા)

Published: 19th November, 2012 07:50 IST

એક બાળક, નામ તેનું લીગસન કારિયા. ૧૯૩૮માં તેનો જન્મ અને ખૂબ જ પછાત એવો આફ્રિકાના પૂર્વ કાંઠે આવેલો માલવી દેશ તેનું વતન.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક બાળક, નામ તેનું લીગસન કારિયા. ૧૯૩૮માં તેનો જન્મ અને ખૂબ જ પછાત એવો આફ્રિકાના પૂર્વ કાંઠે આવેલો માલવી દેશ તેનું વતન.

ખૂબ જ ગરીબ દેશ. ત્યાં ગણીગાંઠી સ્કૂલો. બે-પાંચ હાઈ સ્કૂલો અને કૉલેજ તો એ સમયમાં એક પણ નહીં.

કારિયા એક નાનકડી નિશાળમાં ભણતો હતો. તેને ભણવામાં ખૂબ જ રસ. જે મળે એ વાંચે. ખૂબ મહેનત કરી તે ગામ નજીકની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લેવા જોડાયો. ખૂબ જ મહેનતથી તેણે શિક્ષણ પણ પૂરું કર્યું.

હજી તેને આગળ ભણવાની તમન્ના હતી. ભણવાની લગન પણ હતી અને હોશિયારી પણ. છતાં હવે દેશમાં આગળ ભણવાની સગવડ જ નહોતી.

ગામના કોઈ જાણકાર વડીલે કહ્યું, ‘સારી કૉલેજો અમેરિકામાં છે. ત્યાં તને સારું ભણતર મળશે. અમેરિકનો ઘણા ધનવાન હોય છે અને લાયક વ્યક્તિને મદદ પણ કરે છે.’

કારિયાએ આગળ ભણવા જવાનું નક્કી કર્યું. એક દિવસ સવારે નાસ્તાની પોટલી બાંધીને નીકળી પડ્યો.

દેશમાં ગાડી-ટ્રેનની સગવડ તો હતી જ નહીં, બસ હતી, પણ બસભાડું કારિયા પાસે નહોતું. તે હિંમત ન હાર્યો. પગે ચાલતાં જ આગળ વધવાનું તેણે નક્કી કરી નાખ્યું. રસ્તામાં માલવી દેશને ગામડે-ગામડે રોકાતો જાય, મજૂરી કરીને રોટલો મેળવે. કોક દી વળી કોઈ ઉદાર આદમી અમસ્તો જ તેને જમાડે.

આમ કરતાં-કરતાં કારિયા ઝામ્બિયા, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને સુદાનના પ્રદેશો પસાર કરતો સુદાનના પાટનગર ખાટૂર્મ સુધી પહોંચી ગયો.

આટલું ચાલતાં તેણે લગભગ ૪૦૦૦ કિલોમીટર પગપાળા જ કાપી નાખ્યા હતા. ખાટૂર્મમાં તેને એક અમેરિકન મળ્યો. તે અમેરિકન કારિયાની વાતથી એટલો પ્રભાવિત થઈ ગયો કે તરત જ કારિયાને આગગાડી મારફત કેરો પહોંચવાના પૈસા આપી દીધા. એટલું જ નહીં, કેરોથી અમેરિકા પહોંચવાની સગવડ પણ કરી આપી. ત્યાંની એક યુનિવર્સિટીના પ્રોફેસર પર ભલામણની ચિઠ્ઠી પણ લખી આપી.

આ પછી તો કારિયાનાં ખંત અને ધીરજ ઊગી નીકળ્યાં. અમેરિકામાં ભણીને તે બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યો. ત્યારના જમાનામાં માલવી દેશનો સૌથી વધુ ભણેલો આદમી બન્યો.

તેણે પોતાના અનુભવો વર્ણવતી ચોપડી લખી, જેની દસ હજાર નકલો ચપોચપ ઊપડી ગઈ છે.

ભણતરનો કેવો અજબ ઉત્સાહ!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK