કોના જેવા બનવું છે? - (લાઇફ કા ફન્ડા)

Published: Jan 24, 2020, 15:44 IST | Heta Bhushan | Mumbai

વર્ગમાં શિક્ષક આવ્યા ને નિબંધ લખવા કહ્યું - ‘હું મોટો થઈ શું બનીશ?’

વર્ગમાં શિક્ષક આવ્યા ને નિબંધ લખવા કહ્યું - ‘હું મોટો થઈ શું બનીશ?’ આ નિબંધની પૂર્વ તૈયારી રૂપે શિક્ષકે વર્ગમાં બધાને એક પછી એક પૂછ્યું ‘તમારે કોના જેવા બનવું છે...’ કોઈકે કહ્યું મારે અમિતાભ બચ્ચન જેવા કલાકાર બનવું છે, કોઈક બોલ્યું હું સચિન તેન્ડુલકર જેવો ક્રિકેટર બનવા માગું છું. એક છોકરી બોલી મારે લતા મંગેશકર જેવી ગાયિકા બનવું છે. એક છોકરાએ કહ્યું, હું મારા મોટા ભાઈની જેમ સૈનિક બનવા માગું છું. શિક્ષકે દરેકને વારાફરથી પૂછ્યું અને બધાએ કોઈને કોઈ મોટી હસ્તી કે કોઈ મોટા સ્વજનનું નામ લઈ કહ્યું કે મારે આમના જેવા બનવું છે.

એક છોકરી ચૂપચાપ બેઠી હતી. શિક્ષકે તેને પૂછ્યું, ‘અનિકા, તારે શું બનવું છે? તને કોના જેવા બનવું ગમે?’ અનિકાએ ઊભા થઈને કહ્યું ‘સર, હું અનિકા ઠાકર બનવા માગું છું. મારે કોઈના જેવા નથી બનવું,  મારે પોતાની અલગ-આગવી ઓળખ બનાવવી છે.’ અનિકાનો આત્મવિશ્વાસ સભર જવાબ સાંભળી શિક્ષક અને આખો વર્ગ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. પછી અમુક વિદ્યાર્થીઓ હસ્યા. અમુકે તે ઘમંડી છે એમ વિચારી મોઢું બગાડ્યું. અમુકે વિચાર્યું હમણાં સર અનિકાને ખીજાશે.’ પણ એમ ન થતાં સરે તાલી પાડી અનિકાના જવાબને બિરદાવ્યો. તેની પાસે જઈને તેને આ જવાબ માટે શાબાશી આપી.

શિક્ષકે અનિકાને પૂછ્યું, ‘અનિકા, તારામાં ગજબનો આત્મવિશ્વાસ છે કે તે પોતાની આગવી ઓળખ બનાવવાનો જવાબ આપ્યો. આટલો વિશ્વાસ તારામાં ક્યાંથી આવ્યો.’ અનિકાએ કહ્યું, ‘સર, મારી મમ્મીએ મને શીખવ્યું છે કે દરેક જણ યુનિક હોય છે. દરેકમાં ખાસ ગુણ અને અવગુણ બન્ને હોય છે. આપણે આપણી ખાસિયતને ઓળખી તેને વિકસાવવી જોઈએ. કોઈના જેવા બનવાની, કોઈની નકલ ક્યારેય ન કરવી, કારણ કે ઈશ્વરે બધાને ખાસ બનાવ્યા છે. મારી મમ્મીએ આજ સુધી મારા માર્ક કે મારી કોઈ આવડતની સરખામણી અન્ય કોઈ સાથે કરી જ નથી. તેણે મને શીખવ્યું છે કે જે કંઈ કરે તેમાં ૧૦૦ ટકા મહેનત કરી સારામાં સારું કામ કરવું. એવું કામ કરવું જે તારી અનિકા ઠાકરની ઓળખાણ બની જાય... અને બસ સર, એટલે જ મેં કહ્યું મારે કોઈ જેવા નહીં, મારે અનિકા ઠાકર બનવું છે.’ અનિકાની વાત સાંભળી શિક્ષક અને વર્ગના બધા વિદ્યાર્થીઓએ તેને તાળીઓથી વધાવી લીધી.

જાત પર વિશ્વાસ રાખી આગળ વધો, જીવનમાં અન્ય કોઈની નકલ ન કરતાં પોતાની આગવી ઓળખ બનાવો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK