વ્યસનમાંથી મુક્તિ (લાઇફ કા ફન્ડા)

Published: 4th October, 2012 06:29 IST

મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ડૉક્ટર રહેતા હતા. નામ અણ્ણાસાહેબ પટવર્ધન.આખા શહેરમાં તેઓ પ્રખ્યાત અને લોકપ્રિય વ્યકિત હતા. શહેરમાં દરેક જણ તેમને આદર અને સન્માન આપતાં.

તેમનું જીવન અત્યંત સાદું હતું. તેઓ ખૂબ જ સરળ અને નિયમિત જીવન જીવતા. તેમનું ખાવા-પીવાનું પણ સાદું અને નિયમિત હતું.

તેમને એક જ શોખ હતો અને તે હતો પાન ખાવાનો. આ એક શોખ નહીં, પણ પાન ખાવાનું તેમને એક વ્યસન હતું એમ કહીએ તો એમાં કશું ખોટું નહીં.

તેઓ એક ચાંદીની નકશીદાર પેટીમાં પાન રાખતા અને રોજ બપોર, સાંજ અને રાત્રે રસ્તા પર પડતા ઝરૂખામાં બેઠાં-બેઠાં પાન ખાતાં ત્યારે એક દિવસ એક ઘટના બની.

તેમણે પાન ચાવતાં-ચાવતાં ઝરૂખામાંથી પાનની પિચકારી રસ્તા પર મારી. પાનની પિચકારી તેમણે જે વખતે નીચે મારી એ જ સમયે એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેના પર એ પડી અને તેનાં કપડાં પર પાનની પિચકારીથી લાલ ડાઘા પડ્યા. પાનની પિચકારી કપડાં પર પડતાંની સાથે જ તે વ્યક્તિએ સહજ પ્રતિક્રિયા રૂપે ઉપરની દિશામાં જોયું. તેણે ઊંચું જોયું તો ઝરૂખામાં અણ્ણાસાહેબ બેઠા હતા. તેમના મોંમા પાનનો ડૂચો હતો.

અણ્ણાસાહેબને પણ ખ્યાલ આવી ગયો કે તે માણસ પર પાનની પિચકારી પડી છે અને તેનાં કપડાં બગડ્યાં છે.

પેલો રાહદારી કશું બોલ્યા નહીં. અણ્ણાસાહેબ જેવી આદરણીય વ્યક્તિને કશું કહેવાય નહીં એમ માનીને તે ત્યાંથી આગળ ચાલ્યો.

પણ આ બનાવે અણ્ણાસાહેબને વિચાર કરતાં મૂક્યા. અણ્ણાસાહેબના મનમાં ભારે તુમુલયુદ્ધ જામ્યું. તેમને થયું કે આ રાહદારી મારા પ્રત્યે અહોભાવ અને મોટો આદર ધરાવતો હોવાથી મને કશું કહ્યા વગર જાણે કશું જ ન બન્યું હોય એમ ચાલ્યો ગયો, તો મારા પ્રત્યે આવો અહોભાવ અને આદર ધરાવનાર માણસ પ્રત્યે મારી પણ કશી ફરજ ખરી કે નહીં ? તેના પ્રત્યે તેણે જેવું વર્તન મારા પ્રત્યે દાખવ્યું એવું વર્તન હું દાખવી શક્યો નહીં. આ તે મારા માટે કેવી વિડંબના, પણ આનું મૂળ તો મારું પાન ખાવાનું વ્યસન જ છે. શું પાનનું વ્યસન હું છોડી ન શકું?

અને એ જ ક્ષણે તેમણે પાનની ડબ્બી એક ખૂણામાં ફેંકી દીધી અને કદીયે પાન નહીં ખાવાની મનોમન દૃઢ પ્રતિજ્ઞા કરી અને જિંદગીભર તેમણે પાનને હાથ ન લગાડ્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK