Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દિવ્ય પ્રકૃતિનું જતન - (લાઇફ કા ફન્ડા)

દિવ્ય પ્રકૃતિનું જતન - (લાઇફ કા ફન્ડા)

20 March, 2020 03:05 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

દિવ્ય પ્રકૃતિનું જતન - (લાઇફ કા ફન્ડા)

દિવ્ય પ્રકૃતિનું જતન - (લાઇફ કા ફન્ડા)


એક દિવસ આશ્રમમાં વહેલી સવારની પ્રાર્થના બાદ ગુરુજીનું પ્રવચન હતું. પ્રવચનનો વિષય હતો પ્રકૃતિનું જતન. બધાએ વહેલા ઊઠીને પ્રાર્થના કરી. પ્રાર્થના બાદ ખુલ્લા મેદાનમાં બધા ગોઠવાઈ ગયા અને ગુરુજીએ પ્રવચન શરૂ કર્યું અને પ્રકૃતિમાતા છે કહ્યું અને પ્રકૃતિનાં સુંદર તત્ત્વો વિશે વાત કરવાની હજી શરૂ જ કરી હતી. પાંચ મિનિટ પણ નહોતી થઈ અને ગુરુજી જે ઝાડ નીચે બેસીને બોલતા હતા એ ઝાડની એક નીચલી ડાળી પર એક નાનકડું સુંદર પંખી આવીને વહેલી સવારનો આનંદભર્યો કલરવ કરવા લાગ્યું. પંખીનું આ સુંદર મીઠું ગીત મનમોહક હતું. આ મીઠો સ્વર ગુરુજીના કાને પડ્યો અને તેમણે એક નજર ઉપર પંખી તરફ કરી. એક શિષ્ય પંખીને ઉડાડવા ઊઠ્યો. ગુરુજીએ તેને રોક્યો. બધાને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને પોતે એક પણ શબ્દ ન બોલ્યા. પ્રવચન અધૂરું અટકાવી દીધું.

શાંત. સવારના સુંદર વાતાવરણમાં સૂરજનાં કોમળ કિરણો આકાશમાં સુંદર રંગોની આભા ફેલાવતાં ફેલાઈ રહ્યાં હતાં અને નાનકડું પંખી મીઠું-મધુરું ગીત ગાઈને જાણે સૂરજને આવકારી રહ્યું હતું. ગુરુજી એક પણ શબ્દ બોલ્યા વિના મૌન હતા અને બધા શિષ્યો પણ ચૂપ. જ્યાં સુધી પંખી ગાતું રહ્યું ત્યાં સુધી તેઓ મૌન જ રહ્યા અને પોતે પણ આ પંખીના મીઠા ગીતે સર્જેલા વાતાવરણમાં લીન રહ્યા અને પ્રકૃતિના એક દિવ્ય મનોરમ તત્ત્વને માણી રહ્યા. ઘણી વાર સુધી પંખી ગાતું રહ્યું. એના મધુર કલરવમાં બીજાં પંખીઓ પણ જોડાયાં અને વાતાવરણ વધુ સુરીલું થયું.



થોડી વાર ગાઈને પંખી પોતાનું કામ કરવા દાણા શોધવા ઊડી ગયું. પંખી ઊડી ગયા બાદ ગુરુજી થોડી વાર મૌન જ રહ્યા પછી એટલું જ કહ્યું, ‘જુઓ શિષ્યો, આ છે પ્રકૃતિનું દિવ્ય ગાન. વિશાલ સુંદર પ્રકૃતિનાં અનેક સુંદર તત્ત્વોમાંથી એક સુંદર તત્ત્વ. આજે હવે મારે કોઈ પ્રવચન નથી કરવું. પ્રકૃતિમાતાએ પોતે સુંદર સવારે આપના બધા માટે મીઠા ગાન દ્વારા સુંદર સંદેશો મોકલ્યો જે આપણે સાંભળ્યો. દિવસની સુંદર શરૂઆત થઈ ગઈ. પ્રકૃતિ તો રોજ આવી જ સુંદર સવારની ભેટ બધાને આપે છે, પણ આપણે બધા આપણા પોતાના ઘોંઘાટમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે ચૂપ રહી એને જાણી અને માણી શકતા નથી. યાદ રાખજો કે આ સમગ્ર સૃષ્ટિ વિરાટ ચિત્રકાર ઈશ્વરનું સર્જન છે અને જે કાંઈ પણ ઈશ્વરસર્જિત છે એ સુંદર છે, દિવ્ય છે, પ્રકૃતિના દરેક તત્ત્વમાં ઈશ્વરના હસ્તાક્ષર છે. માટે એને જાળવજો. પ્રકૃતિને એના મૂળ સ્વરૂપમાં આપણે જાળવતા નથી. એને સ્વાર્થ ખાતર નુકસાન પહોંચાડીએ છીએ અને આપણે જ આપણાં કાર્યો સુધારી પ્રકૃતિનું જતન કરવું પડશે, નહીં તો વિપરીત પરિણામ ભોગવવાં પડશે.’ શિષ્યો પ્રકૃતિનું મહત્ત્વ સમજી ગયા.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 03:05 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK