Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાઇફ કા ફન્ડા: તમારી પ્રાર્થના

લાઇફ કા ફન્ડા: તમારી પ્રાર્થના

28 December, 2020 03:19 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

લાઇફ કા ફન્ડા: તમારી પ્રાર્થના

લાઇફ કા ફન્ડા: તમારી પ્રાર્થના


પ્રાર્થના કક્ષમાં બધા ભેગા થયા, પણ આજે સ્ટેજ પર કોઈ નહોતું. ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો આજે જુદી રીતે પ્રાર્થના કરવાની છે. આપણે રોજ ભેગા મળી પ્રાર્થના ગાઈએ છીએ તે તો થશે, પણ તે પહેલાં તમારે બધાએ પોતપોતાની મૌલિક પ્રાર્થના કાગળમાં લખવાની છે. કોઈ ગીત, ભજન કે સ્તોત્ર - પણ તમારા પોતાના લખેલા હોવા જોઈએ. તમારા મનમાં જે પ્રાર્થના કરવાની ઇચ્છા હોય તે ઈશ્વરને કરવાની છે. તમારી પ્રાર્થનાઓ લખાઈ જાય બાદ આપણે રોજની જેમ પ્રાર્થના કરીશું અને પછી તમે બધાએ જે પ્રાર્થના
લખી છે તે એક પછી એક સ્ટેજ પર આવી વાંચવાની રહેશે.’
બધા શિષ્યોને કાગળ આપવામાં આવ્યા અને બધા પ્રાર્થના લખવા લાગ્યા. બધાની પ્રાર્થના લખાઈ ગયા બાદ, રોજની સમૂહ પ્રાર્થના
કરવામાં આવી અને પછી ગુરુજીએ એક પછી એક બધા શિષ્યોને સ્ટેજ પર આવી પોતાની પ્રાર્થના વાંચવા કહ્યું...એક પછી એક શિષ્યો સ્ટેજ પર આવવા લાગ્યા.
કોઈકે બે લીટીનો નાનો શ્લોક લખ્યો હતો, તો કોઈકે ભગવાનને વિનવતું લાંબુ ગીત. કોઈકે ભગવાનના વખાણ કરતી ચાલીસા તો કોઈકે લાંબુ સ્તોત્ર. કોઈકે પોતાને સુધારવાની વિનવણીઓ કરી હતી, કોઈકે સાચો રસ્તો દેખાડવાની માગ, કોઈકે ભૂલ ન થાય તે માટે જ્ઞાન માગ્યું હતું, કોઈકે દુઃખ દૂર કરવા આજીજી, કોઈકે સુખી થવા માટે ધન, કોઈકે માગ્યું માતા પિતાનું સ્વાસ્થ્ય, તો કોઈકે પ્રાર્થના કરી હતી સારા જીવનસાથીની, કોઈકે પ્રાર્થના કરી હતી ખૂબ સફળતા મેળવવાની, તો કોઈકે પ્રાર્થના કરી હતી પ્રસિદ્ધિની. આમ જેટલા શિષ્યો હતા તેટલી પ્રાર્થના હતી. એક શિષ્ય આવ્યો, તેણે પ્રાર્થના કરી હતી ગુરુના લાંબા આયુષ્યની. બીજા એક શિષ્યએ પ્રાર્થના કરી હતી સમગ્ર કુટુંબના કલ્યાણની, ત્રીજા શિષ્યએ પ્રાર્થના કરી હતી સમાજના ઉત્કર્ષની... વગેરે વગેરે... જુદી જુદી પ્રાર્થનાઓ અને જુદી જુદી રીત હતી - ક્યાંક માગણી, ક્યાંક પ્રશંસા, ક્યાંક ફરિયાદ, ક્યાંક બીજાનું હિત, ક્યાંક બધાનું કલ્યાણ.
બધાની પ્રાર્થનાઓ વંચાયા બાદ ગુરુજી સ્ટેજ પર આવ્યા અને બોલ્યા, ‘પ્રાર્થના જરૂરી છે, પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચતી કરવામાં તમારો અવાજ છે, પ્રાર્થના તમારા ભીતરનો આયનો છે, તમારી પ્રાર્થનામાં તમારા મનની ફરિયાદો અને મનની ઇચ્છાઓ ખબર પડે છે. હું એમ નથી કહેતો કે કોઈ પ્રાર્થના ખોટી છે અને કોઈ સાચી, કોઈ ચઢિયાતી છે અને કોઈ ઊતરતી... કારણ પ્રાર્થના માત્ર પ્રાર્થના હોય છે. પરંતુ મારી એક વાત યાદ રાખજો...મનની કોઈ પણ ભાવના સાથે પ્રાર્થના કરો, કોઈ પણ પ્રાર્થના કરો પણ દરેક પ્રાર્થનામાં તમને જન્મ આપનાર, જીવન આપનાર ઈશ્વરનો આભાર માનવાનું નહીં ભૂલતા. ધન્યવાદની પ્રાર્થના રોજ કરજો. રોજ ઉપરવાળાને કહેજો પ્રભુ તારો ધન્યવાદ તે અમને માણસનો જન્મ આપ્યો, પ્રભુ તારો આભાર તે મને આ સૃષ્ટિ આપી, ઈશ્વર તારો આભાર તે મને શ્વાસ આપ્યા. બસ દરેક શ્વાસે શ્વાસે તેઓનો ધન્યવાદ કરતા રહેજો.’
ગુરુજીએ ધન્યવાદની પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવ્યું.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2020 03:19 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK