જીવનનું મહત્વ (લાઇફ કા ફન્ડા)

Published: 8th November, 2012 08:22 IST

એક શિક્ષકની આ વાત છે. બહોળું કુટુંબ અને ટૂંકો પગાર. બિચારો માંડ એક સાંધે ત્યાં તેર તૂટે એવી તેની કફોડી હાલત. ઘરમાં સંપ નહીં, રોજ કંકાસ થાય.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક શિક્ષકની આ વાત છે. બહોળું કુટુંબ અને ટૂંકો પગાર. બિચારો માંડ એક સાંધે ત્યાં તેર તૂટે એવી તેની કફોડી હાલત. ઘરમાં સંપ નહીં, રોજ કંકાસ થાય.

ચોમેરથી નિરાશાને કારણે તે જીવનથી કંટાળી ગયો. છેવટે તેણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો. તેને થયું મરતાં પહેલાં છેલ્લી વાર રમણ મહર્ષિનાં દર્શન કરતો જાઉં.

તેઓ આશ્રમમાં દર્શન કરવા ગયા. જઈને જોયું તો મહર્ષિજી પોતાના હાથે ખાખરાના પાનમાંથી પતરાળાં બનાવતા હતા.

મહર્ષિએ કંઈક પામી જઈને પૂછ્યું, ‘ભાઈ, તમારા મુખ પર આટલીબધી ઉદાસીનતા કેમ છવાઈ છે?’

‘કંઈ નહીં બાપજી!’ પેલાએ વાત ટાળતાં કહ્યું, ‘અમારા જીવનમાં તો આવું બધું ચાલ્યા જ કરે.’

પરંતુ આ જવાબથી મહર્ષિને સંતોષ ન થયો. તેમણે પ્રેમથી આગ્રહ કર્યો. પેલા શિક્ષકને થયું, હવે વાત છુપાવી નહીં શકાય. સ્વામીજીનાં ચરણ પકડી તેમણે દિલ ખોલીને સાચેસાચી વાત કહી દીધી.

વાત સાંભળી એક મિનિટ વિચાર કર્યા બાદ સ્વામીજી બોલ્યા, ‘ભાઈ, મારું એક કામ કરશો? આ પતરાળાંને ઉકરડે નાખી આવો, પછી આપણે વાતો કરીએ.’

પેલા શિક્ષક બોલ્યા, ‘સ્વામીજી, મહેનતથી બનાવેલાં પતરાળાં ઉકરડે થોડાં નખાય?’

સ્વામીજી બોલ્યા, ‘ના, ઉકરડે જ નાખી દો!’

શિક્ષક બોલ્યા, ‘સ્વામીજી, આપની મહેનત નકામી જશે.’

સ્વામીજી બોલ્યા, ‘ભલે જતી એળે, ક્યાં બહુ મહેનત પડી છે?’

શિક્ષક બોલ્યા, ‘કેમ નહીં? ખાખરાનાં પાન વીણવાં, લીમડાની સળીઓ શોધવી, પાનને સરખાં ગોઠવવાં, સળીઓ વ્યવસ્થિત લગાવવી... આમાં કેટલી મહેનત છે? જમ્યા પછી ફેંકી દઈએ તો બરાબર કહેવાય.’

રમણ મહર્ષિ મલકતાં બોલ્યા, ‘શિક્ષક છો, આટલું સમજો છો તો મોતને ભેટવાની ભૂલ ભરેલી વાત કેમ કરો છો? જો એક પતરાળું નકામું ફેંકવું તમને પસંદ નથી તો મહામૂલ્ય જીવનનો વિનાશ કરવાનું તમે વિચારી જ કેમ શકો?’

જેમ પતરાળું ખૂબ જ મહેનતથી બન્યું છે એમ માનવજીવન પણ ખૂબ જ મહેનત બાદ અનેક જન્મનાં પુણ્ય બાદ પ્રાપ્ત થાય છે. જેમ પતરાળીનો ઉપયોગ જમવા માટે થવો જોઈએ એમ સત્કાર્ય માટે માનવજીવનનો સદુપયોગ થવો જોઈએ. પૂર્વજન્મનાં કર્મ અનુસાર સુખ-દુ:ખનો હિંમતથી સામનો કરવો જોઈએ.

પેલા ભાઈના જીવનમાં આશાની જ્યોત ફરી પ્રગટી ઊઠી.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK