એક કામ કરશો? (લાઇફ કા ફન્ડા)

Published: 29th October, 2012 06:56 IST

કથામાં રોજ આવનારા એક ભાઈએ યાત્રા કરવા જવાનું વિચાર્યું.


(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

કથામાં રોજ આવનારા એક ભાઈએ યાત્રા કરવા જવાનું વિચાર્યું.

જતાં પહેલાં મહાત્મા સરયૂદાસજીની ચરણવંદના કરવા આવ્યા.

વંદન કરતી વખતે સંતને ચરણે શ્રીફળ મૂક્યું, દક્ષિણા મૂકી અને આશિષ યાચી.

સંતે ખૂબ જ સ્નેહપૂર્વક આશિષ આપી સાથે-સાથે ચરણમાં પધરાવેલા પૈસા પાછા આપ્યા.

પેલા ભાઈનું મન ખૂબ જ કચવાયું એટલે સંતે કહ્યું, ‘ભાઈ, મારી પાસે ધન પડ્યું રહે એ શોભે નહીં. એ એકઠું થાય તો તે ચિત્તને વિક્ષેપમાં નાખે. ધ્યાન-ભક્તિ ભુલાવે અને જીવનધ્યેયમાંથી ચળાવે. માટે કૃપા કરીને એ પાછું લેતા જાઓ.’

પરંતુ પેલા ભાઈનું મન તો મૂકેલી પેલી દક્ષિણા પાછી લેવા માટે માનતું નહોતું.

છેવટે સંતે તેમની ભાવના પણ સચવાય એવો વ્યવહાર રસ્તો શોધી કાઢ્યો.

તેમણે કહ્યું, ‘ચાલો ભાઈ, તમારો ખૂબ આગ્રહ છે અને તમારું મન દુભાય છે તો હું આપની દક્ષિણા સ્વીકારી લઉ છું. આપે મને આપી અને મેં સ્વીકારી લીધી એટલે એ વસ્તુ મારી થઈ ખરુંને? અને હવે તો મારી ઇચ્છા પ્રમાણે હું એનો ઉપયોગ કરી શકુંને?’

પેલા ભાઈએ આનંદભેર કહ્યું, ‘હા બાપજી, એમાં શંકા હોય જ શાની?’

એ પછી બીજી વાતો ચાલી અને યાત્રાની સાર્થકતાનો ઉપદેશ મેળવી એ ભાઈએ વિદાય માગી. એ વખતે સંતે કહ્યું, ‘ભાઈ, બહાર જાઓ છો તો મારું એક કામ કરશો?’

પેલા ભાઈએ ઉમંગથી કહ્યું, ‘એક નહીં, બે કહોને બાપજી!’

‘તો આટલી રકમ મારા વતી જેનું કોઈ ન હોય તેવા દીનદુ:ખિયાને રાહત મળે એવી રીતે વાપરજો.’ કહી દક્ષિણાના પૈસા પેલા ભાઈના હાથમાં મૂક્યા.

ભાઈથી હવે કંઈ બોલાય તેમ નહોતું. સંત તેમની દક્ષિણા જ માત્ર પાછી નહોતા આપતા, વધારામાં નવું કામ પણ સોંપતા હતા એ તો કરવું જ પડે.

લાંબો હાથ કરી એ રકમ તેમણે લઈ લીધી.

સંતે મારી ભેટ સ્વીકારી નહીં એવો રહ્યો-સહ્યો વિચાર પણ પેલા ભાઈના હૃદયમાંથી કાઢી નાખવા માટે સંત બોલ્યા, ‘ભાઈ, મારું વર્તન જરાક વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે કે અમારા જેવાને પોષનારા અનેક મળી રહે પણ અજાણ્યા ખૂણામાં ભૂખના દુ:ખે અટવાતા દુ:ખી માનવબંધુઓને મદદ કરવામાં ખરચાઈ જવું એ સંત-બ્રાહ્મણોને દાન દેવા કરતાં અને મોટા હોમ-હવન કરતાં ઘણું મોટુ કામ છે. આ દક્ષિણા વડે તમે અન્યની મદદ કરશો તો મારા આશિષ સાથે પેલા દીનદુખિયાના આશિષ પણ મળશે.’

સંતની વાત સમજી પેલા ભાઈ વંદન કરી યાત્રાએ ગયા.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK