જીવનનું બૅલૅન્સ કોના હાથમાં? (લાઇફ કા ફન્ડા)

Published: Oct 21, 2019, 16:12 IST | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા | મુંબઈ

આજે ત્રણે જણે હસતાં-હસતાં વાતો કરતાં ચા અને કોફી બન્નેનો સાથે આનંદ માણ્યો.

લાઇફ કા ફન્ડા

એક વિધવા માતા સુમતિબહેનનો એકનો એક દીકરો રોમિલ. પતિના અચાનક મૃત્યુ બાદ થોડું ભણેલાં સુમતિબહેન નોકરી કરતાં-કરતાં આગળ ભણ્યાં. સખત મહેનત કરીને દીકરા રોમિલને ભણાવ્યો અને એન્જિનિયર બનાવ્યો. એન્જિનિયર બન્યા બાદ રોમિલે નવું ઘર અને ગાડી લીધાં. માતાની નોકરી છોડાવીને તેને આરામ કરવાનું કહ્યું. રસોઈયો અને નોકર રાખ્યા. સુમતિબહેનની બધી મહેનત રંગ લાવી. તેઓ સુખના આસમાનમાં વિહરવા લાગ્યાં.
માતા અને પુત્રના પ્રેમભર્યા જીવનમાં એક ત્રીજા પાત્રનો પ્રવેશ થયો. રોમિલે પોતાની પ્રેયસી સાથે ભણતી અને કામ કરતી યુવતી રિધા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. સુમતિબહેનને મનમાં પોતે વહુ પસંદ ન કરી શક્યાં એવો વિચાર એક વાર આવ્યો, પણ તેમણે એ વિચાર તરત મનમાંથી કાઢી નાખ્યો. લગ્ન થયાં. રોમિલ અને રિધા દરરોજ સાથે કામ પર જતાં. સાંજે સાથે આવતાં. રાત્રે જમતાં-જમતાં પોતાના કામની વાતો અંગ્રેજીમાં કરતાં. ઘણી વાર રાતે ફરવા જતાં, પાર્ટીમાં જતાં તો મોડાં આવતાં. આમ તો કોઈ તકલીફ નહોતી. ભરપૂર સુખ હતું. સુમતિબહેનની બધી જરૂરિયાતોનું ધ્યાન બન્ને રાખતાં. નોકરોને સૂચના આપતાં છતાં સુમતિબહેન દુખી રહેવા લાગ્યાં. રિધાનો વાંક કાઢી તેની સાથે ઝઘડો કરતાં. ન બોલવાનું બોલતાં. તેમને મનમાં એમ થયું હતું કે રિધા મારા દીકરાને મારાથી દૂર કરી રહી છે. ઝઘડો વધવા લાગ્યો. હવે રિધા પણ ગુસ્સે થઈ જતી. કંઈક બોલી દેતી. વાત વધી જતી. સુમતિબહેન ખાવાપીવાનું છોડી દેતાં. રિધા વાત કરવાનું બંધ કરી દેતી. આ બન્નેના ઝઘડામાં રોમિલનું જીવન કપરું બની ગયું હતું.
એક દિવસ આવો જ ઝઘડો થયો. રોમિલે કમ્પ્યુટર પર એક વિડિયો શરૂ કર્યો, જેમાં એક ખીણ પાસેના પથ્થર પર એક પાટિયું માંડ ટકેલું હતું અને એના પર એક યુવાન ઊભો હતો. પાટિયાની બન્ને બાજુ એક તરફ વૃદ્ધ સ્ત્રી અને બીજી તરફ યુવાન સ્ત્રી હતી. યુવાને બન્નેને બચાવવાનાં હતાં, પણ પરિસ્થિતિ એવી હતી કે જો યુવાન વૃદ્ધ મા તરફ જાય તો પાટિયાનું બૅલૅન્સ હલી જાય અને ત્રણે જણ ખીણમાં પડે અને એવી જ રીતે જો યુવાન પત્ની તરફ જાય તો પણ ત્રણે જણ ખીણમાં પડે. યુવાને ઇશારાથી બન્નેને સમજાવ્યું કે તમે બન્ને ધીમે-ધીમે મારી પાસે આવો તો આપણે બચી જઈશું. બન્ને જણ સમજ્યાં. ધીમે-ધીમે ચાલીને યુવાન પાસે પહોંચી ગયાં. આ નાનકડો વિડિયો બતાવીને રોમિલ બહાર ગૅલરીમાં જતો રહ્યો. સુમતિબહેન અને રિધા સમજી ગયાં કે આ બૅલૅન્સ તેમણે જાળવવાનું છે અને થોડી વારમાં રિધાએ સુમતિબહેનની ફેવરિટ ચા અને સુમતિબહેને રિધાની ફેવરિટ કૉફી બધા માટે બનાવવાનું કહ્યું અને રોમિલ પાસે ગયાં. આજે ત્રણે જણે હસતાં-હસતાં વાતો કરતાં ચા અને કોફી બન્નેનો સાથે આનંદ માણ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK