ઘસાઈને ઊજળા બનો (લાઇફ કા ફન્ડા)

Published: Jul 17, 2019, 14:24 IST | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા | મુંબઈ ડેસ્ક

અભ્યાસમાં પણ એકદમ હોશિયાર નીકળ્યા અને બધું જ્ઞાન મેળવી ઘરે આવ્યા અને હવે પિતા પાસે વેપારની સમજ અને વેપારની આંટીઘૂંટી શીખવા લાગ્યા.

લાઇફ કા ફન્ડા

એક નગરશેઠને બે દીકરાઓ હતા. બન્નેમાં ઉંમરનો તફાવત બે વર્ષનો હતો. બંને જણ બાલ્યકાળથી સાથે મોટા થયા. ચાંદીના ચમચા સાથે જન્મ્યા હતા એટલે બાળપણ લાડકોડમાં વીત્યું. માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા. નગરશેઠે ઉત્તમ ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલ્યા. બંને ભાઈઓ દેખાવમાં પણ બહુ સુંદર હતા. અભ્યાસમાં પણ એકદમ હોશિયાર નીકળ્યા અને બધું જ્ઞાન મેળવી ઘરે આવ્યા અને હવે પિતા પાસે વેપારની સમજ અને વેપારની આંટીઘૂંટી શીખવા લાગ્યા.
આમ બંને ભાઈઓ સુંદર, દેખાવડા, ભણેલા, હોશિયાર હતા. કોઈ ફેર ન હતો, પણ જ્યારે નગરશેઠ તેમને વેપાર શીખવવા લાગ્યા અને બંને જણ પેઢીએ આવવા લાગ્યા ત્યારે નગરશેઠને પોતાના બંને દીકરાઓ વચ્ચેનો સૂક્ષ્મ ફરક દેખાવા લાગ્યો. એક દિવસ નગરશેઠના વર્ષો જૂના મુનિમ નાના છોકરાને નામું બતાવી રહ્યા હતા ત્યારે લખતા-લખતા મુનિમને ખાંસી ઉપડી. નાનો દીકરો બાજુમાં જ હતો પણ પાણી આપવા નોકરને બૂમ પાડવા લાગ્યો અને બહાર માલની ગાંસડી ગણી રહેલા મોટા દીકરાએ દોડીને આવીને જાતે પાણી આપ્યું. નગરશેઠની ચકોર નજરે આ જોયું.
થોડા દિવસ પછી શેઠ અને તેમના બંને છોકરાઓ માલની ખરીદી કરવા ગયા ત્યારે પાછા ફરતી વેળા માલ ભરેલા ગાડાનું પૈડું કાદવના કળણમાં ફસાયું ત્યારે એકલો ગાડીવાન તે બહાર કાઢવા અસમર્થ હતો. નાનો દીકરો બળદને વધુ જોર લગાવવા ડફણા મારવા લાગ્યો. મોટો દીકરો ગાડીવાનને મદદ કરવા કાદવમાં જઈ પૈડું ધકેલવામાં મદદ કરવા લાગ્યો. નગરશેઠની ચકોર નજરે આ જોયું. એક પછી એક આવા ઘણા પ્રસંગો થયા. વેપારી વર્તુળમાં, ઘર અને પેઢીના નોકર ચાકરોમાં, ગામલોકોમાં મોટા દીકરાની નામના થવા લાગી.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

એક દિવસ નગરશેઠે બંને દીકરાને બોલાવ્યા. બન્નેના હાથમાં ચંદનનું લાકડું આપ્યું અને પછી નાના દીકરાને પૂછ્યું, ‘તને ચંદનના લાકડાના ઉપયોગો ખબર છે.’ નાના દીકરાએ કહ્યું ‘હા, ચંદનનું પ્રભુને તિલક થાય અને ચંદનના લાકડામાં મહાનુભાવોને અગ્નિદાહ અપાય.’ શેઠ બોલ્યા, ‘પ્રભુને ચંદનનું તિલક કરવા શું કરવું પડે ?’ નાના દીકરાએ કહ્યું, ‘પહેલા આ ચંદનના લાકડાને ભીનું કરી ઓરસિયા પર ઘસવું પડે.’ શેઠે બંને પુત્રોને ચંદન ઘસીને પ્રભુને તિલક કરવા કહ્યું. અને પછી બંને જણને બાથમાં લઈ બોલ્યા, ‘મારા દીકરાઓ તમે બંને ચંદન છો, પણ મોટા તું ચોક્કસ પ્રભુના ભાલનું તિલક બનીશ, કારણ તારામાં નમ્રતા છે, બીજા માટે જાત ઘસવાની તૈયારી છે. અને નાના, તું ભાઈ પાસેથી શીખી જજે કે ઘસાઈને ઊજળા કેમ બનાય. કારણ જે ચંદન ઘસાતું નથી તે માત્ર બાળવાના કામમાં આવે છે અને નામશેષ રાખ થઈ જાય છે તેમ તું લોકો માટે જાતે ઘસાઈને કામ લાગીશ તો લોકો તને યાદ રાખશે,
નહીં તો ભૂલી જશે.’ નગરશેઠની સમજાવટથી નાના દીકરાને પોતાની ખામી સમજાઈ ગઈ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK