બધું જેવું દેખાય તેવું હોતું નથી - (લાઇફ કા ફન્ડા)

Published: Sep 20, 2019, 14:01 IST | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ | મુંબઈ

એક દિવસ વૃદ્ધ દેવદૂત પોતાના યુવાન પુત્રને દુનિયાની સાચી સમજ આપવા સાથે લઈને એક નગરમાં આવ્યા.

એક દિવસ વૃદ્ધ દેવદૂત પોતાના યુવાન પુત્રને દુનિયાની સાચી સમજ આપવા સાથે લઈને એક નગરમાં આવ્યા. વૃદ્ધ દેવદૂત અને યુવાન દેવદૂત નગરમાં પહેલા એક શ્રીમંતના ઘરે ગયા અને એક રાત માટે આશરો માગ્યો. શ્રીમંતની પત્ની સ્વભાવે કંજૂસ હતી. આંગણે આવેલ અતિથિઓનું સ્વાગત તેણે ન કર્યું અને ‘આ ઘર કંઈ ધરમશાળા નથી’ તેમ કહ્યું અને અતિથિઓને અતિથિગૃહમાં નહીં પણ ઘરની નીચેના ભોંયરામાં ગાદલાં-ગોદડાં આપ્યા વિના સૂવા કહ્યું અને સવારનું વાસી ભોજન આપ્યું, પણ આંગણે આવનાર દેવદૂત હતા એટલે ઘરમાં સારા સમાચાર આવ્યા. શ્રીમંતને મોટો સોદો મળ્યો. ભોંયરામાં જ્યાં દેવદૂતો સૂતા હતા ત્યાં એક દીવાલમાં કાણું હતું. વૃદ્ધ દેવદૂતે તે બરાબર પૂરી દઈ સરખું કર્યું. યુવાન પુત્રે પૂછ્યું, ‘પિતાજી આ શ્રીમંતે આપણી સાથે સારો વ્યવહાર નથી કર્યો છતાં તમે તેની આ દીવાલ સરખી કરો છો,  તેને સારા સમાચાર આપો છો ?’ વૃદ્ધ દેવદૂતે જવાબ આપ્યો, ‘બધું જેવું દેખાય તેવું હોતું નથી.’

બીજે દિવસે બંને દેવદૂતો એક ગરીબ ખેડૂતને ત્યાં ગયા. ખેડૂતે આશરો આપ્યો, પોતાની પાસે જે થોડું ખાવાનું હતું તેમાંથી પહેલા અતિથિઓને પીરસ્યું. તેમના ઘરમાં આવતા જ વરસાદ પડવો શરૂ થયો. તો ખેડૂત રાજી થઈ કહેવા લાગ્યો, ‘તમારા પગલા શુકનિયાળ, વરસાદ લઈ આવ્યા.’ રાતે સૂવા માટે ખેડૂતે પોતે અને તેની પત્ની સૂતાં હતાં તે ખાટલો દેવદૂત-અતિથિઓ માટે સાફ કરી પાથર્યો અને પોતે, પત્ની અને બાળકો સાથે જમીન પર સૂતો. બીજે દિવસે સવારે બધા ઉઠ્યા ત્યારે ખેડૂતની ગાય મરેલી હતી, બધા રડવા લાગ્યા.

યુવાન દેવદૂતે પૂછ્યું, ‘પિતાજી આમ કેમ? આ ગરીબ ખેડૂત દંપતીએ આપણને આવકાર આપ્યો, આપણી સાથે આટલો સારો વ્યવહાર કર્યો અને આપણે ઘરમાં હોવા છતાં તેમની ગાય મરી ગઈ અને તમે તેમ થતાં અટકાવ્યું પણ નહિ?’ વૃદ્ધ દેવદૂતે જવાબ આપ્યો, ‘બધું જેવું દેખાય તેવું હોતું નથી.’ યુવાન દેવદૂતે પૂછ્યું,  ‘એટલે?’ વૃદ્ધ દેવદૂતે સમજાવ્યું, ‘જો આપણે શ્રીમંતના ઘરે ગયા, તેને શુભ સમાચાર મળ્યા, ભોંયરામાં દીવાલમાં જે કાણું હતું તેમાં શ્રીમાને ઘણું ધન છુપાવીને રાખ્યું હતું અને તે પોતાને મળેલા ધનનો કોઈ સદુપયોગ કરતો ન હતો એટલે દીવાલ બરાબર કરી મેં તે ધન હવે શ્રીમંતને પણ ન મળે તેમ કર્યું છે. અને આ ગરીબ ખેડૂતની પત્નીને લેવા યમના દૂતો રાત્રે આવ્યા હતા. ખાટલામાં આપણે સૂતા હતા એટલે મેં તેમને કહ્યું તેઓ ગાયના આત્માને લઈ જાય અને ખેડૂત પત્નીને  સજીવન આપે, તેમણે તેમ કર્યું... એટલે ગાય મરી ગઈ તે ખોટું થયું, પણ મેં ખેડૂત પત્નીનો જીવ બચાવ્યો.’ યુવાન દેવદૂતને સમજાયું કે - બધું જેવું દેખાય તેવું હોતું નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK