ખેતરમાં લૂંટની છૂટ (લાઇફ કા ફન્ડા)

Published: 8th October, 2012 06:42 IST

સૌ પોતપોતાની સીમા વધારવા પ્રયત્ન કરતા હતા. ચારે બાજુ અરાજકતા હતી. એક ગામથી બીજે ગામ રોજની લડાઈ અને નાસભાગ થતી હતી. લોકો આવા જીવનથી કંટાળ્યાં હતા.(લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ)

એ જમાનો હતો તલવારનો. બળિયાના બે ભાગનો ન્યાય હતો.

સૌ પોતપોતાની સીમા વધારવા પ્રયત્ન કરતા હતા. ચારે બાજુ અરાજકતા હતી. એક ગામથી બીજે ગામ રોજની લડાઈ અને નાસભાગ થતી હતી. લોકો આવા જીવનથી કંટાળ્યાં હતા.

મરાઠા સરદાર બાજીરાવ પેશ્વાએ પણ પોતાના રાજ્યના સીમાડાનો વિસ્તાર કરવા માળવા પર ચડાઈ કરી. લાગલગાટ ત્રીસ દિવસ સુધી ઘેરો નાખ્યો, પણ માળવાએ લગીરે મચક આપી નહીં. ધીરે-ધીરે ખાવાનું ખૂટી ગયું.

ઘેરો ઘેરીને બેઠેલી સેનાના સૈનિકોને ખોરાક આપવો ખૂબ જ જરૂરી હતો. બાજીરાવ પેશ્વા વિચારમાં પડ્યા અને પછી જે મળે એ લૂંટી લાવવા પોતાના સેનાનાયકને મોકલ્યો.

સેનાનાયક પોતાના ઘોડા પર ખોરાકની શોધ કરવા ગયો. થોડેક દૂર ગયો. કઈ દિશામાં જવું એ અજાણ્યા પ્રદેશમાં નક્કી કરી શકતો નહોતો. જરાક આગળ તેણે એક ખેડૂતને ચાલતો જતો જોયો. સેનાનાયકે તેને પકડ્યો, ડરાવ્યો, ધમકાવ્યો અને ખોરાક મળી શકે એ માટે ખેતરનો રસ્તો બતાવવા કહ્યું.

બિચારો ખેડૂત નાનો માણસ. ડરી ગયો. તે બચી શકે એમ તો હતો જ નહીં. તે રસ્તો બતાવતો આગળ ચાલવા લાગ્યો.

થોડેક દૂર ગયા ત્યાં તો રસ્તામાં પાકથી ભરપૂર લહેરાતાં ખેતર આવ્યાં.

નાયકે કહ્યું, ‘હા, આ ખેતર સરસ છે. ચલાવો લૂંટ!’

‘સરદાર!’ ખેડૂતે આજીજી કરી.

‘શું છે?’ સરદાર તાડૂકી ઊઠ્યો.

ખેડૂત બોલ્યો, ‘નામદાર! આના કરતાં પણ આગળ સરસ ખેતર આવે છે.’

નાયકે હુકમ કર્યો, ‘એમ? તો ચાલો આગળ, આ ખેતર પછી લૂંટીશું.’

થોડેક આગળ ચાલ્યા. વચ્ચે ઘણાં ખેતરો ગયાં, પણ ખેડૂતે આગળ જવાનું જ કહ્યું. છેવટે છેવાડાનું એક નાનકડું ખેતર આવ્યું.

ખેડૂતે કહ્યું, ‘હવે ચલાવો લૂંટ.’

નાયક બરાડી ઊઠ્યો, ‘બુદ્ધિના બળદિયા! તું તો કહેતો’તો ને કે આગળ સરસ ખેતર આવે છે અને આ તો કેટલું નાનું અને ખરાબ ખેતર છે.’

‘ખરી વાત છે, સાહેબ.’ ખેડૂત બોલ્યો, ‘પણ એ ખતર તો બીજાનાં હતાં, જ્યારે આ મારું પોતાનું છે. બીજાના ખેતરમાં લૂંટ ચલાવવાની છૂટ આપવાનો મને શો અધિકાર?’

સામાન્ય ખેડૂતની ટકોર નાયકને હચમચાવી ગઈ.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK