અઘરું કામ (લાઇફ કા ફન્ડા)

Published: 15th October, 2012 06:23 IST

એક યુવાન એક ખૂબ જ પ્રખ્યાત વિચારક-ચિંતકના પરિચયમાં હતો. તે યુવાન આમ તો સરળ, નિખાલસ અને હોશિયાર હતો, પરંતુ તેનું મન ખૂબ જ આવેશપ્રધાન હતું. તે ગમે ત્યારે ગુસ્સે થઈ જતો.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એક યુવાન એક ખૂબ જ પ્રખ્યાત વિચારક-ચિંતકના પરિચયમાં હતો. તે યુવાન આમ તો સરળ, નિખાલસ અને હોશિયાર હતો, પરંતુ તેનું મન ખૂબ જ આવેશપ્રધાન હતું. તે ગમે ત્યારે ગુસ્સે થઈ જતો.

એક દિવસ ચિંતકે યુવાનને કહ્યું, ‘તું એક વાતનો જવાબ મને વિચાર કરીને આપ. તારા જેવા જોરાવર જુવાન માણસ માટે કયું કામ અઘરું ગણાય? ધારો કે તારો મિત્ર આવીને મારી જાય તો એના બદલામાં તેને તમાચાની સામે તમાચો મારવો, તેના મોઢા પર એક મુક્કો લગાવી દેવો એ તને અઘરું કામ લાગે, કે એ વખતે તારા મુક્કાને તારા ખિસ્સામાં નાખી દેવો એ તને અઘરું લાગે?’

યુવાને જવાબ આપ્યો, ‘મારા મુક્કાને ખિસ્સામાં નાખી દેવો એ અઘરું લાગે.’

ચિંતક બોલ્યા, ‘તો હવે એમ કહે કે તારા જેવા ઉત્તમ અને હિંમતવાન યુવકે સહેલું કામ હોય એ કરવું જોઈએ કે અઘરું કામ હોય એ કરવું જોઈએ.’

એક મિનિટ તો તે વિચારમાં પડી ગયો. પછી બોલ્યો, ‘જે અઘરું કામ હોય એ.’

ચિંતકે કહ્યું, ‘તો પછી હવે ભવિષ્યમાં કોઈ પ્રસંગ આવે ત્યારે અઘરું કામ હોય એ જ કરવાનો પ્રયત્ન કરજે.’

એ પછી થોડા સમય બાદ તે યુવક એક દિવસ ચિંતક પાસે આવ્યો.

સાચા અભિમાનપૂર્વક તેણે ચિંતકને કહ્યું, ‘હું પેલું અઘરું કામ કરવામાં સફળ થયો.’

પોતાની વાત સમજાવતાં તેણે કહ્યું, ‘અમારા કારખાનામાં મારો એક મિત્ર છે. તેનો સ્વભાવ બહુ જ ખરાબ છે. એક દિવસ તેણે ગુસ્સામાં આવીને મને મારી દીધું. તે મને ઓળખતો હોવાથી તેને ખબર હતી કે હું કોઈને સામાન્ય રીતે કદી માફ કરતો નથી. હું ખૂબ જોરાવર છું એ પણ તે જાણતો હતો એટલે મને માર્યા પછી તે ચેતી ગયો અને પોતાના બચાવ માટે તૈયાર થઈ ગયો. એ જ વખતે મને આપની કહેલી વાત યાદ આવી ગઈ. તરત જ આપે કહ્યા પ્રમાણે વર્તન કરવાનું મેં વિચાર્યું, પણ ધાર્યા કરતાં પણ મને એવું વર્તન કરવાનું અઘરું લાગ્યું. તો પણ મેં મારા મુક્કાને ખિસ્સામાં નાખી દીધો. હું એ કરી શક્યો કે તરત જ મેં અનુભવ્યું કે મારો ગુસ્સો ક્યાંય ચાલ્યો ગયો હતો. ઊલટું મેં પેલા તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો. પહેલાં તે મને જોઈ રહ્યો પછી એકદમ આવીને મને ભેટી પડ્યો.’

અમારી વચ્ચે અતૂટ મિત્રતા બંધાઈ ગઈ. ક્રોધ પર આપણે બધાએ કાબૂ મેળવવાની જરૂર છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK