લખો ને લખતા રહો (લાઈફ કા ફન્ડા)

Published: 16th November, 2012 07:10 IST

એક યુવક, તેના શિક્ષકે તેને કહ્યું કે ‘તારામાં લખવાની ફાવટ સારી છે, તું સારો લેખક થઈશ.’ શિક્ષકની આ વાત સપનારૂપ તેના મનમાં અંકાઈ ગઈ.(લાઈફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક યુવક, તેના શિક્ષકે તેને કહ્યું કે ‘તારામાં લખવાની ફાવટ સારી છે, તું સારો લેખક થઈશ.’ શિક્ષકની આ વાત સપનારૂપ તેના મનમાં અંકાઈ ગઈ.

તે યુવાને સારી રીતે વાંચવા માંડ્યું. શબ્દભંડોળ ભેગું કરવા માંડ્યું. વિચારોને સારી રીતે વ્યક્ત કરવા નાના-મોટા ફકરા લખવા માંડ્યા.

પચીસ વર્ષની વયે તેણે પહેલી વાર્તા લખી. એક નાના માસિકના સંપાદક પર મોકલી આપી. એ તરત પાછી આવી. ઘરમાં ખાવા-પીવાની તકલીફ હતી. આગળપાછળ કોઈ હતું નહીં. એટલે જવાબદારી નહોતી તો હૂંફ પણ નહોતી. રોજેરોજનું જીવન ચલાવવા તે ગમે ત્યાં મજૂરી કરતો ને રાત્રે તાપણાંને અજવાળે વાંચતો કે લખતો.

ગમે તેમ કરીને કદીક તો ભૂખ્યા રહીને પણ - કાગળ, કલમ ને પોસ્ટેજના તે પૈસા  બચાવતો અને વાર્તાઓ મોકલી આપતો.

તેની પાંચ વાર્તાઓ પાછી જ આવી. બીજી પંદર મોકલી. એ પણ પાછી આવી. એમ કુલ ચોંસઠ વાર્તાઓ તેણે મોકલી ને બધી જ સાભાર પરત થઈ!

ખાવા-પીવાનું ઠેકાણું પડ્યું નહોતું. આંખો બગડવા માંડી હતી. ભિખારી જેવી હાલત થઈ ગઈ હતી તેની સાથે મજૂરી કરતા મિત્રો તેને આ બધા જ વેદિયાવેડા છોડીને માત્ર મજૂરીમાં ચિત્ત પરોવવા સમજાવતા હતા, પણ તે તો પોતાની વાત પર અટલ હતો.

પાછી એક વાર્તા મોકલી ને એ સ્વીકારાઈ ગઈ! બે મહિને એનો પુરસ્કાર મળ્યો - લગભગ પાંચ રૂપિયા જેટલો! તો પણ હિંમત હાર્યા વગર તે લખતો જ ગયો. પેટે પાટા બાંધી... લખવાનું તેણે ચાલુ રાખ્યું. હવે તેની વાર્તાઓ છપાતી હતી. બધી જ છપાતી તેવું નહોતું પણ ‘સાભાર પરત’નું પ્રમાણ ઘણું જ ઓછું થઈ ગયું હતું. તેણે આવો કશો વિચાર કર્યો ન હતો અને સાધના ચાલુ જ હતી.

એક સમય એવો આવ્યો કે લખેલા પ્રત્યેક શબ્દદીઠ તેને લગભગ પાંચ રૂપિયા પુરસ્કાર મળવા માંડ્યો! તે સદ્ભાગી લેખકનું નામ કલેરેન્સ બડિંગ્ટન.

તંત્રીઓ તેને વિનંતી કરતા મનની મોજ પ્રમાણે તે લખતો.

ઊગતા લેખકો તેને ઘણી વાર પૂછતા, ‘તમે આવા મોટા લેખક શી રીતે બન્યા?’

લેખકશ્રી જવાબ આપતા, ‘ધીરજ અને ભૂખથી’ - આ બે જ મારા સાથીદાર, તેમણે ટેકો ના આપ્યો હોત તો હું કંઈ કરી શક્યો ન હોત.’

લેખકજીનો જીવનમંત્ર હતો : ‘લખો અને લખતા રહો’ આજે બધા લેખકોએ આ મંત્ર સમજવા જેવો છે. ધીરજ જ જીવનમાં અપનાવી જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK