પ્રભુનામ લેતા રહો - (લાઈફ કા ફન્ડા)

Published: Sep 30, 2019, 16:59 IST | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ | મુંબઈ

એક કબૂતર ને કબૂતરીનું જોડું આકાશમાં ઊડી રહ્યું હતું. કબૂતર એકદમ ભગવાનનું ભક્ત હતું. ભગવાનમાં ખૂબ જ આસ્થા.

એક કબૂતર ને કબૂતરીનું જોડું આકાશમાં ઊડી રહ્યું હતું. કબૂતર એકદમ ભગવાનનું ભક્ત હતું. ભગવાનમાં ખૂબ જ આસ્થા. સતત પ્રભુનામ લે. પ્રભુનામ લેતા લેતા તેઓ ઊડી રહ્યાં હતાં ત્યાં એક આફત આવી. આકાશમાં ઊડતા બાજની નજર તેમની પર પડી અને તેમને ખાવા માટે બાજ એમની ઉપર ઊડવા લાગ્યું. આમ પણ કબૂતર ગભરું પંખી અને બાજને જોઈને તો બન્ને ખૂબ ડરી ગયા. બન્ને પૂરી તાકાત લગાવી ઝડપથી ઊડવાની કોશિશ કરવા લાગ્યા, જેથી બાજથી બચી જવાય.

કબૂતર ને કબૂતરીએ ઊડતા ઊડતા નીચે નજર કરી કે કોઈ સલામત જગ્યા દેખાય તો ત્યાં નીચે ઊતરી બાજથી છુપાઈ જવાય, પણ નીચે નજર કરી તો એક શિકારી બરાબર તેમનો જ શિકાર કરવા માટે તીર લઈને તૈયાર હતો. પરિસ્થિતિ વિકટ હતી - ઉપર અને નીચે બન્ને તરફ મોત હતું. આવી પરિસ્થિતિમાં કબૂતરી તો ક્યારનું હરિનામ લેવાનું ભૂલી ગઈ, પણ કબૂતરને કોઈ ભય ન હતો. મારો હરિ કરે તે સાચું એમ વિચારીને હરિનામ લેતા લેતા તે ઊડતું હતું.

કબૂતરીને થયું બન્ને બાજુથી મૃત્યુ નિશ્ચિત છે તો પણ મારા પતિ તો હરિનામ લેવાનું ભૂલ્યા નથી. શું એટલો વિશ્વાસ છે, પણ હવે પહેલાં બાજ તરાપ મારી પકડી પાડશે કે પછી શિકારીનું તીર વાગશે તે જોવાનું, બાકી મોત તો આવ્યું જ સમજો. બંને જાન બચાવવા જાન લગાવી ઊડી રહ્યાં હતાં. કબૂતરનું ભગવદ સ્મરણ અટક્યું ન હતું. કબૂતરી ચિંતા કરતી હતી.

બરાબર એ જ ક્ષણે પ્રભુકૃપાથી એ શિકારીને એક મધમાખીએ તીર પકડેલા હાથ પર ડંખ માર્યો. મધમાખીના ડંખની કારમી વેદનાથી શિકારી ચીસ પાડી ઊઠ્યો અને ધનૂષ પર ચઢાવેલું તીર જેનું નિશાન તે કબૂતર પર સાધી રહ્યો હતો તે હાથથી હળવેથી બદલાઈ ગયું અને તીર ધનૂષમાંથી છૂટીને કબૂતર ને કબૂતરીનો શિકાર કરવા ઊડી રહેલા બાજને વાગ્યું. બાજ તીર વાગવાથી જમીન પર પડ્યું. શિકારીનું ધ્યાન તેની તરફ ગયું અને કબૂતર ને કબૂતરી પર બન્ને બાજુથી આવી રહેલું મૃત્યુ ટળી ગયું. તેમનો જીવ પ્રભુકૃપાથી બચી ગયો.

આ પણ વાંચો : નકારનું મૂળ - (લાઇફ કા ફન્ડા)

જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, એક નહીં પણ એકથી વધુ મુશ્કેલીઓ એક સાથે આવે તો પણ ડરવું નહીં અને મુશ્કેલીઓ વખતે પ્રભુ આપણી સાથે છે એ વિશ્વાસ અટલ રાખી, સતત હરિનામ લેવું, નામસ્મરણ છોડવું નહીં, ઈશ્વર જ સાચો સહારો છે અને તે દરેક મુશ્કેલીમાંથી આપણને હાથ ઝાલીને બહાર કાઢે છે. હરિનામ લેતા રહો, હરિભજન કરતા રહો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK