સુખી થવા માટે - લાઇફ કા ફન્ડા

Published: 23rd September, 2020 18:51 IST | Heta Bhushan | Mumbai

મનુષ્યનો પોતાનો ક્રોધ તેનો સૌથી મોટો શત્રુ છે અને તેને સહેલાઈથી જીતી શકાતો નથી.

એક યુવાન એક સંતના આશ્રમમાં આવ્યો અને સંતને પ્રણામ કરી બોલ્યો, ‘બાપજી મનમાં એક પ્રશ્ન છે આપ રજા આપો તો પૂછું.’ સંત બોલ્યા, ‘વત્સ શું પ્રશ્ન છે? પૂછ.’ યુવાને પૂછ્યું, ‘બાપજી, દુનિયામાં બધાને સુખી થવું હોય છે. મારે પણ સુખી થવું છે અને એટલે મારે એ જાણવું છે કે સુખી થવા માટે સૌથી વધારે શું જરૂરી છે.’
સંતે સામો પ્રશ્ન કર્યો, ‘વત્સ, તારા મત પ્રમાણે સુખી થવા માટે શું જરૂરી છે?’ યુવાન બોલ્યો, ‘બાપજી, સુખી થવા માટે સમૃદ્ધિ, સફળતા, જ્ઞાન, શક્તિ, કીર્તિ, નામના, સ્વસ્થતા, પ્રેમ, પરિવાર, મિત્રો આવું બધું ઘણું ઘણું જોઈએ. એટલે જ મારે એ જાણવું છે કે આ બધામાંથી સૌથી વધુ જરૂરી શું છે.’
સંત હસ્યા અને બોલ્યા, ‘આ બધું તો ઠીક છે જે મળે તેમાં ખુશ રહેવું, પણ હું કહું છું સુખી થવા માટે એક શત્રુની સામે લડીને જીતવું અને એક રોગથી સતત બચવું અને તેનો ઈલાજ કરવો બહુ જ જરૂરી છે.’ યુવાનથી રહેવાયું નહીં, તે તરત બોલ્યો, ‘બાપજી, મારો કોઈ દુશ્મન નથી અને હું તો બધા જોડે સારા સબંધ રાખું છું. મને તો કોઈ રોગ પણ નથી અને હું તો મારા સ્વાસ્થ્યનું બરાબર ધ્યાન રાખું છું. તો પછી મારે કયા શત્રુને જીતવાનો છે અને કયા રોગથી બચવાનું છે મને જલદી જણાવો.’
સંત જવાબમાં બોલ્યા, ‘ક્રોધ: સુદુર્જય: શત્રુ: લોભો વ્યાધિરનન્તક:’ અર્થાત મનુષ્યનો પોતાનો ક્રોધ તેનો સૌથી મોટો શત્રુ છે અને તેને સહેલાઈથી જીતી શકાતો નથી. અને મનુષ્યના મનનો લોભ સૌથી ભયંકર બીમારી છે અને તે ક્યારેય દૂર થતી નથી. એટલે યુવાન તારે જો જીવનમાં સાચે સુખી થવું હોય તો તારે તારા સ્વભાવના ક્રોધ સામે લડવું પડશે અને તેને જીતવો પડશે. જીવનમાં કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં મગજ પરનો કાબૂ ગુમાવ્યા વિના, ગુસ્સો કર્યા વિના સંજોગોનો સામનો કરીશ તો તું સાચો અને સારો માર્ગ કાઢી શકીશ. અને મનુષ્યના મનને લાગેલી બીમારી છે લોભ, લાલચ અને સ્વાર્થ. તારે આ રોગનો ઈલાજ કરવો પડશે. લોભ અને લાલચને વશ થયા વિના સાચા માર્ગે ચાલવું પડશે તો તું સાચે સુખી થઈ શકીશ.’ સંતે યુવાનને સુખી થવા માટેનો માર્ગ બતાવ્યો કે ‘ક્રોધ અને લોભથી બચો અને જીવનભર સુખી રહો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK