Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જંગલમાં લાગી આગ- (લાઇફ કા ફન્ડા)

જંગલમાં લાગી આગ- (લાઇફ કા ફન્ડા)

31 March, 2020 08:33 PM IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

જંગલમાં લાગી આગ- (લાઇફ કા ફન્ડા)

આગ- પ્રતીકાત્મક તસવીર

આગ- પ્રતીકાત્મક તસવીર


એક વખત ગરમીના દિવસોમાં જંગલમાં અચાનક આગ ફાટી નીકળી. એક તણખાએ પહેલાં એક તણખલું સળગાવ્યું અને તણખલા એક પછી એક સળગવા લાગ્યા. આગ ફેલાઈ ગઈ. ઝાડ-છોડમાં એક પછી એક ફેલાવા લાગી. વહેતા પવને જાણે આગમાં ઘી હોમ્યું. ગીચ જંગલમાં આગ વધુ ને વધુ પ્રસરી અને દાવાનળનું સ્વરૂપ લઈ લીધું. આ આગ હવે પ્રસરતી જ જતી હતી, અટકવાનું નામ જ લેતી નહોતી.

અનેક લીલાં ઝાડ ઊભાં-ઊભાં સળગી ગયાં અને એના પર રહેતાં પંખીઓનો તો તરત ખાતમો બોલી ગયો. જંગલમાં જીવ બચાવવા નાસભાગ થઈ ગઈ. ચારે બાજુ મુસીબત હતી ત્યાં કોણ કોને બચાવે. વધતીજતી આગથી બચવા બધાં પ્રાણીઓએ દોડાદોડ કરી મૂકી. સૌથી ઝડપથી દોડી શક્તા ચિત્તા, દીપડા, વાઘ, સિંહ જીવ બચાવવા દોડવા લાગ્યા. હરણ, વાંદરા અને સસલાં પણ ભાગી રહ્યાં હતાં, પણ તેમની દોડવાની તાકાત ક્યાંક ઓછી પડી અને સતત ફેલાતી જતી આગમાં તેઓ એક પછી એક ઝડપાઈ ગયાં અને બળી મર્યાં.



હાથી અને ગેંડા જેવાં જોરાવર પ્રાણીઓ પણ કંઈ કરી ન શક્યાં. ન ભાગી શક્યાં કે ન આગ સામે ટકી શક્યાં અને આગનો ભોગ બન્યાં. જિરાફ જેવા લાંબા પ્રાણીને એની લંબાઈ જ ભરખી ગઈ. સળગતા ઝાડની ઝાળ એને તરત લાગી ગઈ. અનેક દિવસો સુધી આગ બળતી રહી, પ્રસરતી રહી, પ્રકૃતિ અને વનસૃષ્ટિનો નાશ કરતી રહી. ધીમે-ધીમે આગ બુઝાવા લાગી. જ્યારે આગને આગળ ફેલાવા અન્ય લીલાં-સૂકાં ઝાડ ન મળ્યાં ત્યારે એનો દવ ઓછો થતો ગયો. આગ જયારે બુઝાઈ ગઈ ત્યારે અનેક જંગલો બળીને રાખ થઈ ગયા હતાં. અનેક પ્રાણીઓ પણ બળીને ભસ્મ થઈ ગયાં હતાં. જંગલની સમગ્ર જીવસૃષ્ટિ નાશ પામી હતી. હતાં માત્ર અડધાં બળેલાં ઝાડનાં ઠૂંઠાં. હજી સળગી રહેલા અવશેષ  અને રાખના ઢગલા.


આ ભયંકર દાવાનળ બાદ સઘળું શાંત થતાં ઉંદરો આમતેમ ફરવા લાગ્યા. બધું જ જ્યાં નાશ પામ્યું ત્યાં ઉંદરો કઈ રીતે બચી ગયા.? જવાબ છે જંગલમાં જ્યારે આગ લાગવાની શરૂઆત થઈ ત્યારે ઉંદરો ભાગવાને બદલે આમતેમ દોડવાને બદલે પોતપોતાના દરમાં જઈને છુપાઈ ગયા અને જ્યાં સુધી આગ બુઝાઈ નહીં ત્યાં સુધી પોતાના દરમાં જ રહ્યા એટલે બચી ગયા, જીવિત રહ્યા.

હાલની મહામારીની પરિસ્થિતિમાં જીવતા રહેવું હોય, બચવું હોય,


જીતવું હોય તો બસ ઉંદર બની જાઓ. પોતાના ઘરમાં જ રહો. બધાને હાથ નહીં, સાથ આપો.

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 08:33 PM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK