આવો સાથ-સહકાર - (લાઇફ કા ફન્ડા)

Published: Jan 31, 2020, 15:30 IST | Heta Bhushan | Mumbai

એક કરાટે ક્લાસમાં નાનકડો આઠ વર્ષનો વિભોર કરાટે શીખવા આવ્યો.

એક કરાટે ક્લાસમાં નાનકડો આઠ વર્ષનો વિભોર કરાટે શીખવા આવ્યો. નાનો હતો, હાથ નાના-પગ નાના. સરે ધીમે ધીમે શીખડાવવાની શરૂઆત કરી. વિભોર દિલ દઈને શીખતો. સરની ટ્રેઇનિંગ સરસ હતી અને એવી હતી કે ક્લાસમાં બધા એકબીજાને મદદ કરે-શીખવતા રહે.

આમ શીખતા શીખતા એક વર્ષ પૂરું થયું. હવે ક્લાસમાં પરીક્ષા હતી. બધા વિદ્યાર્થીઓને તેમની ઉંમર પ્રમાણે ટાસ્ક આપવામાં આવ્યા હતા. એક પછી એક વિદ્યાર્થીઓ આવતાં અને પોતાના ટાસ્ક પૂરા કરતાં, બીજા બધા જ વિદ્યાર્થીઓ પાનો ચઢાવતા, હિંમત આપતા. વિભોરનો વારો આવ્યો. વિભોરને પગની એક લાત વડે ટાઇલ તોડવાનો ટાસ્ક પૂરો કરવાનો હતો.

નાનકડા વિભોર માટે સરે પોતે પોતાના બે હાથ વડે ટાઇલ પકડી અને વિભોરને લાત મારી તોડવા કહ્યું. વિભોરે સરસ કોશિશ કરી પણ ટાઇલ તૂટી નહીં. એક, બે, ત્રણ, ચાર...ઘણા પ્રયત્નો છતાં ટાઇલ તૂટી નહીં. ક્લાસમાં કોઈ તેની પર હસ્યું નહીં. બધા સતત તેને પાનો ચઢાવતા રહ્યા...‘કમ ઑન, વિભોર...કમ ઑન વિભોર...બધા સતત બોલતા હતા. કોઈ તેની મજાક ઉડાડતું ન હતું. સર સતત પ્રેરણા આપી રહ્યા હતા, પણ ઘણા પ્રયત્ન છતાં ટાઇલ તૂટી નહીં. નાનકડો વિભોર રડવા લાગ્યો,  સરે તેને શાંત કર્યો અને પછી એક પગની લાત વડે એડી જોરથી મારવાથી ટાઇલ તૂટે તે ફરી સમજાવ્યું. આખા કલાસે વિભોર, વિભોર...કમ ઑન કહી પાનો ચઢાવ્યો અને નાનકડા વિભોરે પોતાના પગની એક લાત વડે ટાઇલ તોડી નાખી. સરે તેને શાબાશી આપી તેડી લીધો. આખા ક્લાસના વિદ્યાર્થીઓ તેને ભેટી પડ્યા અને જાણે તેણે બહુ મોટી સિદ્ધિ મેળવી હોય તેમ તેની વાહ વાહ કરવા લાગ્યા.

વિભોર ખુશ થયો. તેની તૂટતી હિંમત ટકી ગઈ. આત્મવિશ્વાસ જળવાઈ રહ્યો. તે કરાટેમાં આગળ વધ્યો. જો કોઈએ તેની મજાક ઉડાડી હોત તો, બધા તેની પર હસ્યા હોત તો, સર આટલું નથી આવડતું કહી ખીજાયા હોત તો શું થાત. એક નાનકડા છોકરાની હિંમત પહેલાં પગલે જ

તૂટી જાત અને તે જીવનમાં આગળ કરાટે શીખવાનું છોડી દેત અથવા

પોતે નહીં કરી શકે, નહીં શીખી શકે તેવો ડર ઘૂસી જાત...પણ તેમ ન થયું, કારણ સરે ખીજાવાની જગ્યાએ સાચો રસ્તો ફરી શીખડાવ્યો. અન્ય વિદ્યાર્થીઓએ ભરપૂર સાથ-સહકાર અને હિંમત આપી.

જીવનમાં પણ આ કરાટે ક્લાસમાં વિભોરને મળ્યા તેવો સાથ-સહકાર અને સમજ આપનારા મળી જાય તો કોઈ હતાશ-નિરાશ ન થાય અને એકબીજાના સહકારથી બધા આગળ વધી શકે.

- હેતા ભૂષણ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK