જીવનનો અંશ (લાઇફ કા ફન્ડા)

Published: 22nd October, 2012 06:36 IST

કવિ વડ્ઝવર્થ ખ્યાતનામ નામ. તેમણે જીવનમાં અખૂટ સર્જન કર્યું અને જીવનમાં ઘણાં સુખ-દુ:ખ જોયેલાં.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

કવિ વડ્ઝવર્થ ખ્યાતનામ નામ. તેમણે જીવનમાં અખૂટ સર્જન કર્યું અને જીવનમાં ઘણાં સુખ-દુ:ખ જોયેલાં.

મૂળ કવિ એટલે અસીમ સંવેદનાના ધણી અને એમાં હૈયાને ચીરી નાખતી બે ઘટનાઓ બની ગયેલી. આઘાતજનક ઘટનાઓને લીધે કવિ ક્રમશ: મૌન અને એકાંતમાં ઢળી ગયેલા.

પછીથી તેમનાં કાવ્યોમાં ચિંતન વધેલું અને આસ્થા ઉમેરાયેલી.

આમ તો તેમના ઘણા ચાહકો અને મિત્રો હતા. તેમની સાથે આત્મીયતા પણ ઘણી હતી, પણ કવિ એકાંતમાં જીવવાનું જ વધારે પસંદ કરતા.

એક દિવસ એક મિત્ર તેમને ઘણા દિવસે મળવા આવ્યા. બન્ને વાતોએ વળગ્યા.

મિત્રે પૂછ્યું, ‘કવિ, હમણાં શું લખો છો?’

વડ્ઝવર્થ બોલ્યા, ‘હાલમાં તો વચલા અંશને વ્યવસ્થિત કરી રહ્યો છું.’

મિત્ર બોલ્યા, ‘વચલો અંશ? શેનો વચલો અંશ? કઈ કૃતિનો અંશ?’

વડ્ઝવર્થ હસ્યા અને બોલ્યા, ‘જીવનનો.’

મિત્રએ પૂછ્યું, ‘કવિ, કંઈક સમજાય એવી રીતે કહોને જીવનનો વચલો અંશ એટલે શું?’

વડ્ઝવર્થે સહજતાથી કહ્યું, ‘આમાં ન સમજાય એવું કંઈ જ નથી. જીવન એટલે આપણું જીવન. આ જીવનના ત્રણ ભાગ ખરા કે નહીં?’

મિત્રે કહ્યું, ‘ત્રણ ભાગ કેવી રીતે?’

વડ્ઝવર્થ બોલ્યા, ‘એક તો જે ભાગ વીતી ગયો છે એ, બીજો જે વીતવાનો છે એ અને ત્રીજો તો આ પળે વીતી રહ્યો છે એ.’

મિત્ર બોલ્યા, ‘આ વાત તો સાચી છે.’

વડ્ઝવર્થ બોલ્યા, ‘મેં કહ્યું કે વચલા અંશને વ્યવસ્થિત કરી રહ્યો છું એટલે અત્યારે જે વીતી રહ્યો છે એ વચલા ભાગને હું વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ભૂતકાળમાંથી પાઠ લઈને હું વર્તમાનકાળને સમૃદ્ધ બનાવું છું અને વર્તમાન કાળને એ રીતે ગોઠવી રહ્યો છું જેથી મારું ભાવિ જીવન વધારે સારું થાય.’

મિત્ર બોલ્યા, કવિ તમે તો જીવનની સાચી સમજ આપી દીધી. આપણા જીવનના વચલા અંશને એટલે આજની પળને મહત્વ આપી આજને વધુ ને વધુ વ્યવસ્થિત કરતા રહીએ તો જીવન આપોઆપ સુંદર બનતું જાય.’

ગઈ કાલમાંથી બોધપાઠ લઈ,

આજને સુધારો તો આવતી કાલ સુંદર જ હશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK