મા-બાપનાં હેત (લાઇફ કા ફન્ડા)

Published: 9th October, 2012 05:58 IST

ગ્રાન્ટ અમેરિકાનો પ્રેસિડન્ટ હતો. દુનિયાના સૌથી મોટા દેશના સર્વેસર્વા રાજા જેવો હતો.(લાઇફ કા ફન્ડા - - હેતા ભૂષણ)

ગ્રાન્ટ અમેરિકાનો પ્રેસિડન્ટ હતો. દુનિયાના સૌથી મોટા દેશના સર્વેસર્વા રાજા જેવો હતો.

કરોડો માણસો તેની ભક્તિ કરતા. તેનાં વિચાર, વાણી, વર્તન અને બોલ પર આખી દુનિયાની શાંતિનો આધાર હતો.

તેના હુકમનું તરત જ પાલન થતું. મોટાં-મોટાં લશ્કરો પણ ધ્રૂજી ઊઠતાં.

દર રવિવારે સવારે કુટુંબના નાના-મોટા બધા માણસોને ભેગા કરીને પ્રાર્થના કરતો. તેની એંસી વર્ષની માથી માંડી તેના ત્રણ વર્ષના છોકરા સુધી બધાં આ વખતે હાજર રહેતાં અને ગ્રાન્ટ પોતે ધર્મ પુસ્તક વાંચતો.

એક રવિવારે ગ્રાન્ટ પ્રાર્થના કરતા હતા ને આખું કુટુંબ છાનુંમાનું બેસી પ્રાર્થના સાંભળતું હતું. તેને ત્યાં આવેલા પરોણાઓ અને પ્રધાનો પણ ત્યાં હાજર હતા. બધા પ્રાર્થના કરી રહ્યા હતા.

એટલામાં ગ્રાન્ટના ત્રણ વર્ષના છોકરાને કંઈક સૂઝ્યું અને તે કંઈક બોલવા લાગ્યો. શાંતિનો ભંગ થયો અને પ્રાર્થનામાં ખલેલ પહોંચી.

ગ્રાન્ટે પ્રાર્થના વાંચતાં-વાંચતાં જ છોકરા સામે આંખો કાઢી અને ગુસ્સાથી તેની તરફ જોયું. છોકરાને એની કોઈ દરકાર હતી નહીં. તે તો પોતાની મસ્તીમાં મસ્ત હતો. તેણે તો જે બોલતો હતો એ બોલ્યા જ કર્યું. હવે ગ્રાન્ટના ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે પ્રાર્થના અધવચ્ચે અટકાવી અને ઊભા થઈને ત્રણ વર્ષના પોતાના દીકરાને એક તમાચો માર્યો. દીકરો રડવા લાગ્યો.

ગ્રાન્ટની મા એંસી વર્ષની હતી. તે પાસે જ બેઠી હતી. તે તરત ઊઠીને ગ્રાન્ટની પાસે આવી અને કંઈ પણ બોલ્યા વિના તેને એક તમાચો ખેંચી કાઢ્યો!

ત્યાં બેઠેલા બધા પોતાના સ્થાન પરથી ઊભા થઈ ગયા. અવાચક થઈ ગયા.

ડોસીમાએ લથડતી જીભે કહ્યું, ‘તું તારા છોકરાને મારે છે તો હું મારા છોકરાને મારું છું.’

પળવાર માટે ગ્રાન્ટનો ગુસ્સો હાથમાં રહ્યો નહીં. તેની આંખો લાલચોળ થઈ ગઈ. બધાની સામે થયેલું અપમાન તે સહી શક્યો નહીં, પણ પછી તરત જ તેણે પોતાની પ્રેમાળ માતા તરફ જોયું.

મા બોલી, ‘તારો ત્રણ વર્ષનો દીકરો પ્રાર્થનામાં વાત કરે તો તું તેને મારે તો મારો આટલો મહાન પ્રમુખ પુત્ર નાના ફૂલ જેવા બાળક પર હાથ ઉપાડે તો તેને પણ માર જ પડેને!’

ગ્રાન્ટનો ગુસ્સો ઊતરી ગયો. આ માએ જન્મ આપ્યો હતો, દુ:ખ વેઠી ઉછેર્યો અને સાચા વિચારો આપ્યા હતા અને આજે પણ સાચી શીખ આપી હતી.

માને વંદન કરી દીકરાને વહાલ કરી ગ્રાન્ટે ફરી પ્રાર્થના કરવી શરૂ કરી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK