Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લાઇફ કા ફન્ડા - ભાર નૌકામાં મૂકી દે

લાઇફ કા ફન્ડા - ભાર નૌકામાં મૂકી દે

09 September, 2020 09:27 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

લાઇફ કા ફન્ડા - ભાર નૌકામાં મૂકી દે

લાઇફ કા ફન્ડા - ભાર નૌકામાં મૂકી દે


રાખાલ, સ્વામી રામકૃષ્ણ પરમહંસનો આત્મીય અનુચર હતો. તે સતત તેમની સેવામાં રત રહેતો. સતત સ્વામીજી જેવા મહાજ્ઞાની મહાપુરુષની સાથે રહેવાનું અને સેવા કરવાનું સદ્ભાગ્ય તેને મળ્યું હતું. સતત સ્વામીજીની સેવા કરતો રાખાલ પોતે એકદમ સરળ, ભોળો અને સાવ સામાન્ય માણસ હતો. તેની સરળતાને લીધે જ તે સ્વામીજીને પ્રિય હતો.
રાખાલ સામાન્ય માણસ હતો એટલે દરેક સામાન્ય માણસની જેમ તે જીવનના નાના વણાંકો, નાના મોટા બદલાવ અને તકલીફોથી ડરી જતો. જિંદગીના બોજ હેઠળ દબાઈને અકળાઈ જતો. ક્યારેક અકળામણમાં ગુમસૂમ બેસી રહેતો, ક્યારેક સાવ ચુપ થઈ જતો, ક્યારેક અકળાઈને ગુસ્સો કરતો અને ક્યારેક ડરીને રડવા લાગતો. રાખાલના વર્તનમાં બદલાવ આવતા જ સ્વામીજી તેને પૂછતાં, ‘રાખાલ, વળી પાછું આજે શું થયું?’
બસ સ્વામીજી પૂછતાં અને રાખાલ તરત જ તેના જીવનના નાના મોટા દુઃખ ગણાવી રોદણા રડવા લાગતો. એક દિવસ રાખાલ સાવ ચુપ હતો, સ્વામીજીએ પૂછ્યું, ‘શું થયું ? કેમ ચુપ ચુપ છે ?’ રાખાલ રડવા લાગ્યો. બોલ્યો, ‘સ્વામીજી, હવે આ જિંદગીનો બોજો એટલો વધતો જાય છે કે મારાથી ભાર ઊંચકાતો નથી.’
સ્વામી રામકૃષ્ણજી હસ્યા અને બોલ્યા, ‘તો મૂકી દે ને બધો ભાર નૌકામાં.’ રાખાલ પૂછવા લાગ્યો, ‘ભાર નૌકામાં મૂકી દઉં ?! નૌકા? કયાં છે નૌકા? અને મારી જિંદગીનો ભાર કોઈ નૌકામાં કેવી રીતે મૂકું?’ સ્વામીજીએ કહ્યું, ‘સાંભળ મારી વાત, એક પંડિતજી હતા. ગંગા પાર કરવા નૌકામાં બેઠા. નૌકા પાર કરવાનો નાવિકને એક પૈસો આપવાનો હતો. પંડિતજી પાસે એક પોટલીમાં પોતાનો સામાન અને એક પોટલામાં પુસ્તકો હતાં. પંડિતજીએ સામાનની પોટલી ખોળામાં મૂકી અને પુસ્તકોનું પોટલું પોતાના માથા પર રાખી નૌકામાં બેઠા. થાક અને ભારથી તેઓ હાંફી રહ્યા હતા. નાવિકે કહ્યું, ‘પંડિતજી, આ બન્ને પોટલાં નીચે નૌકામાં મૂકી દો, હું બીજો પૈસો નહીં માગું. આમ પણ નૌકા તો આપના બધાનો ભાર ઉપાડી જ રહી છે, તમે શું કામ પોટલાના ભાર નીચે દબાવ છો.’
રાખાલ હસતા હસતા બોલ્યો, ‘સાવ મૂર્ખ કહેવાય પંડિત. નાવિકે બરાબર કહ્યું, નૌકામાં બેઠા પછી ભાર પોતે માથે રાખવાની શું જરૂર?’ હવે સ્વામીજી હસ્યા અને બોલ્યા, ‘તો પછી તું શું કામ મૂર્ખ પંડિતની જેમ કરે છે? આપણું જીવન ભગવાનની નાવ જ છે...આપણે બધા ઈશ્વરની નૌકામાં બેઠા છીએ તો પછી જીવનનો ભાર નૌકામાં મૂકી દે. આપણા પ્રશ્નો, આપણી ચિંતાઓ, આપણા દુઃખોનો ભાર આપણા પોતાના માથે લઈને ફરવાને બદલે બધું ઈશ્વરને સોંપી દઈએ. પછી તેને કરવું હોય તેમ કરે. બધું તે જ કરે છે અને તેની ઇચ્છા મુજબ જ થાય છે તો સઘળો ભાર તેને સોંપી હળવા ફૂલ થઈ પ્રભુભજન કરવામાં જ શાણપણ છે.’
રાખાલ બધી ચિંતા ભૂલી ભજન ગાવા લાગ્યો.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 09:27 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK