અમુક નિશાનીઓ - (લાઇફ કા ફન્ડા)

Published: Jan 16, 2020, 16:30 IST | Heta Bhushan | Mumbai

એક યુવાન દુઃખી-દુઃખી હાલતમાં ઘરે આવ્યો. આજે નોકરીમાં તેને બૉસ ખૂબ જ ખીજાયા હતા.

એક યુવાન દુઃખી-દુઃખી હાલતમાં ઘરે આવ્યો. આજે નોકરીમાં તેને બૉસ ખૂબ જ ખીજાયા હતા. ભૂલ નાની હતી છતાં બૉસ તેની પર ખૂબ જ ગુસ્સે થયા અને હવે જો કોઈ ભૂલ કરશે તો નોકરીમાંથી પાણીચું આપી દેવાની ધમકી પણ આપી. મન પર આ ભાર હતો ત્યાં જ યુવાનના સ્કૂટરને કોઈએ પાછળથી ધક્કો માર્યો અને યુવાન સ્કૂટર સાથે નીચે પડી ગયો. સ્કૂટર સ્પીડમાં ન હતું એટલે બહુ ન વાગ્યું, હાથ અને પગ છોલાયા.

ઘાયલ યુવાન ઘરે આવ્યો ત્યારે ખૂબ જ પીડામાં હતો. યુવાન ઘરમાં આવી સોફા પર બેઠો. મમ્મીએ પાણી આપ્યું. પત્ની તરત દવાનો ડબ્બો લઈ આવી. ઘા પર દવા લગાડીને પાટો બાંધ્યો અને તેના માટે હળદરવાળું દૂધ લઈ આવી. દીકરી માથું દબાવવા લાગી. પરિસ્થિતિથી હારેલા અને મૂંઝાયેલા યુવાનને થોડું સારું લાગ્યું. તેની આંખમાં બે આંસુનાં બૂંદ બંધાયાં અને કોઈ ન જુએ તેમ એને લૂછી નાખ્યા. યુવાનના પિતાએ એ જોયું. રાત્રે ભોજન પછી રોજના નિયમ પ્રમાણે બધાએ સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરી. પ્રાર્થના બાદ યુવાનના પિતા તેની બાજુમાં બેઠા અને તેનો હાથ હાથમાં લઈ બોલ્યા, ‘દીકરા, મને ખબર છે કે તારી પર બધી જવાબદારી છે. આ જવાબદારીનો ભાર તને થકવી દે છે. બેટા, અમે બધા તને ખૂબ પ્રેમ કરીએ છીએ. તું અમારા માટે સર્વસ્વ છે.’

પિતાના આ શબ્દો યુવાનને ગમ્યા, પણ સાથે-સાથે પોતે બધું કરી શકતો નથી એવો મૂંઝારો પણ થયો. પિતા તેનો દુખતો હાથ આગળ લઈ બોલ્યા, ‘બેટા, આ આજે તને વાગ્યું, દુખાવો થાય છે. બરાબર યાદ રાખજે તું કે જીવિત છે તો જ દુખાવો થાય છે. જીવિત કોશમાં જ વેદનાનો અનુભવ થાય છે. પીડા એ જીવંતતાની નિશાની છે. તારું જીવન સહેલું નથી, કુટુંબની બધી જવાબદારી તારી પર છે. જીવનમાં ઘણી તકલીફ છે, પણ તું તકલીફો સામે ઝઝૂમી રહ્યો છે એ તારી હિંમતની નિશાની છે અને અમે તારી સારવાર કરી. અમે તારી જવાબદારી છીએ, પણ અમેજ તને પ્રેમ કરીએ છીએ. આપણે હમણાં જ સાથે પ્રાર્થના કરી. આ પ્રેમ અમે તારી સાથે છીએની નિશાની છે અને આ પ્રાર્થના તું એકલો નથી, ઈશ્વર તારી સાથે છેની નિશાની છે. આવી નિશાનીઓ જીવન જીવવાનું બળ આપે છે.’

પિતાની વાત સાંભળી યુવાનમાં સાચે નવી શક્તિનો સંચાર થયો. દરેક પરિસ્થિતિનો સામનો કરવા તે કટિબદ્ધ થયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK