સાત પગલાં આનંદ તરફ - લાઇફ કા ફન્ડા

Updated: 17th February, 2021 21:28 IST | Heta Bhushan | Mumbai

પહેલા પગથિયે લખ્યું હતું... તમારા ભૂતકાળ સાથે સુમેળ સાધી સ્વીકાર કરી લો જેથી તે તમારું ભવિષ્ય ન બગાડી શકે. ગઈ કાલને ભૂલવાથી આજ અને આવતી કાલ બન્ને સુધરે છે.

એક મિત્રએ શહેરની બહાર વીક-એન્ડ હોમ તરીકે સરસ બંગલો બંધાવ્યો. બંગલો થોડી ઊંચાઈ પર હતો અને મેન ગેટથી બંગલાના દરવાજા સુધી પહોંચવા માટે સાત નાનાં પગથિયાં ચઢવાનાં હતાં. સરસ વાત એ હતી કે બંગલાનું નામ હતું ‘આનંદ’ અને બંગલાના મેન ગેટ પર લખ્યું હતું ‘સાત પગલાં આનંદ તરફ’ અને દરેક પગથિયા પાસે એક કલાત્મક બોર્ડમાં સરસ વાતો લખી હતી.

પહેલા પગથિયે લખ્યું હતું... તમારા ભૂતકાળ સાથે સુમેળ સાધી સ્વીકાર કરી લો જેથી તે તમારું ભવિષ્ય ન બગાડી શકે. ગઈ કાલને ભૂલવાથી આજ અને આવતી કાલ બન્ને સુધરે છે.

બીજા પગથિયે લખ્યું હતું - લોકો તમારા માટે શું વિચારે છે તે વિશે વિચારવું એ તમારું કામ નથી. લોકો તમારી મુશ્કેલીઓ અને ઇરાદાઓ અને આવડત બધું જ જાણતા નથી.

ત્રીજા પગથિયે લખ્યું હતું - સમય એક એવો ડૉક્ટર છે જેની પાસે દરેક દર્દની દવા છે. સમય નાનો-મોટો તનનો કે મનનો દરેક ઘા રૂઝાવી શકે છે; બસ સમયને થોડો સમય આપો.

ચોથા પગથિયે લખ્યું હતું - તમારી ખુશીઓનું કારણ બીજું કોઈ જ નહીં પણ તમે પોતે છો. તમારી ખુશીઓને સ્વાવલંબી રાખો, તેને અન્ય કોઈ પર આધારિત ન બનાવો.

પાંચમાં પગથિયે લખ્યું હતું - તમારા જીવનને અન્ય કોઈના જીવન સાથે સરખાવો નહીં, કારણ કે તમે તેમની સફર વિશે કંઈ જાણતા નથી.
છઠ્ઠા પગથિયે લખ્યું હતું - વધુપડતું વિચારવાનું છોડો, જરૂરી નથી કે તમને બધી જ ખબર હોવી જોઈએ. તમને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો વાંધો નહીં.

સાતમાં પગથિયે લખ્યું હતું - હસતા રહો અને હસાવતા રહો, કારણ કે દુનિયાની બધી તકલીફો તમારી નથી. જે તમારી તકલીફો છે તેનો પણ હસતા-હસતા સામનો કરવાથી તે આસાન થઈ જશે.

આ સાત પગથિયાં પૂરાં થતાં ‘આનંદ’ બંગલાનો દરવાજો આવતો હતો, જે દરવાજા પર લખ્યું હતું ‘હસતા રહો, બધાને ચાહતા રહો, આગળ વધતા રહો. ખુશીઓના મહેલમાં તમારું સ્વાગત છે.’

સુંદર શબ્દોની રમત અને સુંદર શબ્દોના દરેક વળાંકમાં દરેક પગથિયે જીવનમાં સાચો આનંદ મેળવવાના સરળ અને સરસ રસ્તા ટૂંકમાં સમજાવ્યા હતા. જીવનમાં સાચા આનંદ તરફ લઈ જતાં આ સાત પગથિયાં પર લખેલા સંદેશને જે વાંચીને સમજીને જીવનમાં ઉતારી લે તે ચોક્કસ આનંદ સુધી પહોંચી સાચી ખુશી માણી શકે.

ચાલો હજી ફરીથી બે વાર વાંચીને યાદ રાખી લો અને જીવનમાં આગળ વધો ખુશીઓ તરફ.

First Published: 17th February, 2021 22:00 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK