શું કામ આવું? - (લાઇફ કા ફન્ડા)

Published: Jan 29, 2020, 17:01 IST | Heta Bhushan | Mumbai

આવી શરતો સાંભળી રાજાને જરા ગુસ્સો આવ્યો. તેઓ બોલ્યા, ‘ગોવાળ, તું આ કેવી શરતો મૂકે છે. હું નગરનો રાજા છું, તારી આવી વિચિત્ર શરતોનું પાલન અસંભવ છે.’

એક નગરમાં રાજા છૂપાવેશે ફરવા નીકળ્યા. પોતાના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રાજા ફરી રહ્યા હતા. વહેલી પરોઢનો સમય થયો હતો. એક કિશોરવયનો ગોવાળ સરસ ગીત ગાતો ગાયોને ચરાવવા સીમ તરફ જઈ રહ્યો હતો. ગોવાળ એટલું સરસ ગાતો હતો કે રાજા તેનું ગીત સાંભળતા સાંભળતા તેની પાછળ-પાછળ ચાલવા લાગ્યા અને તેની રાજાને પોતાને ખબર ન રહી. ગોવાળના હલકદાર ગીતમાં રાજા ખોવાઈ ગયા. ગોવાળ કામ કરતો જતો હતો, ગાયોને દોરવતો હતો અને એક પછી એક સુંદર ગીતો ગાઈ રહ્યો હતો.

ગોવાળના દરેક ગીતમાં પ્રભુ-પ્રીતિની વાત હતી. સીમમાં પહોંચીને ગાયો લીલું ઘાસ ચરવા લાગી અને ગોવાળ એક ઝાડ નીચે બેસી પોતાની પોટલી છોડી શિરામણ-સવારના નાસ્તામાં રાતનો વાસી રોટલો ખાવા લાગ્યો. રોટલો ખાઈ પાણી પીને ગોવાળ વળી હલકદાર કંઠમાં ગીતો ગાવા લાગ્યો. રાજા કેટલીય વાર સુધી તેનાં ગીતો સાંભળતા રહ્યા. ગોવાળની ગાયો પણ જાણે તેના ગીતોને પસંદ કરતી હોય, તેના અવાજને ચાહતી હોય તેમ ગોવાળ જ્યાં બેઠો હતો ત્યાં જ આજુબાજુ ચરતી હતી, બહુ દૂર જતી ન હતી.

રાજાએ વિચાર્યું જો આ ગોવાળ મારા રાજમહેલમાં આવીને ગીતો ગાય તો મજા આવી જાય અને મારી પ્રશંસા કરતા રાજકવિએ લખેલાં ગીતો જો આ ગોવાળના કંઠે ગવાય તો મારી કીર્તિમાં ચાર ચાંદ લાગી જાય. આમ વિચારી રાજા ગોવાળ પાસે ગયા અને પોતાની ઓળખ આપી તેને કહેવા લાગ્યા કે ‘તું મારી સાથે રાજધાની ચાલ...રાજમહેલમાં રહેજે અને સરસ ગીતો ગાઈને બધાનું મનોરંજન કરજે.’ ગોવાળે કહ્યું, ‘હું તમારી સાથે આવવા તૈયાર છું, પણ મારી શરતો છે  ‘જ્યારે હું સૂઈ જાવ ત્યારે તમારે જાગવું પડશે. હું જે ભોજન બનાવી આપું તે જ તમારે આરોગવું પડશે અને જ્યારે હું કોઈ તકલીફ કે મુસીબતમાં હોઉં ત્યારે તમારે બધાં કામકાજ છોડીને મારી પાસે આવવું પડશે..’

આવી શરતો સાંભળી રાજાને જરા ગુસ્સો આવ્યો. તેઓ બોલ્યા, ‘ગોવાળ, તું આ કેવી શરતો મૂકે છે. હું નગરનો રાજા છું, તારી આવી વિચિત્ર શરતોનું પાલન અસંભવ છે.’

ગોવાળ હસ્યો અને બોલ્યો ‘રાજાજી તો પછી હું અહીં મારા ગામમાં જ ખુશ છું. હું રાજમહેલ શું કામ આવું. અહીં હું પરમાત્માને સર્વસ્વ ગણી તેની ભક્તિ અને પ્રેમનાં ગીતો ગાઉં છું. હું જે બનાવું તે રોટલો મારા પરમાત્માને ધરાવું છું તે તે જ આરોગે છે. રોજ રાત્રે પ્રભુને યાદ કરી નિશ્ચિંત સૂઈ જાઉં છું, તે આખી રાત જાગી મારી રક્ષા કરે છે અને સવારે જગાડે છે અને કોઈ પણ મુશ્કેલી પડે તો દોડીને આવીને મારી મદદે મારો ઈશ્વર ઊભો રહે છે. તો જે મારી પળ પળ રક્ષા કરે છે તે જગતનિયંતાનો આશરો  છોડીને હું તમારા આશરે રહેવા રાજમહેલમાં શું કામ આવું?’ ગોવાળની વાત સાંભળી રાજા ચૂપચાપ ચાલ્યા ગયા.

- હેતા ભૂષણ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK