ઘણી વાર આવું થાય - (લાઇફ કા ફન્ડા)

Published: Mar 26, 2020, 18:41 IST | Heta Bhushan | Mumbai

એક દિવસ રાધિકાને ઑફિસેથી સાંજે ઘરે આવતાં મોડું થયું.

એક દિવસ રાધિકાને ઑફિસેથી સાંજે ઘરે આવતાં મોડું થયું. આવીને ફટાફટ પાણી પીધું, પોતાની કૉફી પણ ન બનાવી અને સાંજની રસોઈની તૈયારી કરવા લાગી. સવારથaી બધાની ફરમાઇશ હતી કે સાંજે જમવામાં કંઈક સરસ બનાવજે.

રાધિકાએ વડા-સંભાર-કોપરાની ચટણી બનાવવાનું નક્કી કર્યું હતું. દાળ પલાળેલી હતી જ. ફટાફટ એક બાજુ સંભાર બનવવા મૂક્યો અને બીજી બાજુ દાળ વાટવાની શરૂઆત કરી. દાળ વાટવા માટે મિક્સર કાઢ્યું અને કિચનના સામેના પ્લૅટફૉર્મ પર જ્યાં બે પ્લગ નાખવા માટેના સોકેટ અને બે સ્વીચ બાજુ-બાજુમાં હતા ત્યાં મિક્સર ગોઠવી પ્લગ સોકેટમાં નાખ્યું. સ્વીચ ચાલુ કરી. મિક્સરના જારમાં દાળ કાઢી, મિક્સર પર જાર ફીટ કર્યું અને મિક્સરની સ્વીચ ફેરવી તો મિક્સર ચાલુ જ ન થાય. રાધિકાના મુખ પર ચિંતા છવાઈ ગઈ. અરે, આ મિક્સર અત્યારે જ બગડ્યું. હવે દાળ કઈ રીતે વટાશે? દાળ નહીં વટાય તો વડા કેમ બનશે? કોપરાની ચટણી કેમ બનશે? ‍અત્યારે તો કોણ રીપેર કરી આપશે? આપે તો પણ જમવાનો સમય તો થઈ ગયો. થોડી વારમાં બધા જમવાનું માગશે

તો શું કહીશ?

માત્ર ઘડી બેઘડીમાં તો રાધિકાના મગજમાં કેટલા પ્રશ્નો આવ્યા અને કોઈનો હલ મળતો  ન હતો. મિક્સરને આમતેમ હલાવી એને ફરી એક વાર પ્રયત્ન કરી જોયો, પણ મિક્સર ન ચાલ્યું. હવે શું કરવું? આ બધુ વિચારતાં તેની આંખમાં આંસુ આવી ગયાં. બરાબર એજ સમયે રાધિકાની મોટી દીકરી અનિકા  રસોડામાં જમવાનું બની ગયું કે વાર છે એ પૂછવા રસોડામાં આવી. જોયું તો મમ્મી ચિંતામાં હતી અને મિક્સરને આમતેમ ફેરવી ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. અનિકાએ પૂછ્યું, ‘મમ્મી, શું થયું? ભૂખ લાગી છે. હજી કેટલી વાર છે?’

રાધિકા રડમસ અવાજે બોલી, ‘આ મિક્સરને પણ અત્યારે જ બગડવું હતું. ચાલુ જ નથી થતું.’ અનિકા મિક્સર પાસે આવી અને તેણે જોયું કે મમ્મીએ પ્લગ જે સોકેટમાં નાખ્યું હતું એની સ્વીચ ચાલુ કરવાને બદલે એની બાજુની સ્વીચ ચાલુ કરી હતી એટલે જ્યાં સ્વીચ ચાલુ હતી ત્યાં પ્લગ જોડાયેલું ન હતું અને જ્યાં પ્લગ જોડાયેલું હતું એ સોકેટની સ્વીચ ચાલુ ન હતી. અનિકાએ પ્લગ જોડાયેલું હતું એ સ્વીચ ચાલુ કરી મિક્સર ચાલુ થઈ ગયું. રાધિકા પોતાની ભૂલ પર હસી પડી. તેની બધી ચિંતા પળમાં ગાયબ થઈ ગઈ.

જીવનમાં આપણી જોડે ડગલે ને પગલે આવું થાય છે. આપણે ઉતાવળમાં, રઘવાટમાં, ડરને લીધે જેને મોટી મુસીબત સમજી ડરી જઈએ છીએ, કોઈ માર્ગ સૂઝતો નથી એવું લાગે છે એ હકીકતમાં બહુ મોટી તકલીફ હોતી જ નથી. જરૂર હોય છે મનને શાંત રાખી કામ કરવાની અને આગળ વધવાની.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK