મહારાજા રણજિતસિંહ ખૂબ જ ન્યાયપ્રિય, પ્રજાપાલક રાજા હતા. સદા પ્રજાની
મદદ કરવા તત્પર રહેતા. જાતે વૃદ્ધ પ્રજાજનનો થેલો ખભે ઊંચકી તેની ઝૂંપડી
સુધી મૂકી આવતા હતા.
(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)
મહારાજા રણજિતસિંહ ખૂબ જ ન્યાયપ્રિય, પ્રજાપાલક રાજા હતા. સદા પ્રજાની મદદ કરવા તત્પર રહેતા. જાતે વૃદ્ધ પ્રજાજનનો થેલો ખભે ઊંચકી તેની ઝૂંપડી સુધી મૂકી આવતા હતા.
નાનપણમાં બીમારીમાં તેમણે એક આંખ ગુમાવી દીધી હતી છતાં ઘોડેસવારી, તલવારબાજીમાં તેઓ નિપુણ હતા અને શૂરવીર રાજા તરીકે ખ્યાતિ પામ્યા હતા.
એક અંગ્રેજે રણજિતસિંહની વીરતા વિશે ઘણી બધી વાતો સાંભળી હતી. ફકીર અઝીઝુદ્દીનને તે અંગ્રેજ રસ્તામાં મળે છે અને ત્યારે ફકીર અઝીઝુદ્દીન મહારાજા રણજિતસિંહની વીરતાની કહાણી ગાતા હોય છે.
અંગ્રેજ ફકીરને પૂછે છે, ‘શું તમારા મહારાજા ખરેખર આટલા શૂરવીર છે. પણ મેં તો સાંભળ્યું છે કે તેમને એક આંખ નથી. તો માત્ર એક આંખથી તેઓ યુદ્ધમાં ચારેકોર ધ્યાન રાખી સતર્કતાથી યુદ્ધ કઈ રીતે લડે છે?’
ફકીર અઝીઝુદ્દીને ખુમારીથી જવાબ આપ્યો, ‘તમને શક થઈ શકે, પણ અમારા મહારાજા પાસે સૂરજનું તેજ અને પ્રચંડ તાકાત છે. તેમની શૂરવીરતા અને બહાદુરી પર અમને સંપૂર્ણ ભરોસો છે.’
અંગ્રેજે પૂછ્યું, ‘મહારાજા રણજિતસિંહની કઈ આંખ નથી, ડાબી કે જમણી?’
ફકીર બોલ્યા, ‘અમારા મહારાજાના મુખ પર વીરતા, ન્યાયપ્રિયતા અને પ્રજાપ્રેમની અજબ આભા છે. તેમની સામે કોઈ આંખ પણ મેળવી શકતું નથી. એથી તેમની એક આંખ નથી અને કઈ આંખ નથી એ વિશે હું કંઈ જ કહી શકું એમ નથી. અને જો તમે મહારાજા વિશે કંઈ જાણવા માગતા જ હો તો હું તેમના પગ વિશે જણાવી શકું. કારણ કે જ્યારે પણ હું તેમને મળું છું ત્યારે મારી નજર નીચે જ તેમનાં ચરણોમાં ઝૂકેલી રહે છે અને એટલે હું તેમની જ વિગત જણાવી શકું એમ છું. બાકી આંખ વિશે કે અન્ય બાબતની કોઈ જાણકારી હું આપને આપી શકું એમ નથી.’
અંગ્રેજ ફકીર અઝીઝુદ્દીનની વાત સાંભળીને અવાચક થઈ ગયો. મહારાજા રણજિતસિંહની લોકપ્રિયતા અને પ્રભાવ તથા પ્રજાની તેમના પ્રત્યેની લાગણી અવર્ણનીય હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK