અભિમાની ગુલાબ (લાઇફ કા ફન્ડા)

Published: Aug 13, 2019, 14:44 IST | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા | મુંબઈ ડેસ્ક

‘દોસ્ત એમ ન બોલ, આ જંગલમાં અનેક સુંદર ફૂલ-છોડ છે તું એમાંથી એક છે.’

લાઇફ કા ફન્ડા

જંગલમાં જુદાં-જુદાં ફૂલો વચ્ચે ગુલાબના છોડ પર એક મોટું સુંદર લાલ ગુલાબ ખીલ્યું. આજુબાજુનાં બધાં ઝાડ-પાન-છોડ એની સુંદરતાનાં વખાણ કરવા લાગ્યાં. નજીકના વડનું ઘટાદાર ઝાડ બોલ્યું, ‘કેટલું સુંદર ફૂલ છે, મને થાય છે કે કાશ મારા પર આવાં સુંદર ફૂલ ખીલતાં હોત.’ ગુલાબે આ સાંભળ્યું અને એનું અભિમાન વધ્યું. એ બોલ્યું, ‘હું આ જંગલનું સૌથી સુંદર ફૂલ છું.’ નજીકમાં ખીલેલા સૂરજમુખીએ આ વાત સાંભળીને કહ્યું, ‘દોસ્ત એમ ન બોલ, આ જંગલમાં અનેક સુંદર ફૂલ-છોડ છે તું એમાંથી એક છે.’

ગુલાબને સૂરજમુખીની વાત ન ગમી. તએ તરત બોલ્યું, ‘બધા મને અહોભાવથી જોતા જ રહે છે, કારણ હું બધાથી સુંદર છું અને જંગલમાં ક્યાં બધાં ફૂલ-છોડ સુંદર છે. આ જો આ થોર તો કેવો કાંટાથી ભરેલો છે, કેટલો કદરૂપો લાગે છે.’ નજીકમાં ઊગેલા પાઇનના ઝાડે ગુલાબને તરત ટકોર કરી, ‘ગુલાબ, તું થોરના કાંટાની વાત કરે છે તો તારામાં પણ કાંટા તો છે જને.’ ગુલાબે અભિમાનપૂર્વક કહ્યું, ‘મારા કાંટા મારી સુંદરતાને કોઈ હાનિ ન પહોંચાડે એનું રક્ષણ કરવા માટે છે અને આ થોરમાં સુંદરતા નથી અને માત્ર કાંટાથી ભરેલો છે. મને તો એની નજીક રહેવામાં પણ ચીડ ચડે છે.’

આજુબાજુનાં ઝાડ-છોડ વિચારવા લાગ્યાં, ‘ગુલાબને પોતાની સુંદરતાનું બહુ અભિમાન છે.’ બધાં એને અભિમાની ગુલાબ કહેવા લાગ્યાં. ગુલાબ વિચારતું કે બધાં મારા જેટલાં સુંદર નથી એટલે મને અભિમાની કહે છે. ગુલાબ અભિમાનમાં અંધ બની બધાનું અપમાન કરતું. થોરને રોજ જેમ-તેમ બોલતું, પણ થોર કંઈ જવાબ ન આપતો, બધું ચૂપચાપ સાંભળી લેતો. ગુલાબ એક દિવસ બોલ્યું, ‘મારી સુંદરતાથી આખા વનની શોભા વધે છે. થોર તું તો નકામો છે, સાવ નકામો અને વળી કદરૂપો.’ થોર કંઈ ન બોલ્યો. નજીકના વડે કહ્યું, ‘ગુલાબ, આટલું અભિમાન સારું નહીં અને કોઈ ફૂલ, ઝાડ, છોડ નકામું નથી હોતું એ વાત યાદ રાખજે.’ ગુલાબને વડની વાત ન ગમી, પણ એ ચૂપ થઈ ગયું.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

હવે દિવસ બદલાયા. વસંતઋતુ પૂરી થઈ, ગરમી વધવા લાગી. બહુ તાપ પડવા લાગ્યો. ગરમીમાં પાણી ન મળવાથી ગુલાબની સુંદરતા ઝાંખી પડવા લાગી. એક દિવસ ગુલાબે જોયું કે નાનાં પંખી થોર નજીક આવતાં અને એને ચાંચ મારી ઊડી જતાં. ગુલાબને કંઈ સમજાયું નહીં. ત્યાં જ એણે પાઇનના ઝાડનો અવાજ સાંભળ્યો. એ થોરને પૂછતું હતું, ‘દોસ્ત, તારા થડમાં જમા કરેલા પાણીને પીવા આ પંખીઓ ચાંચ મારે છે ત્યારે તને વાગતું નથી.’ થોરે કહ્યું, ‘વાગે છે, વેદના પણ થાય છે, પણ હું નાનાં-નાનાં પંખીઓની આ ગરમીમાં તરસ છિપાવી શકું છું, હું નકામું નથી એ વાત મને આનંદ આપે છે અને એમાં પીડા ભુલાઈ જાય છે.’ ગુલાબનું અભિમાન એની સુંદરતાની જેમ કરમાઈ ગયું અને એણે થોરની માફી માગી તથા અન્ય ફૂલ-છોડની પણ માફી માગી લીધી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK