કોણ જાગે? (લાઇફ કા ફન્ડા)

Published: 5th November, 2012 06:52 IST

ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાનો આગ્રહ હતો કે તેના રાજ્યમાં ક્યાંય ચોરી, લૂંટફાટ કે ચાંચિયાગીરી ન થવી જોઈએ. કોઈ જાતની અરાજકતા ન જોઈએ. તેના રાજ્યમાં વેપાર ધમધોકાર ચાલે, પ્રજા આબાદ બને, નિર્ભય બની બધા કામધંધો કરે અને રાજ્ય સમૃદ્ધ બને એના માટે તે સદા સજાગ રહેતો.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાનો આગ્રહ હતો કે તેના રાજ્યમાં ક્યાંય ચોરી, લૂંટફાટ કે ચાંચિયાગીરી ન થવી જોઈએ. કોઈ જાતની અરાજકતા ન જોઈએ. તેના રાજ્યમાં વેપાર ધમધોકાર ચાલે, પ્રજા આબાદ બને, નિર્ભય બની બધા કામધંધો કરે અને રાજ્ય સમૃદ્ધ બને એના માટે તે સદા સજાગ રહેતો.

રાજ્યમાં કોઈ પણ ગુનો થાય તો એની તે જાતતપાસ કરતો અને ગુનો સાબિત થાય તો દાખલો બેસાડવા ગુનેગારોને સખત સજાઓ કરતો.

એક દિવસ મહમૂદ બેગડાના દરબારમાં કેટલાક વેપારીઓ ફરિયાદ લઈને આવ્યા. વેપારીઓએ અરજ કરતાં કહ્યું, ‘સુલતાન, હજૂર અમે લૂંટાઈ ગયા.’

મહમદ બેગડાએ તરત પૂછ્યું, ‘ક્યાં? કેવી રીતે?’

વેપારીઓના આગેવાને કહ્યું, ‘અમે બહારગામથી ખરીદી કરીને કીમતી માલ લઈને ઉત્તર દિશા તરફથી શિરોહીની હદમાં આવ્યા ત્યારે અંધારું થવા આવ્યું હતું. રાતવાસો કરવાનું અમે નક્કી કર્યું. આરામ કરવા માટે અમે સૂતા ત્યાં અડધી રાત્રે લૂંટારુઓએ અચાનક હુમલો કરી ધાડ પાડી અમને લૂંટી લીધા.’

મહમૂદ બેગડાએ વેપારીઓના આગેવાન પાસેથી બધી વાત સાંભળી. અન્ય વેપારીઓની પણ પૂછપરછ કરી. પછી કહ્યું, ‘મારો પ્રશ્ન છે, તમે કીમતી માલ સાથે હતા તો ચોકીદારીની વ્યવસ્થા કર્યા વિના બધા કેમ સૂઈ ગયા? તમારામાંથી કોઈકે જાગવું જોઈએને?’

સુલતાનની વાત સાંભળી બધા વેપારીઓ વિચારમાં પડી ગયા અને ડરી પણ ગયા કે બાદશાહે તો આપણો વાંક કાઢ્યો. હવે આ પ્રશ્નનો જવાબ શું આપવો? કોઈ કંઈ બોલી શક્યું નહીં. થોડી પળો બાદ એક યુવાન વેપારી નમન કરી આગળ આવ્યો. થોડી હિંમત કરી બોલ્યો, ‘બાદશાહ સલામત, અમને એમ કે તમે જાગતા હશો.’

આ એક વાક્ય સાંભળી બેગડાની આંખો ચમકી ઊઠી. તેને યુવાનની વાત સાચી અને ચોટ કરનારી લાગી. રાજા જો જાગતો હોય તો પ્રજા સુખે સૂઈ શકે. તેણે દરેક વેપારીને લૂંટેલા માલના પૈસા ભરી દીધા.

મહમૂદ બેગડાએ શિરોહીના રાજવીને સંદેશો મોકલ્યો કે ‘તમારી હદમાં અમારા વેપારીઓ લૂંટાયા છે, ઘટતું કરજો. ગુનેગાર ગોતી સજા કરજો અને માલના પૈસા મોકલજો.’

શિરોહીના રાજવીએ વાત ઉડાવી દીધી.

બેગડાએ શિરોહી પર ચડાઈ કરી. રાજાને હરાવી પોતાની વાત સમજાવી. માલના પૈસા લઈ રાજ પાછું આપ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK