સાથે મળીને...(લાઇફ કા ફન્ડા)

Updated: May 25, 2020, 15:00 IST | Heta Bhushan

અજાણ્યા માર્ગ પર એકબીજાના સાથી બનવું. ખોટી લડાઈ અને વેર જીવનનો અને ખુશીઓનો અંત લાવે છે.

પંચતંત્રની વાર્તા છે - એક નદીકાંઠે એક સુંદર અને થોડું વિચિત્ર પંખી રહેતું હતું. તેને એક શરીર અને બે મુખ હતાં. બધા તે પંખીને જોવા માટે આવતા. તેના જેવું બીજું કોઈ પંખી હતું જ નહીં. એક દિવસ પંખી ઊડતું ઊડતું દૂરના દરિયાકાંઠે પહોંચ્યું અને ત્યાં તેને એક સુંદર લાલ રંગનું ફળ દેખાયું. પંખી ફળ પાસે ગયું અને બે મુખમાંથી એક મુખે ચાંચ મારી તે ફળ ચાખ્યું. ફળ ચાખી તો તે મુખ ખુશખુશાલ થઈ ગયું. બોલ્યું, ‘આટલું સ્વાદિષ્ટ ફળ મેં આજ સુધી ચાખ્યું જ નથી. જાણે અમૃત વેલનું ફળ હોય તેટલું સ્વાદિષ્ટ છે.’ આ ફળ મેળવી મુખ તેને ખાવા લાગ્યું. બીજા મુખે કહ્યું, ‘બહુ સ્વાદિષ્ટ ફળ છે તો મને પણ તેનો આનંદ લેવા દે.’ પહેલા મુખે કહ્યું , ‘અજાણ્યા ફળને ચાખવાની હિંમત મેં કરી અને આમ તો આપણું પેટ એક જ છે જે આ ફળ ખાવાથી તૃપ્ત થયું છે. તારે ફળ ખાવાની કોઈ જરૂર નથી.’ અને તે બાકીનું ફળ ખાઈ ગયું અને એક ટુકડો પોતાની પ્રેયસીને આપ્યો.
પંખી ઊડીને પોતાના નદી કાંઠાના ઘરે આવી ગયું, પણ બીજું મુખ પોતાનો તિરસ્કાર અને અપમાન ભૂલ્યું નહીં અને રોજ તેનો બદલો લેવાનો રસ્તો વિચારવા લાગ્યું. તેને કોઈ રસ્તો મળતો નહોતો. થોડા દિવસ પછી પંખી દૂર દૂરનાં જંગલોમાં ગયું. ત્યાં જોયું તો એક ઝાડ નીચે થોડાં પંખીઓ મરેલાં પડ્યાં હતાં. પંખી સમજી ગયું કે આ ઝાડનાં ફળ ઝેરી લાગે છે. બીજું મુખ, જે અપમાનનો બદલો લેવા માગતું હતું તેણે વિચાર્યું કે લાવ હું આ ફળ ખાઉં જેથી આ પહેલા મુખને મારા અપમાનની બરાબર સજા મળે. બીજા મુખે ઝાડના ઝેરી ફળ પર ચાંચ મારી. પહેલા મુખે તેને કહ્યું, ‘અરે તું આ શું કરે છે. જોતો નથી આ બધાં પંખીઓ અહીં મરેલાં પડ્યાં છે, નક્કી આ ફળ ઝેરી હશે. નહીં ખા.’ બીજા મુખે કહ્યું, ‘ના હું તો ખાઈશ, તે દિવસે તે અમૃતફળ મને આપ્યું નહોતું, હું આ ઝેરી ફળ ખાઈ તેનો બદલો લઈશ.’ પહેલા મુખે કહ્યું, ‘અરે પણ તું આ ઝેરી ફળ ખાઈશ તો હું એકલો નહીં આપણે બન્ને મરી જશું. અરે સમજ, આપણા માત્ર મુખ બે છે પણ શરીર એક જ છે.’
બીજું મુખ ન માન્યું અને તેણે પહેલા મુખે રોકવાની ઘણી કોશિશ કરી છતાં ઝેરી ફળ ખાધું અને પરિણામે તે બે મુખવાળું પંખી મૃત્યુ પામ્યું.
સંસારમાં ઘણાં કામ છે જે વેરમાં અંધ બની વગર વિચારે ન કરવા જોઈએ. એકલા સ્વાદિષ્ટ ભોજન ન કરવું, હંમેશાં વહેંચીને ખાવું. હંમેશાં બધા સાથે હળી મળીને રહેવું. મુશ્કેલીઓનો સામનો સાથે મળી કરવો. અજાણ્યા માર્ગ પર એકબીજાના સાથી બનવું. ખોટી લડાઈ અને વેર જીવનનો અને ખુશીઓનો અંત લાવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK