લાઇફ કા: ફન્ડા સાચા વિજેતા

Published: 24th November, 2020 15:57 IST | Heta Bhushan | Mumbai

જ્યારે સ્પર્ધામાં હરીફ સ્પર્ધકને બચાવવાની ખેલદિલી અને માનવતા રાખો તો વર્ષોવર્ષ લોકો તમને યાદ રાખે.’

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર


૧૯૮૮ની ઑલિમ્પિક સ્પર્ધાનો એક પ્રસંગ છે. ઑલિમ્પિક સ્પર્ધામાં મેડલ જીતવો દરેક રમતવીરનું સપનું હોય છે. નૌકા-સ્પર્ધા હતી. દક્ષિણ કોરિયાના દરિયામાં નૌકા-સ્પર્ધા શરૂ થઈ. ભાગ લેનાર બધા તૈયાર હતા અને ગેટ સેટ ગો... થતાં જ બધા જ હરીફો પૂરી તાકાતથી હલેસા મારી નૌકા ચલાવવા લાગ્યા. દરેકને પહેલાં સ્પર્ધા પૂરી કરી સુવર્ણ ચન્દ્રક મેળવવો હતો.
અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જોર-જોરથી પવન ફૂંકાવા લાગ્યો. દરિયો તોફાની બન્યો. મોટાં-મોટાં મોજાં ઊછળવાં લાગ્યાં. બધા નૌકાચાલકો મુંઝાયા. હલેસા મારવામાં અને નૌકા આગળ લઈ જવા માટે વધુ જોર લગાડવા લાગ્યા. કમનસીબે સિંગાપોરના નૌકાચાલકો હજી કઈક સમજે કે બચાવ કરે એ પહેલાં તેમની નૌકાને એક મોટા મોજાની થપાટ લાગી અને મોટાં મોજાંઓની વચ્ચે ફસાઈને નૌકા ફંગોળાઈને ઊથલી પડી. નૌકા તૂટી ગઈ. નૌકાચાલકો તોફાની દરિયામાં ફસાયા, ઘાયલ થયા. ઘાયલ નૌકાચાલકોએ નૌકાને સંભાળવાની અને નૌકા પર ચડવાની ઘણી કોશિશ કરી; પણ તોફાની દરિયો, તૂટેલી નૌકા અને પોતાની પીડાને કારણે તેમને સફળતા ન મળી.
અન્ય બધા સ્પર્ધકોએ સિંગાપોરના નૌકાચાલકોની આ પરિસ્થિતિ જોઈ, પણ આંખ આડા કાન કર્યા, કારણ કે બધાને મેડલ જીતવો હતો. તેમને આફતમાં સપડાયેલા મૂકીને બધા નૌકાચાલકો સ્પર્ધામાં મેડલ જીતવા તેમની ઉપેક્ષા કરી આગળ વધી જતા હતા. કૅનેડાના નૌકાચાલકો ઘણા આગળ હતા. તેમનું ધ્યાન તોફાની દરિયામાં ફસાયેલા સિંગાપોરના હરીફો પર પડ્યું. તેમણે પોતાની બોટ પાછી વાળી. પાછળ આવતી પૅટ્રોલિંગ બોટને ઇશારો આપી નજીક બોલાવી અને પોતે સ્પર્ધામાંથી અધવચ્ચે પાછા જઈ સિંગાપોરના ઘાયલ નૌકાચાલકોને બચાવીને સહીસલામત પૅટ્રોલિંગ બોટમાં પહોંચાડ્યા અને વળી પાછા પોતે સ્પર્ધા પૂરી કરવા આગળ વધી ગયા. સ્પર્ધામાં ભલે તેઓ પાછળ રહી ગયા, પણ માનવતાની સ્પર્ધામાં અવ્વલ આવ્યા.
જ્યારે કૅનેડાના સ્પર્ધકો સિંગાપોરના નૌકાચાલકોને બચાવવા પાછા ફર્યા ત્યારે તેઓ સ્પર્ધામાં બીજા સ્થાને હતા અને આંતરરાષ્ટ્રીય જ્યુરીએ તેમને બીજા સ્થાને વિજેતા જાહેર કર્યા અને ખેલદિલીનો ખાસ ચન્દ્રક પણ તેમને આપવામાં આવ્યો.
કૅનેડાના સ્પર્ધકે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘એક સ્પર્ધામાં વિજેતા બનો તો લોકો તમારી થોડો સમય વાહ-વાહ કરે ને થોડા સમય માટે યાદ રાખે, પણ જ્યારે સ્પર્ધામાં હરીફ સ્પર્ધકને બચાવવાની ખેલદિલી અને માનવતા રાખો તો વર્ષોવર્ષ લોકો તમને યાદ રાખે.’
તેઓ માત્ર નૌકા-સ્પર્ધાના જ નહીં, સાચી જીવન રીતના પણ વિજેતા રહ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK