દીનતા શા માટે? (લાઇફ કા ફન્ડા)

Published: 12th November, 2012 05:59 IST

એક ભિખારણ હતી. તે જોઈ નહોતી શકતી. આંખોને અભાવે તે દુ:ખી તો હતી જ ઉપરાંત તેના બન્ને હાથ કાંડામાંથી કપાઈ ગયા હતા.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક ભિખારણ હતી. તે જોઈ નહોતી શકતી. આંખોને અભાવે તે દુ:ખી તો હતી જ ઉપરાંત તેના બન્ને હાથ કાંડામાંથી કપાઈ ગયા હતા. ભીખ માગવાનું તેને ગમતું નહોતું, પણ બીજો કોઈ રસ્તો ન હોવાથી તેણે એક નવી જ રીત અજમાવેલી. પોતાની પાસે બે ડબ્બા રાખતી. એક ર્બોડ પર લખેલું હતું, ‘પેન્સિલો ખરીદીને મને મદદ કરો.’

રોજ સવારે નિશ્ચિત સમયે તે એક જગ્યાએ બેસવાનો ક્રમ પાળતી. રોજ ત્યાં આવીને ઠૂંઠે હાથે ડબ્બાને ર્બોડ ગોઠવીને આસન વાળીને તે બેસી જતી. આંખોનાં અજવાળાં વિલાઈ ગયાં હતાં એટલે નજર આમતેમ ફેરવવાનો કોઈ સવાલ નહોતો. આથી શાંતિથી તે ભગવાનનું નામ લેતી બેસી રહેતી. લોકો તેની પેન્સિલો ખરીદતા ને કિંમત કરતાં થોડું વધારે પરચૂરણ નાખીને જ જતા.

પરિણામે તે બાઈનું પેટિયું નીકળી જતું.

એક વખત બે પ્રવાસીઓ ત્યાં થઈને પસાર થતા હતા. ખરા બપોરનો સમય. ધોમધખતો તાપ અને આવા તાપ વચ્ચે પણ તે એ જ જગ્યાએ બેઠી હતી.

એક પ્રવાસીએ એક પેન્સિલ લીધી અને ડબ્બામાં એક રૂપિયો નાખ્યો, પણ એ ડબ્બામાં અંદર ન પડતાં દડતો-દડતો દૂર જતો રહ્યો.

બાઈએ અવાજ સાંભળ્યો એટલે તે સિક્કો શોધતાં-શોધતાં તેણે કોણીના ભાર પર શરીર લંબાવ્યું અને તેનો હાથ વળી ગયો. તે ગબડી પડી. પેલા પ્રવાસીઓએ તેને તરત જ ઊભી તો કરી, પણ બધાને એ બિચારીની દશા પર ખૂબ જ દુ:ખ થયું.

એક દયાળુ પ્રવાસીએ તેના હાથમાં બે રૂપિયાની નોટ પકડાવી. બીજાએ પેલો દડી પડેલો રૂપિયો પણ ગોતી આપ્યો.

બીજા પ્રવાસીએ પહેલાને કહ્યું, ‘બિચારી બહુ લાચાર અને કમનસીબ સ્ત્રી છે.’

ભિખારણ બાઈએ આ વાત સાંભળી. તેણે જવાબ આપ્યો, ‘ભાઈઓ, હું તો ખૂબ જ નસીબદાર છું. મને હંમેશાં આપના જેવા ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિવાળા અને ઉમદા સ્વભાવના સજ્જનોનો જ પરિચય થાય છે. મને કમનસીબી કે લાચારી સાલતી જ નથી.’

ભીખ માગીને જેને પોતાનું પૂરું કરવું પડતું હોય, અન્યની ઉદારતા પર જ જેનું જીવન નર્ભિર હતું એવી આ ભિખારણ બાઈ પણ જો પોતાને કમનસીબ અને લાચાર માનવાની ના પાડતી હોય તો પછી આપણે પોતાની જાતને દીન-હીન અને લાચાર શા માટે માનવી જોઈએ?

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK