Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભક્તિમાં સુધાર - (લાઇફ કા ફન્ડા)

ભક્તિમાં સુધાર - (લાઇફ કા ફન્ડા)

16 February, 2021 11:31 AM IST | Mumbai
Heta Bhusha

ભક્તિમાં સુધાર - (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક શ્રીમંત સદ્‍ગૃહસ્થ ભગવાનના પરમ ભક્ત. ઘરના મંદિરમાં રોજેરોજ સુંદર પૂજા કરે, ભગવાનને સુંદર શણગાર કરે, થાક્યા વિના કલાકો પૂજા કરે અને પાઠ પણ. આ તેમનો વર્ષોથી નિયમ, ખૂબ ભાવથી પૂજા કરે. બધા તેમની ભક્તિ અને મંદિરના વખાણ કરે. તેમની શ્રદ્ધાના દાખલા આપે. દિલમાં ભરપૂર ભક્તિ હતી અને ઘરમાં ઈશ્વરકૃપાથી સાહ્યબી પણ હતી, પણ અચનક નસીબનું પાનું પલટાયું અને બધું પળભરમાં બદલાઈ ગયું. ધંધામાં ખોટ જતાં ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું... પણ ન બદલાઈ તેમની ભક્તિ અને ભક્તિ કરવાની રીત.

એક દિવસ એક સંબંધી તેમના ઘરે આવ્યા. નાનકડા ઘરમાં પણ સુંદર સરસ મંદિર હતું અને સરસ શણગાર પણ... સંબંધી બોલ્યા, ‘વાહ તમે હજી આટલી જ સરસ પૂજા કરો છો શું વાત છે, મને એમ કે આટલી ભક્તિ કરવા છતાં આવા દુઃખના દિવસો જોવા પડ્યા તો તમારી શ્રદ્ધા ડગમગી ગઈ હશે. કદાચ પૂજા પણ નહીં કરતાં હો.’



સદ્‍ગૃહસ્થે કંઈ માઠું ન લગાડ્યું અને હસતા-હસતા બોલ્યા, ‘ભાઈ એ તો કર્મના અને નસીબના ખેલ, એમાં મારો કાળિયો ઠાકર શું કરે? જીવ છીએ, જે ભોગવવાનું હોય તે ભોગવવું જ પડે.’


સંબંધી બોલ્યા, ‘વાહ તમારા વિચારો અને ભક્તિ તો ઓછી થવાને બદલે વધુ નીખર્યાં છે.’ સદ્‍ગૃહસ્થે કહ્યું, ‘સાવ સાચી વાત, મારા મનમાં રહેલી ભક્તિમાં સુધાર થયો છે તેનું એક રહસ્ય છે. મને એક એવો મિત્ર મળ્યો છે જેણે આંગળી ઝાલીને જાણે મને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે. તેણે મને હંમેશાં સમજાવ્યું છે કે ભગવાન ભાવનો અને તમારા પ્રેમનો ભૂખ્યો છે. તમે તેને શું આપી શકવાના છો, પ્રેમ સિવાય બીજું કંઈ જ નહીં. મારા મિત્રએ મને સમજાવ્યું છે કે ભગવાન તમારો સૌથી સારો મિત્ર છે, જ્યારે બધા સાથ છોડી જાય ત્યારે પણ તે તમારી સાથે જ રહે છે માટે તેનાથી ડરવું નહીં અને તેનામાં વિશ્વાસ રાખી તેણે સર્જેલા સંજોગોથી પણ ડરવું નહીં. મારા મિત્રએ મને સમજાવ્યું છે કે ભગવાન પાસે કંઈ ન માગો, તે આપણને માગ્યા વિના જ સઘળું આપે છે. બસ સમર્પણ અને શ્રદ્ધા રાખવી જરૂરી છે.’

સંબંધી ચુપચાપ ગૃહસ્થની વાત સાંભળી રહ્યા. ગૃહસ્થ પોતાના લાલાને પ્રસાદ ધરાવી દીવો કરતાં બોલ્યા, ‘આ ભગવાને દેવદૂત સમ મોકલેલા મારા મિત્રની વાતોથી મારી ભક્તિમાં એવો સુધાર થયો છે કે હવે હું સર્વશક્તિમાન ઈશ્વરથી ડરતો નથી, પરમ પરમાત્માને પ્રેમ કરું છું. હવે હું ભગવાન પાસે ઝોળી ફેલાવી કંઈ માગતો નથી, કોઈ અપેક્ષા રાખતો નથી. મને ભરોસો છે કે તે મારી સાથે છે અને તે જે કરશે તે સારું જ કરશે.’


દેવદૂત સમ મિત્ર મળે તો નસીબ... પણ ન મળે ત્યાં સુધી આપણી ભક્તિમાં ડરના સ્થાને પ્રેમ અને અપેક્ષાના સ્થાને ભરોસો પરોવી ભક્તિમાં સુધાર કરીએ.

Whatsapp-channel Whatsapp-channel

16 February, 2021 11:31 AM IST | Mumbai | Heta Bhusha

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK