ઈશ્વર એક મિત્ર (લાઇફ કા ફન્ડા)

Published: Jul 01, 2019, 12:32 IST | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા | મુંબઈ ડેસ્ક

પાદરીને દુઃખ થાય કે પ્રાર્થના બરાબર શાંતિથી થતી નથી. કોઈવાર ગુસ્સો આવે પણ તેને ક્ષમા કરી દે. એક દિવસ સાંજે ફાધરે પ્રાર્થના કરવાની શરૂઆત કરી અને આ બાજુ પેલા શરાબી પાડોશીએ જોરજોરથી ગીતો ગાવાનું શરૂ કર્યું.

લાઇફ કા ફન્ડા

એક ખ્રિસ્તી પાદરી હતા. પોતાના ભગવાનની સવાર-સાંજ પ્રાર્થના કરે અને લોકોને પણ સતત ઈશ્વરને પ્રેમ કરવાનો અને બધાને પ્રેમ કરવાનો સંદેશ આપે. આ ખ્રિસ્તી પાદરીના ઘરની બાજુમાં એક શરાબી અને જુગારી માણસ રહેતો હતો. પાદરી જ્યારે તક મળે તેને સમજાવે, પણ તે કંઈ સમજે નહીં અને બરાબર ફાધરની પ્રાર્થના કરવાના પ્રસંગે જોરજોરથી બરાડા પાડે , ગીતો ગાય અથવા કોઈ જોડે ઝઘડા કરે. યેન કેન પ્રકારેણ મોટા અવાજ કરી ફાધરની પ્રાર્થનામાં ખલેલ પહોંચાડે.

પાદરીને દુઃખ થાય કે પ્રાર્થના બરાબર શાંતિથી થતી નથી. કોઈવાર ગુસ્સો આવે પણ તેને ક્ષમા કરી દે. એક દિવસ સાંજે ફાધરે પ્રાર્થના કરવાની શરૂઆત કરી અને આ બાજુ પેલા શરાબી પાડોશીએ જોરજોરથી ગીતો ગાવાનું શરૂ કર્યું. ખબર નહીં કેમ પણ આજે ફાધર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને જોરથી પોતાના ઘરનો દરવાજો ખોલી ગુસ્સાથી રાતાપીળા થઈ પાડોશીને ચૂપ કરાવવા તેના ઘરે પહોંચી ગયા. ફાધર એટલા ગુસ્સામાં હતા કે આજે તો પેલા શરાબીને જે હાથમાં આવે તેનાથી મારત, પણ જેવા ફાધર શરાબીના ઘરમાં પહોંચ્યા અને તેને ચૂપ કરાવવા તેની પર હાથ ઉગામવા જાય ત્યાં જ તેમના અંતરમનમાંથી જાણે ઈશ્વરનો અવાજ આવ્યો, ‘જો જે એ મારો મિત્ર છે, મારા મિત્ર પર હાથ ન ઉગામતો..’

ફાધરને જેવો આ અવાજ સંભળાયો કે તુરંત તેઓ પાછા વળી ગયા, કંઈ બોલ્યા નહીં. પેલા શરાબી પાડોશીને આશ્ચર્ય થયું કે ગુસ્સામાં આવેલા ફાધર કશું જ બોલ્યા વિના પાછા ફરી ગયા. તે અેમની પાછળ ગયો અને બોલ્યો, ‘ફાધર, તમે તો ગુસ્સામાં જાણે મને મારવાના હો તે રીતે આવ્યા હતા અને કેમ કંઈ કહ્યા વિના પાછા જઈ રહ્યા છો.’ ફાધર તો શરાબીને ભેટી જ પડ્યા અને પછી પ્રેમથી બોલ્યા, ‘હું તારો ખૂબ ખૂબ આભારી છું કારણકે આટલાં વર્ષોથી રોજ ઈશ્વરની પ્રાર્થના કરું છું પણ આજે પહેલીવાર તારા લીધે મને ઈશ્વરનો અવાજ સાંભળવા મળ્યો.’

આ પણ વાંચો : સરળ સમજણ - (લાઇફ કા ફન્ડા)

શરાબી પાડોશીએ પૂછ્યું, ‘ઈશ્વરનો અવાજ? એટલે શું સંભળાયું તમને?’ ફાધરે કહ્યું, ‘મને જે ઈશ્વરનો અવાજ સંભળાયો તેમાં ઈશ્વરે કહ્યું ‘જોજે મારા મિત્ર પર હાથ ન ઉગામતો’ અને બસ ઈશ્વરનો આ અવાજ સાંભળી તેમની આજ્ઞા માની હું પાછો જઈ રહ્યો છું. અને હું તમારા લીધે ઈશ્વરનો અવાજ પહેલી વાર સાંભળી શક્યો છું માટે તમારો ખૂબ ખૂબ આભાર.’ ફાધર જતા રહ્યા, પણ શરાબીની આંખો ખોલી ગયા. શરાબીએ બીજે દિવસે આવી ફાધરને કહ્યું, ‘મારે મારા મિત્ર ઈશ્વરને મળવું છે, જે હું કોઈ રીતે લાયક ન હોવા છતાં મને આટલો પ્રેમ કરે છે. આપ મને મારો મિત્ર શોધવામાં મદદ કરશો ?’

ફાધર અને શરાબી પડોશી સાથે પ્રાર્થના કરવા લાગ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK