Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મનના દુશ્મનો - (લાઇફ કા ફન્ડા)

મનના દુશ્મનો - (લાઇફ કા ફન્ડા)

19 February, 2021 12:46 PM IST | Mumbai
Heta Bhusha

મનના દુશ્મનો - (લાઇફ કા ફન્ડા)

મનના દુશ્મનો - (લાઇફ કા ફન્ડા)


એક દિવસ ગુરુજીએ પ્રવચનમાં સમજાવ્યું, ‘માણસના ખાસ દુશ્મનો તેના મનમાં જ સમાયેલા છે. તે છે લોભ, મોહ, લાલચ, ઇર્ષ્યા, ક્રોધ, અહમ્ વગેરે વગેરે... આ બધા દુશ્મનોથી હંમેશાં ચેતતા રહેવું. હું અને મારા જેવા દરેક ગુરુઓ માનવજાતને હજારો વર્ષથી આ દુશ્મનો વિશે જણાવતા અને ચેતવતા આવ્યા છીએ. દરેક માનવ પોતાની અંદર વસતા આ દુશ્મનોને ઓળખે-જાણે છે છતાં જ્યારે આ દુશ્મનો હુમલો કરે છે ત્યારે માણસ હારી જાય છે. ઊંઘતો ઝડપાય છે અને દુશ્મન તેના મન પર હાવી થઈ જાય છે.’

એક શિષ્યએ કહ્યું, ‘ગુરુજી તમારી વાત એકદમ સાચી છે, હંમેશાં મનમાં છુપાયેલો કોઈ ને કોઈ દુશ્મન હુમલો કરે છે અને આપણે હારીએ છીએ. આવું થવાનું કારણ શું?’



ગુરુજી બોલ્યા ‘માણસ પોતે જ દુશ્મનોને જગાડે છે અને જીતવાની તક આપે છે. જુઓ હું તમને ઉદાહરણ આપીને સમજાવું. એક વેપારીને વેપારમાં ખૂબ જ ફાયદો થયો. એક જ સોદામાં લાખોનો નફો મળ્યો અને વેપારી પોતાને એકદમ બાહોશ અને હોંશિયાર સમજવા લાગ્યો. તે માનવા લાગ્યો કે મારા જેવો હોંશિયાર કોઈ નથી, તેનો અહમ્ વધ્યો. એટલે જ્યારે માણસને ધાર્યું હોય તેનાથી વધુ મળી જાય તો દુશ્મન અહંકારને તે પોતે જ જગાડે છે. હવે એક યુવાનને સારી નોકરી મળી, મોટો પગાર હતો, તે સારું કામ કરતો હતો અને તેને સારી ધારેલી નોકરી મળી ગઈ હતી, પણ સતત તેને ચિંતા રહેતી કે આ સારી નોકરી છૂટી ન જાય તો સારું, તેનો નોકરી માટેનો મોહ વધતો જતો હતો અને સાથે સાથે તે છૂટી ન જાય તેનો ડર પણ... એક યુવાનને ભણી લીધા બાદ સારી ડિગ્રી હોવા છતાં નોકરી મળતી નહોતી, તે યુવાનને પોતે વિચારેલી સારી નોકરી નહીં પણ કોઈ જ કામ મળતું નહોતું. તે લાયક હતો અને મહેનત કરવા તૈયાર હતો છતાં તેને કોઈ કામ મળતું નહોતું એટલે તેની અંદર ક્રોધ વધતો જતો હતો. એક યુવતીને એક સુંદર સોનાનો હાર બહુ ગમતો હતો પણ તેની પાસે તે ખરીદવાના પૂરતા પૈસા નહોતા. તે રોજ તે હારને દુકાનમાં જોઈને મનમાં દુઃખી થતી. એક દિવસ તેણે જોયું કે દુકાનમાં તે હાર નહોતો અને સાંજે તે જ હાર પહેરીને તેની બહેનપણી તેને પોતાની સગાઈનું આમંત્રણ આપવા આવી. યુવતી પોતાની બહેનપણીના ગળામાં પોતાને બહુ ગમતો હાર જોઈને જલીને ખાખ થઈ ગઈ. આપણું ઇચ્છેલું આપણને નહીં અને બીજાને મળી જાય તો ઇર્ષ્યા વધે છે. એક માણસને ધીમે ધીમે પોતાની મહેનતનું ફળ મળી રહ્યું હતું. સારી આર્થિક પરિસ્થિતિ હતી, સારો પરિવાર હતો પણ તેનામાં વધુ ને વધુ મેળવવાની લોભની વૃત્તિ દિવસે દિવસે વધી રહી હતી.’


આમ ઉદાહરણો આપી ગુરુજીએ સમજાવ્યું કે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં માણસ પોતે જ એકથી વધારે મનમાં છુપાયેલા દુશ્મનોને પોતાના પર હાવી થવાની તક આપે છે. આ દુશ્મનોથી હંમેશાં ચેતતા રહો, તેને જીતવા ન દો.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2021 12:46 PM IST | Mumbai | Heta Bhusha

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK