પાંચ આંગળીઓ વચ્ચેનો ઝઘડો - (લાઇફ કા ફન્ડા)

Published: Oct 25, 2019, 16:34 IST | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

એક દિવસ હાથની પાંચે આંગળીઓ વચ્ચે ઝઘડો થયો. બધી આંગળીઓ મારું મહત્વ સૌથી વધારે છે કહી ઝઘડવા લાગી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

એક દિવસ હાથની પાંચે આંગળીઓ વચ્ચે ઝઘડો થયો. બધી આંગળીઓ મારું મહત્વ સૌથી વધારે છે કહી ઝઘડવા લાગી.

સૌથી પહેલાં અંગૂઠાએ કહ્યું, ‘મારું મહત્વ સૌથી વધારે છે, મને વિશેષ સ્થાન મળ્યું છે. હું ખાવું, લખવું, કોઈ પણ વસ્તુ પકડવી - બધા માટે જરૂરી છું. મારા વિના કેટલાંય કામ કરવા અશક્ય બને છે. હું જીત, પ્રગતિ અને શુભકામનાનું પ્રતિક છું.’

તરત જ પહેલી તર્જની આંગળી બોલી, ‘હું દરેક વસ્તુઓની ઓળખ આપવા, તેનો નિર્દેશ કરવા માટે જરૂરી છું. ભાષણ કરનાર પોતાના વિચારો રજૂ કરતી વખતે મારો ખાસ ઉપયોગ કરે છે. ગુનેગાર અને ભૂલ કરનાર પ્રત્યે પણ આંગળી ચીંધવાની હિંમત મારામાં જ છે અને હું પ્રથમ સ્થાન દર્શાવનાર પ્રતિક છું.’

હવે વારો આવ્યો મધ્યમાં આવેલી મધ્યમા આંગળીનો. તે બોલી, ‘હું સૌથી લાંબી છું અને હું એટલે બધાની આગેવાન છું. મારી ઊંચાઈને કારણે મારું માન સૌથી વધારે છે અને તમે અન્ય ચાર મારી બન્ને બાજુ જાણે બે-બે પહેરેગીર હોય તેમ મારું માન વધારો છો.’

અનામિકા આંગળી બોલી, ‘જીવનમાં પ્રેમનું મહત્વ સૌથી વધારે છે અને હું પ્રેમનું પ્રતિક છું. પ્રેમ, લગ્ન, કુટુંબપ્રેમ બધામાં મારું મહત્વ છે. મારી અંદરથી પસાર થતી નસ હ્રદય સાથે જોડાયેલી છે અને એટલે જ લગ્ન, સગાઈ પ્રસંગે મને સોના અને હીરાની વીંટીથી શણગારવામાં આવે છે.’

નાનકડી કનિષ્કા આંગળી બોલી, ‘હું તો સૌથી નાની છું અને બધાને વહાલી છું. હું આપણા પાંચમાં સૌથી સુંદર અને નાજુક છું. જ્યારે ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે હું ભગવાનની સૌથી સામે રહી તમારા બધાની આગેવાની કરું છું.’

આમ બધી આંગળીઓ પોતાનું મહત્વ ગણાવી આપબડાઈ કરી રહી હતી. ધીમે ધીમે ઝઘડો વધ્યો અને વાત હાથાપાઈ પર પહોંચી ગઈ. ત્યારે ક્યારની આ આંગળીઓની વાતો સાંભળી રહેલી હથેળી બોલી, ‘અરે, તમે ઝઘડવાનું બંધ કરો, તમે દરેક મહત્વની છો, દરેકનું આગવું કામ છે, પણ એટલું યાદ રાખો કે તમે એકમેક સાથે જોડાયેલી છો અને એકમેકની મદદ વિના કોઈ કામ બરાબર કરી શકો તેમ નથી. ભગવાને તમને અલગ અલગ બનાવી છે અને જુદા જુદા કામ સોંપી પછી મારી આજુબાજુ જોડી છે. તમે એકલા કંઈ જ કરવા સક્ષમ નથી અને સાથે મળીને રહો તો આ હાથ,  આ મુઠ્ઠી કોઈ પણ અશક્ય કામ કરવા પણ શક્તિમાન બને છે. તમારામાં જુદી જુદી આવડત છે,  સાથે મળી કામ કરશો તો જ કોઈ સારાં સફળ કાર્યો કરી શકશો અને અંદર-અંદર ઝઘડશો તો માત્ર એકબીજાને નુકસાન પહોંચાડશો જે અંતમાં બધાનું જ નુકસાન સાબિત થશે.’ આંગળીઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે ઝઘડવાનું બંધ કર્યું.  

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK