હાતિમની દાનવીરતા (લાઇફ કા ફન્ડા)

Published: 17th October, 2012 05:44 IST

યમન દેશનો રાજા દાનવીર હતો. તે ખૂબ જ દાન કરતો, પણ તેનું મન તદ્દન નિર્મળ નહોતું. તેના મનમાં સૌથી મોટા દાનવીર તરીકે પ્રખ્યાત થવાની લાલસા હતી. પોતે કેટલું બધું દાન કરી સત્કાર્ય કરી રહ્યો છે એનું તેને અભિમાન હતું.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

યમન દેશનો રાજા દાનવીર હતો. તે ખૂબ જ દાન કરતો, પણ તેનું મન તદ્દન નિર્મળ નહોતું. તેના મનમાં સૌથી મોટા દાનવીર તરીકે પ્રખ્યાત થવાની લાલસા હતી. પોતે કેટલું બધું દાન કરી સત્કાર્ય કરી રહ્યો છે એનું તેને અભિમાન હતું.

યમન દેશમાં હાતિમ નામના એક બીજા માણસની નામના દાનવીર તરીકે હતી. તેના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નહીં એમ લોકો કહેતા. રાજાએ પણ તેની ખ્યાતિ સાંભળી હતી અને તેને મનમાં થયું કે મારી આટલી ખ્યાતિ નથી. મારી નામના થાય એ માટે મારે હાતિમને રસ્તામાંથી દૂર કરવો જોઈએ.

ઈષ્ર્યાને કારણે રાજાએ કઠોર નિર્ણય કર્યો. તેણે નક્કી કર્યું, હું હાતિમનું માથું વાઢી લઈશ. ખરેખર ઈષ્ર્યા અને લાલસા સખત બૂરી ચીજ છે. એનાથી પ્રેરાઈને રાજા જેને ઓળખતો નહોતો એવા પરોપકારી હાતિમને મારવા નીકળી પડ્યો.

દિવસભરના શ્રમ પછી તે હાતિમને ગામ પહોંચ્યો. થાક્યો-પાક્યો ગામ બહાર આરામ કરવા બેઠો હતો. એટલામાં એક યુવાન તેની નજીક આવ્યો.

તેણે પૂછ્યું, ‘તમે પરદેશી લાગો છો.’

‘હા ભાઈ.’ રાજાએ કહ્યું.

યુવાને પૂછ્યું, ‘આ ગામમાં ક્યારે આવ્યા? ગામમાં કોઈ ઓળખે છે?’

રાજાએ કહ્યું, ‘ના, કોઈ ઓળખીતું નથી. હમણાં જ ચાલ્યો આવું છું એથી થાકી ગયો છું.’

યુવાને કહ્યું, ‘તો ચાલો મારે ઘેર.’

થોડી આનાકાની પછી તે યુવાન આગ્રહ કરી રાજાને પોતાને ઘેર લઈ ગયો. ખૂબ આદરસત્કાર કર્યો. બે દિવસ પછી રાજા જવા તૈયાર થયો ત્યારે યુવાને કહ્યું, ‘શું ઉતાવળ છે, બે-ચાર દિવસ રહો તો ખરા!’

રાજાએ કહ્યું, ‘હું ખાસ અગત્યના અને ગુપ્ત કામે આવ્યો છું. એ પાર પાડી મારે જલદી પાછા ફરવાનું છે.’

યુવકે પૂછ્યું, ‘શું કામ છે? કંઈ વાંધો ન હોય તો મને કહો. મારાથી બનશે તો મદદ કરીશ.’

દિવસોના ભાવભર્યા વર્તાવથી રાજાનું મન મળી ગયું હતું એટલે વિશ્વાસ રાખી તેણે કહ્યું, ‘હું હાતિમનું માથું કાપીને લઈ જવા આવ્યો છું.’

યુવાને કહ્યું, ‘તો-તો હું તમને આ કામમાં જરૂર મદદ કરીશ.’

રાજાએ પૂછ્યું, ‘કેમ, તે તમારો પણ દુશ્મન છે?’

યુવાને કહ્યું, ‘હું પોતે જ હાતિમ છું. લ્યો ઉતારી લો મારું માથું.’

રાજા શરમાઈ ગયો.

હાતિમે કહ્યું, ‘મને મારી પાછલે બારણેથી ચાલ્યા જાઓ.’

રાજાએ પોતાની ઓળખાણ આપી. પોતાનો જાન પણ દાનમાં આપવા તૈયાર હાતિમના પગમાં તે પડી ગયો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK