દુ:ખ દૂર કરવાની રીતો (લાઇફ કા ફન્ડા)

Published: 7th November, 2012 06:48 IST

એક માણસને ભરબપોરે ક્યાંક સંદેશો આપવા જવાનું થયું. તેના પગમાં બૂટ કે ચંપલ નહીં હોવાથી તેના પગનાં તળિયાં દાઝી ગયાં. પોતાની ગરીબી પર તેને બહુ જ નફરત થઈ ગઈ.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક માણસને ભરબપોરે ક્યાંક સંદેશો આપવા જવાનું થયું. તેના પગમાં બૂટ કે ચંપલ નહીં હોવાથી તેના પગનાં તળિયાં દાઝી ગયાં. પોતાની ગરીબી પર તેને બહુ જ નફરત થઈ ગઈ.

પણ પગથિયાં ચડતાં તેણે જોયું કે એક માણસના બે પગ નથી. તે મહામહેનતે કાખઘોડીથી પગથિયાં ચડી રહ્યો છે. તેણે આ દૃશ્ય જોઈ મનોમન પ્રાર્થના કરી કે ‘નાથ! તારો આભાર માનું કે તેં ભલે મને પગરખાં ન આપ્યાં, પણ મારા પગ તો સલામત રાખ્યા છે.’

તેનો બધો વિષાદ અને દીનતા ઓગળી ગયાં.

કોઈ બાબત પરત્વે જ્યારે પણ દીનતા અને લાચારીનો અનુભવ થાય ત્યારે એક વાક્ય ગાંઠે બાંધવા જેવું છે કે ‘તમારા કરતાં પણ ઘણા વધારે કમનસીબ માણસો હોય છે એ ભૂલશો નહીં.’

ગમે એવી લાચાર પરિસ્થિતિમાં પડ્યા હોઈએ તો પણ આપણને દીનતાના અનુભવમાંથી આ વાક્ય ઉગારી લેશે.

આપણા કરતાં વધુ લાચાર પરિસ્થિતિમાં પડેલા માણસોએ હિંમત જાળવીને, મહેનત કરીને, કેવી-કેવી સિદ્ધિઓ મેળવી હતી એના પરથી પ્રેરણા મેળવીએ અને વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા પ્રયત્નશીલ બનીએ.

વળી બીજી વાત, જે આપણી પાસે નથી એ માટે દુ:ખી થવાને બદલે જે છે એનો આનંદ માણતાં શીખવું જોઈએ. જે ખોવાઈ ગયું છે એનો રંજ કરવાને બદલે જે છે એનો આનંદ વ્યક્ત કરો.

ભગવાને તમને આપેલી નાનામાં નાની આશિષભેટનો પ્રેમથી સ્વીકાર કરો. એને માટે ભગવાનનો વારંવાર આભાર માનો.

તમારું ઘર નાનું છે, એક કે બે ઓરડીમાં જ રહેવું પડે છે એનું દુ:ખ થાય છે? તો યાદ કરો કે અસંખ્ય લોકો ઝૂંપડામાં રહે છે અને ઘણાને તો ઝૂંપડી પણ નસીબ નથી હોતી. પૃથ્વીનું પોઢણ અને આભનું ઓઢણ કરીને તેઓ દિવસો વિતાવે છે.

તમને કોઈ શારીરિક તકલીફ છે? એનાથી કંટાળી ગયા છો? તો ભયંકર રોગનો શિકાર થઈ પડેલા રોગી અને શારીરિક રીતે અક્ષમ બની ચૂકેલા અસંખ્ય માનવીઓનો વિચાર કરો.

તમને તમારી કમાણી ઓછી લાગે છે? તો બેકારોની શી હાલત થશે? વિચારો, આ બધાની સરખામણીમાં તો તમે ઘણા નસીબદાર છો.

પરિસ્થિતિ વણસી છે, પણ વધારે વણસી નથી એટલું સારું છે. આ બધી રીતો અજમાવવાથી, આમ વિચારવાથી તમે તમારા દુ:ખને દૂર કરી શકશો. વિચારોની દિશા સહેજ ફેરવવાથી દુ:ખ પળમાં ભાગી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK